News of Wednesday, 28th January 2026
કોર્પોરેશન ચોક પાસે સંજયભાઇ ઉપર હૂમલો કરી લૂંટ ચલાવનારા ત્રણ ઝડપાયા
એ-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. બી.વી. બોરીસાગર તથા સ્ટાફે સમીર ચાનીયા, અઝરૂદીન ઉર્ફે નવાઝ સાપીયા અને સલીમ ઠેબાને દબોચી લીધાઃ ત્રણેય આરોપીઓ લૂંટ ચલાવી બાઇક લઇને ધોરાજી પહોંચ્યા બાદ બાઇક રેઢુ મુકી દીધુ હતુ

રાજકોટ તા.૨૮: કોર્પોરેશન ચોક પાસે રાત્રીના આધેડને માર મારી ત્રણ શખસો તેમના બાઇક અને મોબાઈલની લૂંટ ચલાવી નાસી ગયા હતાં. બાઇક પર બેસીને ફોનમાં વાત કરી રહેલા આધેડને તું કેમ મારી બહેન સામે જોવે છે કહી ત્રિપુટીએ હુમલો કર્યો હતો. જે બનાવને પગલે એ ડિવિઝન પોલીસની ટીમે કુખ્યાત ત્રિપુટીને ઝડપી લઇ મોબાઇલ કબજે કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આંબેડકરનગર શેરી નં.-૯ માં રહેતા ૫૯ વર્ષીય આધેડ સંજયકુમાર બિજલભાઇ પરમાર દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા હતાં. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૨૩/૦૧/૨૦૨૬ ના રાત્રીના સાડા નવેક વાગ્યાની આસપાસ તે ઘરેથી બાઇક લઇ ઢેબર ચોક પાસે લાખાજીરાજ રોડ ૫૨ આવેલ રાજસ્થાની નાસ્તાની લારીએ નાસ્તો કરવા ગયા હતાં. બાદ રાત્રીના દશેક વાગ્યે તે મિત્ર કુલદિપભાઈ સાથે ફોનમાં વાત કરવા માટે લારીથી થોડે આગળ બાઇક પાર્ક કરેલ હતુ. ત્યા બાઇક પર બેસીને ફોન પર વાત કરતા હતા હતા ત્યારે સામેની બાજુના ખુણામા ત્રણસ્ત્રીઓ ઉભી હતી. ત્યારે સાંગણવા ચોક તરફથી એક બાઇક આવ્યું હતું જે આધેડ પાસે ઉભી રાખી બાઇક પર ત્રિપુટી પૈકી એક શખસ નીચે ઉતરીને કહેવા લાગેલ કે તારી સામે મારી બહેનો ઉભી છે, તું એમની સામે કેમ જુએ છે? જેથી આધેડે કહ્યું હતું કે હુ તેસ્ત્રીઓને ઓળખતો નથી અને તેમની સામે પણ જોતો નથી. બાદ ત્રણેય શખસોએ માર મારી વાહનમાં બેસાડી મનપા કચેરી નજીક લઇ જઈ ફરીવાર મારમારી મોટરસાયકલ અને મોબાઈલ મળી કુલ રૂ. ૫૫ હજારની મતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બી.વી. બોરીસાગર અને પીએસઆઈ ડી.વાય. મહંતની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી કુખ્યાત સમીર ઇસ્માઇલ ચાનિયા, અઝરૂદિન ઉર્ફે નવાઝ હુશેન સાપિયા અને સલીમ ગફાર ઠેબાની ધરપકડ કરી લૂંટમાં ગયેલ મોબાઈલ રિકવર કર્યો હતો. આરોપીઓની પુછતાછ કરતા એવી કબુલાત આપી હતી કે, લૂંટને અંજામ આપી ત્રણેય શખ્સો બાઇક લઈને ધોરાજી પંથક તરફ નાસી ગયા હતા. જયા બાઇકમાં પેટ્રોલ ખૂટી જતાં વાહન ત્યાં જ મૂકી દીધું હતું. જેથી પોલીસે મોટરસાયકલ રીકવર કરવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સમીર અગાઉ નકલી પોલીસ બનીને પૈસા પડાવવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો છે જયારે હુશેન તાજેતરમાં જ પાસા કાપીને છૂટયો હતો.
(3:56 PM IST)










