<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

ગર્ભવતી દર્દીમાં તીવ્ર માથાનો દુઃખાવો, મગજના ટયુમરને અવગણશો નહીઃ ડો.કાંત જોગાણી- ડો.વિરલ વસાણી

રાજકોટ, તા. ૨૮: વોકહાર્ટ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ છ મહિનાની ગર્ભાવસ્‍થામાં રહેલી ૩૧ વર્ષની મહિલામાં થયેલા મોટા બ્રેન ટયુમરની સફળ સારવાર કરી છે. આ પ્રકારના કેસના અનુસંધાને ગર્ભાવસ્‍થા દરમિયાન થતા સતત અથવા તીવ્ર માથાના દુખાવાને હળવાશથી ન લેવા અંગે મહત્‍વપૂર્ણ સંદેશ આપવામાં આવ્‍યો છે.

૩૧ વર્ષની આ મહિલા એકદમ વ્‍યવસ્‍થિત તબીબી સારવાર લઈ રહ્યા હતા. દર્દીને અચાનક તીવ્ર માથાનો દુખાવો, જમણી બાજુ કમજોરી અને ખાલી ચડવાની, તેમજ ઉલ્‍ટી થવાની ફરિયાદ સાથે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ક્‍લિનિકલ તપાસ બાદ ડોક્‍ટરોએ MRI કરાવવાનો નિર્ણય લીધો, જેમાં ડાબી બાજુ પેરાઈટો-ઓક્‍સિપિટલ વિસ્‍તારમાં મોટું બ્રેઇન ટયુમર જોવા મળ્‍યું, જેનાથી મગજમાં સોજો આવી જતા મગજ પર દબાણ સર્જાયું હતું અને મિડલાઇન શિફ્‌ટ થઈ હતી. આ ટયુમર મેનિન્‍જિયોમા હોવાનું અને તેમાં બ્‍લીડિંગ થયાનું નિદાન થયું.

ન્‍યુરોલોજીકલ તકલીફો અને મગજ પર પડતા દબાણને ધ્‍યાનમાં લઈ તાત્‍કાલિક સર્જરી કરવાનો નિર્ણય લેવાયો. આ સમગ્ર સારવાર દરમિયાન ન્‍યુરોસર્જરી વિભાગના વડા ડો. કાંત જોગાણી અને સિનિયર કન્‍સલ્‍ટન્‍ટ ન્‍યુરોસર્જન ડો. વિરલકુમાર વસાણીના નેતળત્‍વમાં બહુવિધ વિશેષજ્ઞોની ટીમે મહત્‍વની ભૂમિકા ભજવી. એનેસ્‍થેશિયા ટીમનું નેતળત્‍વ ડો. રાજેશ રાદડિયા દ્વારા અને પ્રસૂતિ સંભાળ ડો. જિજ્ઞા ગણાત્રા દ્વારા કરવામાં આવી. આ સર્જરીનું મેઇન જોખમ બાળકની વહેલી ડિલિવરી થઈ જવી અને રક્‍તસ્‍ત્રાવ થાય તો બાળક અને માતાનું જીવન પણ જોખમમાં મૂકાઈ શકે એવી શકયતા હતી. દર્દી અને તેમના પરિવારજનોને શકય જોખમો અંગે વિગતવાર સમજાવ્‍યા બાદ સફળ સર્જરી કરવામાં આવી, જેમાં ટયુમર સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્‍યુ હતું. સર્જરી બાદ દર્દીની ન્‍યુરોલોજીકલ સ્‍થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્‍યો. જમણી બાજુની નબળાઈ ઓછી થઈ હતી તેમજ ખાલી પણ ઊતરી ગઈ. એક્‍સપર્ટ એનેસ્‍થેસિયાને કારણે સમગ્ર ઓપરેશન દરમિયાન અને ત્‍યારબાદ કોઈ નુકસાન થયું નહોતું, અને દર્દીને માત્ર ચાર દિવસમાં હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી.

ડો. કાંત જોગાણીએ જણાવ્‍યું કે ગર્ભાવસ્‍થા દરમિયાન હોર્મોનલ ફેરફારોને કારણે મેનિન્‍જિયોમા જેવા ટયુમર ઝડપથી વધવાની શકયતા રહે છે. જ્‍યારે ડો. વિરલકુમાર વસાણીએ જણાવ્‍યું કે ગર્ભાવસ્‍થામાં સતત અથવા અસામાન્‍ય માથાનો દુખાવો કયારેય અવગણવો ન જોઈએ, કારણ કે કયારેક તે ગંભીર બીમારીનું સૂચન હોઈ શકે છે. પ્રેગ્નન્‍સી દરમિયાન સર્જરી કરી ગંભીર અને જોખમી રોગોની સારવારમાં વોકહાર્ટ હોસ્‍પીટલના આ ટીમ અપ્રોચથી સફળતાની સિરીઝમાં વધુ એક મોરપીંછ ઉમેરાયુ છે. વોકહાર્ટ હોસ્‍પિટલની આ સફળ સારવાર માતા અને બાળક બંને માટે આશાનું ઉત્તમ ઉદાહરણ બની છે.

(4:05 PM IST)