<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

૩૧ અબજના બજેટમાં આવકમાં મોટા ગાબડાની ભીતી

મનપાનું બજેટ વેરવિખેર આર્થિક કરોડરજ્જુ સમાન વેરા આવકમાં બે મહિનામાં ૧૫૬ કરોડ કેમ ભેગા કરવા ? તંત્ર થશે ઉંધા માથે : મોટાભાગની યોજનાઓ હજુ કાગળ ઉપર જ

રાજકોટ તા. ૨૮ : મ્‍યુનિ. કોર્પોરેશનની ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ૩૧ અબજનું બજેટ વેરવિખેર થવાની ભીતી ઉભી થતાં તંત્રવાહકોમાં ચિંતાનું મોજુ પ્રસર્યુ છે.

આ અંગેની પ્રાપ્‍ત માહિતી મુજબ મનપા તંત્ર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬નું અંદાજીત ૩૧૧૬ કરોડનું બજેટ બનાવાયું છે. જેમાં તંત્રએ રેવન્‍યુમાં ૮૦૦ કરોડ અને કેપીટલમાં ૪૫૦ કરોડ તથા કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની ગ્રાન્‍ટની રૂા. ૯૫૦ કરોડ એમ કુલ ૨૩૦૦ કરોડથી વધુ  અંદાજીત આવકનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો હતો ત્‍યારે આજદિન સુધીમાં કોર્પોરેશનની રેવન્‍યુ અને કેપીટલમાં અંદાજીત ૬૦૦ કરોડથી વધુ તથા કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની ગ્રાન્‍ટની ૪૫૦ કરોડથી વધુ સહિત કુલ ૧૨૪૬ કરોડની આવક થવા પામી છે.

સરકારી ગ્રાન્‍ટ અંદાજ મુજબ મળતી ન હોવાથી અનેક યોજનાઓ માત્ર કાગળ ઉપર જ છે. મ્‍યુનિ. કોર્પોરેશનની આર્થિક કરોડરજ્જુ ગણાતી મિલકત વેરાની આજની સ્‍થિતિએ ૩૦૦ કરોડની આવક થવા પામી છે. જ્‍યારે ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરાનો ૪૫૬ કરોડની લક્ષ્યાંક પૂર્ણ કરવા ૧૫૬ કરોડ જેટલું છેટુ છે. હવે વર્ષ પૂર્ણ થવામાં બે મહિના બાકી છે ત્‍યારે આ લક્ષ્યાંક પૂર્ણ કેમ કરવો ? તેની ચિંતા અધિકારીઓને સતાવી રહી છે.

આમ, આ વર્ષે આવક બાજુએ કરોડોનું ગાબડુ પડવાની ભીતી સર્જાય છે ત્‍યારે રિવાઇઝ બજેટમાં વેરા આવકનો લક્ષ્યાંક ઘટાડવો પડે તેવી સ્‍થિતિ સર્જાય છે.

(3:22 PM IST)