<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

તારો છોકરો સમાજની દિકરીને ભગાડી ગયો તેને શોધીને આપી દે કહેતાં વીરાભાઇ પર ધોકાવાળી

માધાપર ચોકડીએ ઝૂપડપટ્ટીમાં બનાવઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો : બાજુમાં જ રહેતાં નાના ભાઇ કાના અને ભત્રીજા ગંગલાએ આડેધડ માર માર્યો

રાજકોટ તા. ૨૬: માધાપર ચોકડી પાસે ઝૂપડામાં રહેતાં અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં  વીરાભાઇ અરજણભાઇ પરમાર-મારવાડી (ઉ.વ.૫૫) ઉપર તેના સગા ભાઇ તેની બાજુમાં જ ઝૂપડામાં રહેતાં કાનાભાઇ અરજણભાઇ પરમાર અને ભત્રીજા ગંગલો કાનાભાઇએ ધોકાથી હુમલો કરી બેફામ માર મારતાં સારવાર માટે દાખલ થવું પડયું છે.

ગાંધીગ્રામ પોલીસે આ બનાવમાં વીરાભાઇની ફરિયાદ પરથી તેના ભાઇ-ભત્રીજા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. વીરાભાઇએ જણાવ્‍યું છે કે મારા નાના ભાઇ કાનાનો દિકરો દિલીપ અમારા સમાજની દિકરીને ભગાડી ગયો હોઇ આ બાબતે અગાઉ ગાંધીગ્રામ પોલીસમાં તેના વિરૂધ્‍ધ ફરિયાદ થઇ છે. ૨૬મીએ સવારે હું ઝૂપડે હતો ત્‍યારે મારા નાના ભાઇ કાનાએ મારી પાસે આવીને કહેલું કે-મારો છોકરો દિલીપ છોકરીને ભગાડી ગયો છે તે બંને ક્‍યાં છે તેની તારા છોકરાને ખબર છે તેમ કહેતાં મેં કહેલું કે મારા છોકરાઅને આની કંઇ ખબર નથી, આમાં મારા છોકરાનું ક્‍યાંય નામ લેતો નહિ.

આ સાંભળી કાનાએ કહેલું કે મારો છોકરો ક્‍યાં છે તે તારા છોકરાને પુછી લે નહિતર મજા નહિ આવે તેમ કહી ધમકી આપી હતી. ત્‍યાં ભત્રીજો ગંગલો કાના પણ આવી ગયો હતો. તેણે પણ મને દિલીપ ક્‍યાં છે તેમ પુછી ઝઘડો કર્યો હતો. મેં આ બાપ-દિકરાને માથાકુટ કરવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તારો છોકરો જે છોકરીને લઇને જતો રહ્યો છે તેને શોધી દિકરીને તેના પિતાને આપી દો એટલે વાત પુરી થાય. આ સાંભળી કાનો અને ભત્રીજો ગંગલો ઉશ્‍કેરાઇ ગયા હતાં અને લાકડાના ધોકાથી મને આડેધડ માર માર્યો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આ બંને ભાગી ગયા હતાં. મને ૧૦૮ મારફત હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તેમ વધુમાં વીરાભાઇએ કહેતાં એએસઆઇ એસ. જી. ગોસાઇએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(2:39 PM IST)