News of Tuesday, 27th January 2026
જીવનના ચાર રંગોની સંવેદના વ્યકત કરતી ગુજરાતી ફિલ્મ ‘‘ચૌરંગી'' : શુક્રવારથી સિનેમાઘરોમાં છવાઇ જશે
મનસુખ અને પકાના પાત્રને ન્યાય આપતા મુકેશ રાવ અને કેનીલ શામત કહે છે ફિલ્મમાં હાસ્ય, પ્રેમ, સંઘર્ષ અને વેદનાનો બખુબીપૂર્વક સમન્વય સધાયો છે : ‘જબ્બર પ્રેમ' પ્રમોશન ગીતે ધુમ મચાવી : રાઇટર આશીફ અજમેરી અને ડાયરેકટર વિનોદ પરમાર : મોટાભાગનું શુટીંગ તિલકવાડા, બરોડા અને મુંબઇમાં થયું

રાજકોટ, તા. ર૭ : પ્રેમ, હાસ્ય, સંઘર્ષ, વેદના જેવા જીવનના અલગ અલગ ચાર રંગો પરની વાર્તાઓ લઇને નિર્માણ થયેલ ગુજરાતી ફિલ્મ ‘‘ચૌરંગી'' આગામી તા. ૩૦ ના શુક્રવારે સિનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.
‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા સ્ટારકાસ્ટ ટીમના મુકેશ રાવ અને કેનિલ શામતે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં જીવનના દરેક તબક્કે અનુભવાના પ્રેમની જુદી જુદી વાતો રજુ થઇ છે. એક યુવતી પરિપક્વ થતા લગ્નની તૈયારીઓમાં લાગે છે અને જે જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તે વાત ખૂબ સરસ રીતે રજુ થઇ છે.
જો ગીતોની વાત કરીએ તો આ ફિલ્મનું ‘જબ્બર પ્રેમ' પ્રમોશન સોંગ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વનટેક પ્રથમ કહી શકાય તેવું છે. ઉપરાંત ‘‘રંગાયો'' રોમેન્ટીક સોંગ પણ એવું જમાવટ લઇ રહ્યું છે.
કેનીલભાઇ કહે છે આ ફિલ્મમાં ‘પકા' નો રોલ મારા ભાગે આવ્યો છે જે આમ તો નેગેટીવ કેરેકટર છે, પણ દર્શકોને મનભરીને મનોરંજન કરાવે છે.
મુકેશભાઇ કહે છે કે, મેં ફિલ્મમાં ‘મનસુખ'નું પાત્ર કર્યું છે જે એક સમજદાર અને પ્રભાવી હોય છે. આ ફિલ્મમાં એમ તો સંજય ગોરડીયાએ પણ કેન્દ્રવર્તી પાત્રનો રોલ અદા કર્યો છે.
ફિલ્મની અન્ય સ્ટારકાસ્ટમાં દીક્ષા જોશી, સોનાલી લેલે, સોહની ભટ્ટ, નિજલ મોદી, નીલ ભટ્ટ, ભૂમિ મધુ, મગન લુહાર, વૈભવ બેનિવાલ અને મકરંદ શુક્લ જેવા અનુભવી અને લોકપ્રિય કલાકારોનો સમાવેશ થાય છે.
ફિલ્મનું દિગ્દર્શન વિનોદ પરમારે સંભાળ્યું છે. જયારે લેખન વિનોદ પરમારે અને આસિફ અજમેરીએ સંભાળ્યું છે.તેઓએ જણાવેલ કે આ ફિલ્મમાં એક સાથે ચાર વાર્તા ચાલી રહી છે, એટલે ચારેય વાર્તામાં કયાંય પકડ ન છૂટે તેની તકેદારીની કપરી જવાબદારી અમારા શીરે હતી અને એ અમે નિભાવી જાણી છે.
ફિલ્મનું મોટાભાગનું શુટીંગ નર્મદા જિલ્લાના તિલકવાડા , બરોડા અને મુંબઇમાં થયું છે. ફિલ્મનું ટ્રેલર અને ગીતો પ્રમોશનના ભાગમાં રજુ થતા જ ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ટુંકમા માનવીય સંબંધોની ઉંડાણ, પ્રેમના અલગ અલગ સ્વરૂપો અને જીવનમાં આવતા સંઘર્ષોને સંવેદનશીલ રીતે આ ફિલ્મમાં રજુ થયા છે. દર્શકોના મનમાં જરૂર છવાય જશે તેવા આશાવાદ ‘‘ચૌરંગી''ની ટીમે વ્યકત કર્યો હતો.
તસ્વીરમાં ‘‘અકિલા'' ખાતે ‘‘ચૌરંગી'' ફિલ્મની રસપ્રદ વિગતો વર્ણવતા કલાકારો મુકેશ રાવ, કેનીલ સામત અને રાઇટર આશીફ અજમેશી નજરે પડે છે. (તસ્વીર : અભિજિત બગથરીયા)
(3:51 PM IST)










