તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૫ બુધવાર
News of Thursday, 29th January 2026
પાનની દૂકાનેથી ચોરી કરી ભાગ્યો અને કારની ઠોકરે ચડી ગયોઃ યુવાનનું મોત
પડધરીના રામપર પાટીયા પાસે કરૂણ ઘટના : મુળ બિહારનો યુવાન સીસીટીવીમાં કેદ થયો હોઇ દૂકાનદારે ફૂટેજ બતાવતાં ભાગ્યો હતો

રાજકોટ તા. ૨૮: પડધરીના રામપર ગામના પાટીયા પાસે કારની ઠોકરે ચડી જતાં મુળ બિહારના યુવાનનું મોત થયું હતું. પોલીસ તપાસમાં ખુલ્યુ છે કે આ યુવાન જે દુકાનો દરરોજ પાન-માવો ખાતો હતો ત્યાં જ દૂકાનદારની નજર ચુકવી થડામાંથી રોકડ લઇ લીધી હતી. સીસીટીવી ફૂટેજમાં તે આવી ગયો હોઇ દૂકાનદારે ફૂટેજ તેને બતાવતાં તે ભાગી રહ્યો હતો ત્યારે કારની ઠોકરે આવી જતાં મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ મંગળવારે સાંજે સાડા સાતેક વાગ્યે પડધરીના રામપર ગામના પાટીયા નજીક જામનગર હાઇવે પર એક યુવાન કારની ઠોકરે આવી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. અમનકુમાર શતેન્દ્રકુમાર બિહારી (ઉ.વ.૩૨) નામના યુવાનનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પડધરી પોલીસે કાર્યવાહી કરી હતી.
અમનકુમાર જે કારની ઠોકરે ચડયો તેના ચાલકે જ તેને સારવાર માટે ખસેડયો હતો. આ યુવાન રામપરના પાટીયા નજીક ગીરીરાજ ફેક્ટરીમાં કામ કરતો હતો. તે નજીકમાં આવેલી પાનની દૂકાને અવાર-નવાર પાન-ફાકી ખાવા જતો હતો. બે દિવસ પહેલા તે આ દૂકાને ઉભો હતો ત્યારે દૂકાનદાર કામમાં હોઇ નજર ચુકવી થડામાંથી રોકડ લઇ લીધી હતી. બાદમાં દૂકાનદારે ફુટેજ જોતાં તેમાં આ યુવાન દેખાયો હતો. મંગળવારે તે ફરી ફાકી ખાવા આવ્યો ત્યારે દૂકાનદારે તેને ફૂટેજ બતાવતાં તે ગભરાઇને દોટ મુકી ભાગ્યો હતો. તે વખતે જ કારની ઠોકરે આવી જતાં મોત થયું હતું. પડધરી પોલીસ મથકના એએસઆઇ પુનીતભાઇએ કારચાલક સામે ગુનો નોંધ્યો હતો
(1:22 PM IST)










