<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

મખમલી અવાજથી લોકોના હૃદયમાં વસે છે અરિજીત સિંહ

તેમણે ફિલ્‍મી ઝાકઝમાળથી દૂર રહીને પોતાના મૂળ સંગીત તરફ વળવાનો નિર્ણય લીધો છે : હવે તેઓ ભારતીય શાષાીય સંગીત અને સ્‍વતંત્ર આલ્‍બમ્‍સ પર વધુ ધ્‍યાન કેન્‍દ્રિત કરશે : તેમના પિતા પંજાબી અને તેમની માતા બંગાળી છે : તેમની સંગીતની શરૂઆતની તાલીમ તેમના ઘરેથી તેમની દાદી પાસેથી થઇ અરિજીત સિંહ રાજેન્‍દ્ર પ્રસાદ હઝારી પાસેથી શાસ્‍ત્રીય ગાયન શીખ્‍યા અને તબલા વાદનની તાલીમ ધીરેન્‍દ્ર પ્રસાદ હઝારી પાસેથી લીધી તેમણે લગભગ દરેક ભાષામાં ૪૦૦થી વધુ ગીતો ગાયા છે

નમસ્‍તે, આપ સૌને નવા વર્ષની શુભેચ્‍છાઓ. આટલા વર્ષો સુધી એક શ્રોતા તરીકે મને આટલો બધો પ્રેમ આપવા બદલ હું આપનો આભાર માનું છું. મને એ જાહેર કરતા આનંદ થાય છે કે, હવેથી હું પ્‍લેબેક સિંગર (પાશ્વ ગાયક) તરીકે કોઈ નવા પ્રોજેક્‍ટ્‍સ હાથમાં લેવાનો નથી. હું આ કામમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આ એક શાનદાર સફર રહી. ભગવાન મારા પર ખૂબ દયાળુ રહ્યા છે. હું સારા સંગીતનો ચાહક છું અને ભવિષ્‍યમાં એક નાના કલાકાર તરીકે ઘણું નવું શીખતો રહીશ અને મારી રીતે કંઈક નવું કરતો રહીશ. તમારા સહકાર બદલ ફરી એકવાર આભાર. મારે હજુ પણ કેટલાક જૂના પ્રોજેક્‍ટ્‍સ પૂરા કરવાના બાકી છે, તે હું પૂરા કરીશ. તેથી આ વર્ષે કદાચ મારા કેટલાક ગીતો રિલીઝ થશે. સ્‍પષ્ટતા ખાતર જણાવી દઉં કે, હું સંગીત બનાવવાનું બંધ નહીં કરું....

આ શબ્‍દો છે પ્રખ્‍યાત ગાયક અરિજિત સિહના જેમણે ગઇકાલે એક્‍સ હેન્‍ડલ પર પાશ્વ ગાયક તરીકે નિવૃતિ જાહેર કરી સંગીત જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. પોતાના ખાનગી સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર એક અલગ પોસ્‍ટમાં અરિજિતે આ નિર્ણય પાછળના કારણો અંગે ફોડ પાડ્‍યો હતો. તેમણે સંકેત આપ્‍યો કે તેઓ એકધારી કામગીરીથી કંટાળી ગયા હતા. તેમણે લખ્‍યું હતું કે, આ નિર્ણય પાછળ કોઈ એક કારણ નથી, ઘણા કારણો છે. હું લાંબા સમયથી આ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મને જલ્‍દી કંટાળો આવે છે એટલે જ હું સ્‍ટેજ પર પણ ગીતોના એરેન્‍જમેન્‍ટ બદલતો રહું છું. મને હવે જીવવા માટે બીજા પ્રકારના સંગીતની જરૂર છે. આમ, તેઓ હવે પોતાની કલાત્‍મક સ્‍વતંત્રતા અને મૌલિક સંગીત સર્જન પર ધ્‍યાન આપવા માંગે છે.

યુવા દિલોની ધડકન અરિજિત સિંહની સંગીત સફર, પરિવાર વિશે ઘણા લોકો અજાણ છે. અરિજીત સિંહ વર્તમાન સમયના શ્રેષ્ઠ ગાયકોમાંના એક છે. ફિલ્‍મ ‘આશિકી ૨'માં ગાયેલા તેમના ગીત ‘તુમ હી હો' પછીથી તેઓ ખૂબ જ પ્રસિદ્ધ થયા. અરિજીતના મતે ગાયક થવા સાથે સાથે તેઓ એક બેડમિન્‍ટન ખેલાડી, લેખક, ચલચિત્ર-પ્રેમી અને દસ્‍તાવેજી ફિલ્‍મ નિર્માતા પણ છે. તેમને અનેક પુરસ્‍કારોથી પણ સન્‍માનિત કરવામાં આવી ચુક્‍યા છે.

અરિજીત સિંહનો જન્‍મ પヘમિ બંગાળના મુર્શિદાબાદના જિલ્‍લાના જીઆગંજ ગામમાં ૨૫ એપ્રિલ ૧૯૮૭ ના રોજ થયો હતો. તેમના પિતા પંજાબી અને તેમની માતા બંગાળી છે. તેમની સંગીતની શરૂઆતની તાલીમ તેમના ઘરેથી જ શરૂ થઈ. તેમણે ખૂબ જ નાની ઉંમરે સંગીતની યાત્રા શરૂ કરી હતી. તેમની દાદી ગાયન કરતાં હતાં અને તેમની કાકીએ ભારતીય શાસ્‍ત્રીય સંગીતમાં તાલીમ પ્રાપ્ત કરી છે. તેઓએ સંગીત તેમની માતાથી પણ શીખ્‍યા છે જે ગાયન સાથે સાથે તબલા વાદન પણ કરે છે. પછીથી તેમણે બીરેન્‍દ્ર પ્રસાદ હઝારી પાસેથી પણ તાલીમ મેળવી જે તેમના ગામમાં એક સંગીત શાળાના શિક્ષક હતા.

તેમણે રાજા બિજય સિંહ હાઈસ્‍કૂલ અને શ્રીપત સિંહ કોલેજમાંથી શિક્ષણ મેળવ્‍યું. તેઓ એક સારા વિદ્યાર્થી હતા પરંતુ સંગીતમાં તેમની રુચિ વધુ હતી. તેમના સંગીત પ્રત્‍યેના લગાવને જોઈને તેમના પરિવારે પણ તેમને વ્‍યાવસાયિક રીતે તાલીમ આપવાનો નિર્ણય લીધો. ભારતીય શાસ્‍ત્રીય સંગીત તેઓએ રાજેન્‍દ્ર પ્રસાદ હઝારી પાસેથી શીખ્‍યા અને તબલા વાદનની તાલીમ ધીરેન્‍દ્ર પ્રસાદ હઝારી પાસેથી લીધી. બીરેન્‍દ્ર પ્રસાદ હઝારીએ તેમને રબીન્‍દ્ર સંગીત અને પોપ સંગીત શીખવ્‍યું.

અરિજિત સિંહે તેમની બાળપણની મિત્ર કોએલ રોય સાથે ૨૦ જાન્‍યુઆરી ૨૦૧૪ ના રોજ પヘમિ બંગાળના તારાપીઠ મંદિરમાં લગ્ન કર્યા. તેઓએ આ સમાચારની પુષ્ટિ સોશિયલ નેટવર્કિગ સાઇટ પર લગ્નનો ફોટો અપલોડ કરીને કરી હતી. આ તેમના બીજા લગ્ન હતા. આ પહેલાં તેઓ એક રિયાલિટી શોમાં તેમની જ સહ-પ્રતિયોગી સાથે લગ્ન કરી ચુક્‍યા હતા. તેમની પત્‍ની કોએલનાં પણ આ બીજાં લગ્ન હતાં અને તેમની એક પુત્રી પણ છે.

વર્ષ ૨૦૦૫માં તેમના ગુરુ રાજેન્‍દ્ર પ્રસાદ હઝારીના કહેવાથી તેઓએ રિયાલિટી શો ફેમ ગુરુકુલની ઓડિશન આપી કારણ કે તેમને લાગતું હતું કે શાસ્‍ત્રીય સંગીતની પરંપરા ખતમ થઈ રહી છે. તે તકનો ઉપયોગ કરવા માટે અરિજિત સિંહ શરૂઆતમાં સંકોચ અનુભવી રહ્યા હતા પરંતુ પછીથી તેઓએ તેમાં ભાગ લીધો. આમાં સંગીતકાર શંકર મહાદેવન જ્‍યુરી પેનલમાં હતા અને તેમનો પૃષ્ઠભૂમિ શાસ્‍ત્રીય હતો. જોકે, અરિજીત ફાઇનલમાં આ શો હારી ગયા પરંતુ તે પછી તેઓએ બીજા રિયાલિટી શો ૧૦ કે ૧૦ લે ગએ દિલમાં ભાગ લીધો જે સંગીતનો જ શો હતો અને તેમાં ફેમ ગુરુકુલ અને ઇન્‍ડિયન આઈડલના વિજેતાઓ વચ્‍ચે મુકાબલો હતો. શો જીત્‍યા પછી અરિજિત સિંહે તેમની રેકોર્ડિગ સેટઅપ તૈયાર કરી અને સંગીત પ્રોગ્રામિંગ સાથે તેમની યાત્રા શરૂ કરી. તે પછી તેઓએ સહાયક સંગીત પ્રોગ્રામર તરીકે શંકર-એહસાન-લોય, વિશાલ-શેખર અને મિથૂન સાથે કામ કર્યું. તે સમયે મહાદેવને અરિજીતને મનાવ્‍યા કે તેઓ તેમના દ્વારા બનાવેલા ગીતને તેમનો અવાજ આપે પરંતુ અરિજીત સિહે તેમ કહીને ઇનકાર કરી દીધો કે તેઓ એક ‘પોપ્‍યુલર વોઇસ' બનવા માંગે છે, જે પછી મહાદેવને અન્‍ય ગાયક સાથે તે ગીત ડબ કર્યું.

૨૦૧૦માં અરિજીત સિંહે પ્રીતમ ચક્રવર્તી સાથે ત્રણ ફિલ્‍મોમાં કામ કરવાનું શરૂ કર્યું જેમાં ‘ગોલમાલ ૩', ‘ક્રૂક' અને ‘એક્‍શન રિપ્‍લે' જેવી ફિલ્‍મો શામેલ હતી. ૨૦૧૧માં સિંહે તેમનું બોલિવૂડ સંગીત ડેબ્‍યુ મિથૂન દ્વારા રચિત ગીત ‘ફિર મોહબ્‍બત' (ફિલ્‍મ ‘મર્ડર ૨') સાથે કર્યું. આ ગીત ૨૦૦૯માં જ રેકોર્ડ થયું હતું પરંતુ ૨૦૧૧માં રિલીઝ થયું. તે પછી તેઓએ ફિલ્‍મ 'એજન્‍ટ વિનોદ'ના ગીત ‘રાબ્‍તા'ને ગાયું. એજન્‍ટ વિનોદ ઉપરાંત, સિંહે પ્રીતમ માટે ત્રણ અન્‍ય ફિલ્‍મોમાં પણ ગીતો ડબ કર્યા જેમાં ‘પ્‍લેયર્સ', ‘કોકટેલ' અને ‘બરફી' જેવી ફિલ્‍મો શામેલ છે. તેમણે ચિરંજન ભટ્ટ માટે ‘૧૯૨૦: એવિલ રિટર્ન્‍સ'ના ગીત માટે પણ અવાજ આપ્‍યો અને ફિલ્‍મ ‘શાંઘાઈ'માં વિશાળ-શેખર માટે ‘દુઆ' ગીતને તેમનો અવાજ આપ્‍યો જેના માટે તેમને મિર્ચી મ્‍યુઝિક એવોર્ડ્‍સમાં 'અપકમિગ મેલ પ્‍લેબેક સિંગર'નો એવોર્ડ મળ્‍યો અને તે જ શ્રેણીમાં ફિલ્‍મ ‘બરફી'ના ગીત ‘ફિર લે આયા દિલ' માટે નામાંકિત પણ કરવામાં આવ્‍યા. અરિજીત સિંહને ભારે સફળતા અને ઓળખ ‘આશિકી ૨'ના ‘તુમ હી હો' ગીતથી મળી. આ ગીત માટે તેમને અનેક એવોર્ડ મળ્‍યા જેમાં ફિલ્‍મફેર એવોર્ડમાં ‘શ્રેષ્ઠ પુરુષ પ્‍લેબેક ગાયક'નું નામાંકન પણ સમાવેશ થાય છે. તેઓએ ફિલ્‍મના અન્‍ય ગીતોમાં પણ જીત ગાંગુલી સાથે કામ કર્યું. આ પછી તેઓએ ‘દિલ્‍હીવાલી ગર્લફ્રેન્‍ડ', ‘કબીરા' અને ‘ઇલાહી' જેવા ગીતો ગાયા. તેમણે શાહિદ અને ઇલિયાના પર ફિલ્‍માયેલા ગીત ‘મૈં રંગ શરબતોં કા'ને પણ ગાયું છે. તેઓએ ફિલ્‍મ ‘ચેન્નઈ એક્‍સપ્રેસ'માં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ પર ફિલ્‍માયેલા ગીત ‘કશ્‍મીર મૈં તુ કન્‍યાકુમારી'ને પણ ગાયું, જે વિશાળ-શેખર દ્વારા રચિત હતું. તેમના દ્વારા ગાયેલા ગીત ‘કભી જો બાદલ બરસે'ને તેઓ તેમનું વ્‍યક્‍તિગત મનપસંદ ગીત માને છે અને ફિલ્‍મ ‘મિકી વાયરસ'ના ગીત ‘તોસે નૈના'ને તેમના દિલની નજીકનું ગીત માને છે. તેમણે લગભગ દરેક ભાષામાં ૪૦૦ થી વધુ ગીતો ગાયા છે.

 અરિજીત સિંહ તેમની કારકિર્દીના શિખર પર હોવા છતાં, તેમના સ્‍વગામ મુર્શિદાબાદમાં એક સાદી અને નમ્ર જીવનશૈલી જાળવી રાખે છે. તેઓ ખુબ પ્રસિદ્ધ હોવા છતાં પણ તેમને સુરક્ષા માટે કોઈ અંગરક્ષક છે. તેઓ બિનચિંતિત અને સરળ રીતે જીવન જીવે છે જેમ કે મોટાભાગના ભારતીયો જીવે છે. અરિજિત લોકોની લાગણીઓને એટલા સારી રીતે પકડી અને ઉતરી શક્‍યા છે કારણ કે તે સ્‍વયં ગાતી વખતે ગીતને અનુભવે છે. તેઓ સીધા તેમના પ્રશંસકોના કાનથી હૃદય સાથે જોડાય છે. તેમની પાસે સમગ્ર વિશ્વમાં પ્રશંસકોની એક વિશાળ સંખ્‍યા છે, જે દરરોજ તેમના ગીતોને લૂપમાં સાંભળવા માંગે છે.

૨૦૨૫માં પદ્મશ્રી

એવોર્ડ મળ્‍યો

ભારતીય સંગીત જગતમાં પોતાની મખમલી અવાજથી કરોડો દિલો પર રાજ કરનાર ગાયક અરિજિત સિહની કારકિર્દી કોઈ ફિલ્‍મી પટકથાથી ઓછી નથી. વર્ષ ૨૦૦૫માં રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ' દ્વારા સંગીત ક્ષેત્રે ડગ માંડનાર અરિજિત સિહે લાંબા સંઘર્ષ બાદ વર્ષ ૨૦૧૧માં ફિલ્‍મ ‘મર્ડર-૨' ના ગીત ‘ફિર મોહબ્‍બત' થી હિન્‍દી સિનેમામાં ડેબ્‍યૂ કર્યું હતું. ત્‍યારબાદ તેમણે ક્‍યારેય પાછળ વળીને જોયું નથી. ‘તુમ હી હો', ‘બિન્‍તે દિલ' અને ‘કેસરિયા' જેવા સુપરહિટ ગીતો આપીને તેમણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. સંગીત ક્ષેત્રે તેમના અતુલ્‍ય યોગદાન બદલ તેમને અત્‍યાર સુધીમાં બે નેશનલ ફિલ્‍મ એવોર્ડ્‍સ મળી ચૂક્‍યા છે. ગાયકની આ શાનદાર સફરમાં વધુ એક યશકલગી ત્‍યારે ઉમેરાઈ હતી જ્‍યારે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫માં તેમને પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી' એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત તેમને અસંખ્‍ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્‍માન મળી ચૂક્‍યા છે. તેમણે ૨૦૧૮ માં ૬૬મા રાષ્ટ્રીય ફિલ્‍મ એવોર્ડ્‍સ માં પદ્માવત ફિલ્‍મના બિન્‍તે દિલ ગીત માટે પોતાનો પહેલો રાષ્ટ્રીય ફિલ્‍મ એવોર્ડ જીત્‍યો હતો, અને ૨૦૨૨ માં ૭૦મા રાષ્ટ્રીય ફિલ્‍મ એવોર્ડ્‍સમાં બ્રહ્માસ્‍ત્ર પાર્ટ વન - શિવા ફિલ્‍મના ‘કેસરિયા' ગીત માટે બીજો એવોર્ડ મેળવ્‍યો હતો.

સિગિંગ બાદ હવે અરિજિત સિંહ ડિરેક્‍ટોરિયલ ડેબ્‍યૂ કરશે!

અરિજિત સિંહ ટૂંક સમયમાં મોટા બજેટની જંગલ એડવેન્‍ચર થીમવાળી ફિલ્‍મમાં ડિરેક્‍ટોરિયલ ડેબ્‍યૂ કરશે તેવા છ મહિના પહેલા સમાચાર ચર્ચામાં આવ્‍યા હતા. સિંગરે પોતે જ તેની ડિરેક્‍ટોરિયલ ડેબ્‍યૂ ફિલ્‍મની સ્‍ટોરી લખી છે. આ ફિલ્‍મનું નિર્માણ મહાવીર જૈન કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, અરિજિત સિંહ અને મહાવીર સમગ્ર ભારતના દર્શકોને ધ્‍યાનમાં રાખીને આ અનોખી જંગલ એડવેન્‍ચર ફિલ્‍મ બનાવવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, ફિલ્‍મની સ્‍ક્રિપ્‍ટ પૂર્ણ થઈ ગઈ છે અને કાસ્‍ટિંગનું કામ ચાલી રહ્યું છે. ફિલ્‍મના કાસ્‍ટિંગ અને ટાઈટલને અંતિમ સ્‍વરૂપ આપ્‍યા પછી ટીમ ફિલ્‍મની જાહેરાત કરશે. મહાવીર જૈન ઉપરાંત આ ફિલ્‍મનું નિર્માણ આલોકદ્યુતિ ફિલ્‍મ્‍સ દ્વારા સંયુક્‍ત રીતે કરવામાં આવી રહ્યું છે જ્‍યારે ગોડ બ્‍લેસ એન્‍ટરટેઈનમેન્‍ટ તેના કો-પ્રોડ્‍યુસર છે.

અરિજીત સિંહની નેટવર્થ છે ૪૧૪ કરોડ રૂપિયા...!

કમાણીનો એક મોટો ભાગ સમાજ સેવામાં વાપરે છે અરિજીત સિંહ

અરિજીત સિંહની કમાણીનો સ્‍ત્રોત માત્ર ફિલ્‍મો નથી તેણે પોતાનું મ્‍યૂઝિક લેબલ ઓરિયન મ્‍યૂઝિક શરૂ કર્યું છે અને તે યૂટ્‍યૂબ તેમજ સ્‍પોટિફાઈ જેવા ડિજિટલ પ્‍લેટફોર્મ્‍સ દ્વારા પણ કરોડોની રોયલ્‍ટી મેળવે છે. ખાસ વાત એ છે કે આટલી સંપત્તિ હોવા છતાં અરિજીત આજે પણ પોતાના ગામ જિયાગંજમાં એક સામાન્‍ય માણસની જેમ રહેવાનું પસંદ કરે છે જે તેની સાદગીને દર્શાવે છે. અરિજીત સિંહ આજે ઇન્‍ડસ્‍ટ્રીના હાઈએસ્‍ટ પેડ સિંગર છે. એક રિપોર્ટ અનુસાર તેની કુલ નેટવર્થ ૪૧૪ કરોડ રૂપિયા છે. રિપોર્ટ્‍સ અનુસાર અરિજીત સિંહ એક ૨ કલાકના લાઇવ કોન્‍સર્ટ માટે ૧૪ કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. જ્‍યારે નાના કે પ્રાઇવેટ શો માટે તેની ફી ૨ કરોડ રૂપિયાથી શરૂ થાય છે. તે ફિલ્‍મોમાં એક પ્‍લેબેક સોંગ ગાવા માટે આશરે ૧૦ થી ૨૦ લાખ રૂપિયા લે છે. જો કે, ડિજિટલ રાઇટ્‍સ અને રોયલ્‍ટીને જોડીને આ કમાણી ખૂબ જ વધી જાય છે. અરિજીત સિંહ દુનિયામાં સૌથી વધુ ફોલો થનાર આર્ટિસ્‍ટમાંથી એક છે. તેના સ્‍પોટીફાઈ પર આશરે ૧૫ કરોડથી વધુ ફોલોઅર્સ છે, જેનાથી તેને વર્ષે કરોડોની રોયલ્‍ટી મળે છે. અરિજીત ભલે ચપ્‍પલ પહેરીને ફરતા જોવા મળે પરંતુ તેનો પોર્ટફોલિયો ખૂબ જ મજબૂત છે. નવી મુંબઈમાં તેનો આશરે ૮ કરોડ રૂપિયાનો પોશ અપાર્ટમેન્‍ટ છે. આ ઉપરાંત પોતાના હોમટાઉન જિયાગંજમાં પણ ઘણું રોકાણ કર્યું છે. તેની પાસે શાનદાર કાર કલેક્‍શન છે. અરિજીત પાસે રેન્‍જ રોવર, મર્સિડીઝ અને હમર જેવી લક્‍ઝરી ગાડીઓ છે. જેની કિંમત કરોડોમાં છે. તે સેમસંગ અને કોકો-કોલા જેવી મોટી બ્રાન્‍ડ સાથે જોડાયેલા છે. જેના દ્વારા તે વર્ષે ૫-૧૦ કરોડ રૂપિયાની કમાણી કરે છે. આટલી આવક હોવા છતાં અરિજીતની કમાણીનો એક મોટો ભાગ સમાજ સેવામાં જાય છે. તે એક એનજીઓ ‘લેટ ધેર બી લાઇટ' ચલાવે છે, જે ગરીબ બાળકોના શિક્ષણ અને સ્‍વાસ્‍થ્‍ય માટે કામ કરે છે. તે હંમેશા ચેરિટી માટે પણ શો કરે છે અને જિયાગંજમાં તેનું પોતાનું એક નાનકડું રેસ્‍ટોરન્‍ટ ‘હેશેલ' પણ ખોલ્‍યું છે. જે તેના બિઝનેસનું વિઝન દર્શાવે છે.

પ્રશાંત બક્ષી 

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

[email protected]

(4:05 PM IST)