તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
ધારાસભ્ય ઉદય કાનગડના જન્મદિવસની સેવાકીય કાર્યો સાથે ભવ્ય ઉજવણીઃ નિઃશુલ્ક મોતિયા ઓપરેશન અને મેગા આરોગ્ય કેમ્પમાં ૧૧૦૦થી વધુ દર્દીઓએ લીધો લાભ
મનોદિવ્યાંગ બાળકોને ભોજન, જરૂરિયાતમંદોને ચશ્મા-દવા વિતરણ અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી જનસેવાનો સંકલ્પ દોહરાવાયોઃ કાર્યકર્તાઓ અને આગેવાનોનો જનસેવા કાર્યાલય ખાતે જમાવડો

રાજકોટઃ વિધાનસભા-૬૮ (પૂર્વ) ના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મતવિસ્તારમાં માનવતા અને સંવેદનાસભર વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેક કાપવાને બદલે જનસેવાને પ્રાધાન્ય આપીને યોજાયેલા આ કાર્યક્રમોમાં હજારો લોકો સહભાગી થયા હતા.
આરોગ્ય ક્ષેત્રે ભગીરથ કાર્ય જન્મદિવસના ઉપલક્ષમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ૫૦૦ થી વધુ દર્દીઓની તપાસ કરી આધુનિક ફેકો મશીન દ્વારા મફત મોતિયાના ઓપરેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્યએ પૂજ્ય રણછોડદાસજી બાપુના આશીર્વાદ લઈ મહાઆરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગે શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દૂધાત્રા અને કિશોરભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં, વિધાનસભા-૬૮ ના જનસેવા કાર્યાલય ખાતે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. મયૂરભાઈ ભમર દ્વારા આયોજિત આ કેમ્પમાં ૬૦૦ થી વધુ નાગરિકોએ જનરલ બીમારીઓ, આંખ, દાંત અને ચામડીના રોગોનું નિદાન કરાવી નિઃશુલ્ક દવા અને ચશ્મા મેળવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે અને પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાશીયાએ આ કેમ્પની મુલાકાત લઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
મનોદિવ્યાંગ બાળકો અને વિદ્યાર્થીઓ સાથે ઉજવણી ધારાસભ્યના જન્મદિવસને યાદગાર બનાવવા માટે વિવિધ વોર્ડના કાર્યકર્તાઓ દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે ભોજન અને અલ્પાહારના કાર્યક્રમો યોજાયા હતા. વોર્ડ નંબર ૫ માં નાગજીભાઈ રાદડિયા દ્વારા હિના ફાઉન્ડેશનમાં, વોર્ડ નંબર ૧૫ માં નિલેશભાઈ હેરભા અને કિશોરભાઈ મકવાણા દ્વારા એકરંગ સંસ્થામાં, તથા વોર્ડ નંબર ૧૬ માં રાજેશભાઈ લીલા દ્વારા મનોદિવ્યાંગ બાળકોને સ્નેહપૂર્વક ભોજન કરાવાયું હતું. વોર્ડ નંબર ૩ માં હેમુભાઈ પરમાર દ્વારા સ્પેશિયલ હોમ ફોર બોયઝના બાળકોને અલ્પાહાર અપાયો હતો. શિક્ષણ ક્ષેત્રે પણ સેવાકાર્ય હાથ ધરતા યુવા મોરચાના મહામંત્રી મિલન લીંબાશીયા દ્વારા શાળા નંબર ૧૩ ના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી પુરૂષાર્થ યુવક મંડળ સંચાલિત શાળા નંબર ૧૫ ના બાળકોએ પોતાના હાથે બનાવેલા ૫૪ શુભેચ્છા કાર્ડ ધારાસભ્યને ભેટ આપી અભિનંદન પાઠવ્યા હતા.
ઉદયભાઈ કાનગડએ પાંજરાપોળ સ્થિત મેલડી માતાજીના મંદિરે શીશ ઝુકાવી લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. જનસેવા કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સામાજિક સંસ્થાઓના આગેવાનોએ ફૂલહાર અને મીઠાઈથી ધારાસભ્યનું અભિવાદન કર્યું હતું. ધારાસભ્યશ્રીએ તેમની શુભેચ્છાઓ બદલ તમામ કાર્યકર્તાઓ, વરિષ્ઠ આગેવાનો અને સંસ્થાઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, લોકોના ચહેરા પરનું સ્મિત એ જ તેમના જન્મદિવસની સાચી સફળતા છે.
(2:56 PM IST)










