હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પત્નિ અને પુત્રીને ૧૪ હજારનું વચગાળાનું ભરણ પોષણ ચુકવવા તલાટી મંત્રીને કોર્ટનો હુકમ

રાજકોટઃ તા.ર૯, ત્રણેક વર્ષના લગ્ન જીવનમાં દંપતી વચ્ચે અણબનાવમાં પરિણીતાને પુત્રી સહિત તરછોડવા મામલે ભરણપોષણની અરજીમાં ફેમિલી કોર્ટ દ્વારા પત્ની અને પુત્રીનું વચગાળામાં કુલ રૂ. ૧૪ હજાર ભરણપોષણ ચૂકવવા તલાટી મંત્રી પતિને હુકમ ફરમાવ્યો છે.
આ અંગેની હકીકત મુજબ, યુનિવર્સિટી રોડ ઉપર આવેલ જલારામ પ્લોટમાં રહેતી પરિણીતા તૃપ્તિબાના લગ્ન અરજીની વિગતે સને ૨૦૨૨ની સાલમાં પડધરી તાલુકાના ખજુરડી મુકામે રહેતા અને તલાટી કમ મંત્રીની નોકરી કરતા જયદિપસિંહ ગુલાબસિંહ જાડેજા સાથે થયેલ હતા અને આ લગ્ન જીવનથી તેમને એક પુત્રી સંતાનનો જન્મ થયેલ હતો, લગ્નબાદ પરિણીતા પોતાના સાસરે રહેવા ગયેલ હતી અને ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં અરજીની વિગતે પતિએ પરિણીતાને તરછોડી આપતા અને તેની પાસે આવકનું કોઈ સાધન ન હોઈ અને પુત્રી બીમાર રહેતી હોઈ તેણે રાજકોટની ફેમિલી કોર્ટમાં પોતાના વકીલ સંદીપ અંતાણી મારફતે પોતાના પતિ પાસેથી પોતાના ભરણ પોષણની માંગ કરતી અરજી તા. રર- ૯- ૨૦૨૬ના રોજ દાખલ કરી હતી અને આ અરજી સાથે કેસ ચાલે ત્યાં સુધીમાં વચગાળામાં પણ ભરણ પોષણની માંગ કરતી અરજી દાખલ કરી હતી. આ પછી વચગાળાની રાહતોની માંગ કરતી અરજી દલીલ પર આવતાં પરિણીતાના વકીલ અંતાણીએ દલીલ કરેલ કે પતિ કાયમી સરકારી નોકરી ધરાવે છે. અને તેના પિતાને ખેતી આવેલ હોઈ પતિ ઉપર પત્ની તથા પુત્રી સિવાય કોઈની જવાબદારી નથી, આમ પતિને પુરતી આવક હોઈ પતિ ભરણપોષણ ચુકવવા જવાબદાર બનતો હોવાની રજુઆત કોર્ટમાં કરેલ હતી. પરિણીતાના વકીલની આ તમામ દલીલોથી સહમત થઈ રાજકોટની ફેમિલી કોર્ટે કેસ ચાલે તે સમય દરમ્યાન પરિણીતાને માસીક રૂ. ૭,૦૦૦ તથા સગીર પુત્રીને માસીક રૂ. ૭૦૦૦ મળી પતિએ બંનેના થઈને મહીને ૧૪ હજાર વચગાળામાં ભરણ પોષણના ચુકવવા તેવો આદેશ પતિને કરેલ છે અને આ રકમ અરજીની દાખલ તારીખથી એટલે કે તારીખ રર-૯થી પતિએ ચુકવવા તેવો પતિને હુકમ ફરમાવેલ હતો. જે હુકમ મુજબ પરિણીતા કેસ ચાલુ થયા પહેલા પતિ પાસેથી રૂ. ૫૬ હજાર ભરણ પોષણના વસુલવા હકકદાર બનેલ છે. હવે કેસના આખરી નીકાલ સુધી પતિએ દર મહીને વચગાળાની ભરણ પોષણની રકમ રૂ. ૧૪ હજાર ભરવાની હોઈ જેથી પરિણીતાએ રાહતનો દમ લીધો છે. આ કેસમાં પરિણીતા વતી રાજકોટના લગ્ન વિષયક કાયદાના નિષ્ણાત એડવોકેટ સંદીપ કે. અંતાણી, સિધ્ધરાજસિંહ કે. જાડેજા, સમીમબેન એમ. કુરેશી, રશ્મીબેન જોષી, શીવાની બેન દવે રોકાયા છે










