News of Wednesday, 28th January 2026
રેલનગરમાં રહેતાં કેટરર્સ સંચાલક રસિકભાઇ વેકરીયા ફંકશન બૂક કરી રિક્ષામાં બેઠા ને હૃદય બંધ પડી ગયું
સામા કાંઠેથી ઘરે આવતા હતાં ત્યારે બનાવઃ વાવડીમાં કમલાબેન સંડેરાનું પણ હૃદય રોગના હુમલાથી મોતઃ ભાદાજાળીયાના રસિકભાઇ પાઘડારનું રાજકોટમાં જમાઇના ઘરે બેભાન થયા બાદ મૃત્યુ

રાજકોટ તા. ૨૮: હૃદય રોગના હુમલાથી વધુ બે મૃત્યુ થયા છે. જેમાં રેલનગરમાં રહેતાં કેટરર્સ સંચાલક સામા કાંઠે ફંકશન બૂક કરવા ગયા બાદ કામ પતાવી ઘરે આવવા રિક્ષામાં બેઠા ત્યાં જ એકાએક શ્વાસ ચડયા બાદ બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમને મૃત જાહેર કરાયા હતાં. બીજા બનાવમાં વાવડીમાં રહેતાં મહિલાનું પણ હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ રેલનગરમાં મારૂતિના સર્ર્વિસ સ્ટેશન પાસે જડેશ્વર બંગ્લોઝમાં રહેતાં કેટરર્સ સંચાલક રહેતાં રસિકભાઇ કેશુભાઇ વેકરીયા (ઉ.વ.૫૧) રાતે સાડા નવેક વાગ્ે આર્યનગર પેડક રોડ પર શ્રીજી આઇસ્ક્રીમ નજીક રિક્ષામાં બેઠા હતાં ત્યારે એકાએક શ્વાસમાં તકલીફ થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હૃદય રોગનો હુમલો આવી ગયાનું જણાવાયું હતું. રસિકભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. તેઓ કેટરર્સ ચલાવતાં હતાં. ફંકશન બૂકીંગના કામ માટે ગયા હતાં. ત્યાંથી ઘરે આવવા રિક્ષામાં બેઠા ત્યારે જ આ બનાવ બન્યો હતો.
બીજા બનાવમાં વાવડી વિશ્વકર્મા સોસાયટી-૧૪માં રહેતાં કમલાબેન શાંતિભાઇ સંડેરા (ઉ.વ.૫૫) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેમને સંતાનમાં એક પુત્રી છે. પતિ કારખાનામાં કામ કરે છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
ત્રીજા બનાવમાં ધોરાજીના ભાદાજાળીયા ગામના રસિકભાઇ સવદાસભાઇ પાઘડાર (ઉ.વ.૫૭) રાતે દસેક વાગ્યે રાજકોટ સર્વોદય સ્કૂલ પાસે આસમાન સીટી એપાર્ટમેન્ટમાં પોતાના જમાઇ ભાવેશભાઇના ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ પાંચ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં અને ખેત મજુરી કરતાં હતાં. તેમને બ્લડ કેન્સર હોઇ સારવાર માટે અમદાવાદ જવાનું હોઇ જેથી તેઓ રાજકોટ આવ્યા હતાં. ત્રણેય બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન અને તાલુકા પોલીસમાં જાણ કરી હતી.
(2:11 PM IST)










