<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

ચૂંટણી પહેલા સાંઢિયા પુલનું કામ પુરૂ કરવા તંત્ર ઉંધા માથે

પુલના બન્ને સાઇડનું કામ પુર્ણઃ રેલ્‍વે ટ્રેક પર ગડર ચઢાવવાની કામગીરી હાથ ધરાશેઃ માર્ચ પહેલા લોકાર્પણની સંભાવના

 

 

શહેરના જામનગર રોડ પર મનપા દ્વારા ૭૪ કરોડથી વધુના ખર્ચે ટુ લેનમાંથી ફોર લેનનો બનાવવા સાંઢીયા પુલનું નવનિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આજ દીન સુધીમાં પુલની બન્ને સાઇડ કામ પુર્ણ થઇ ગયુ છે.જે તસ્‍વીરમાં નજરે પડે છે.(તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)(૨.૧૬)

 

રાજકોટ તા.૨૯:  શહેરના જામનગર રોડ પર નિર્માણધીન સાંઢીયા પુલનું બંન્ને સાઇડનું કામ પૂર્ણ થઇ ગયા બાદ રેલવે ટ્રેક ઉપર ગડર ચઢાવવાનું કામ બાકી હતું અને તેના માટે રેલવે વિભાગ પાસે બ્‍લોકની મંજૂરી લેવામાં આવેલ જેની મંજૂરી મળી જતા હવે બે દિવસ બેબ્‍બે કલાકના બ્‍લોક લઇ ગડર ચઢાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.જેના લીધે  હવે ચુંટણી પહેલા એટલે કે માર્ચમાં ખુલ્લો મુકવાની સંભાવના થઇ રહી છે.

શહેરને જામનગરથી આવતા પ્રવેશ દ્વાર ઉપર રેલવે લાઈન ઉપર વર્ષો પહેલા બનાવવામાં આવેલ સાંઢિયાપુલ જર્જરીત થઈ જતાં તેને તોડી પાડવામા આવ્‍યો હતો અને તેના સ્‍થાને રૂા. ૭૪.૨૦ કરોડના ખર્ચે ફોરલેન બ્રીજ બનાવવા માટેની ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ પરંતુ રેલવે વિભાગ દ્વારા પુલ બનાવવામાં આવે તેવો આગ્રહ રખાતા આ કામ રેલવેને સોંપવામાં આવ્‍યું છે. એક વર્ષ પહેલા માર્ચ ૨૦૨૪માં બ્રીજનું કામ શરૂ કરવામાં આવ્‍યું હતું.

રેલવે ટ્રેક સિવાયના બંન્ને સાઇડના પીલર સહિતનુ કામ થોડા સમય પહેલા પુર્ણ થઇ ગયેલ છે. પરંતુ રેલવે ટ્રેક ઉપર ગડર ચઢાવવાના કામ માટે રેલવેનો ટ્રેનનો સમય નિયત કરવો પડે અથવા જે સમયે ટ્રેન પસાર થતી ન હોય તે સમય દરમિયાન ગડરનું કામ થઇ શકે તેમ હોય આ કામ માટે રેલવે વિભાગ પાસે મંજૂરી માંગવામાં આવેલ રેલવે ટ્રેક ઉપર ગડરની કામગીરી દરમિયાન જે સમય ફાળવવામાં આવતો હોય છે તેને બ્‍લોક કહેવામાં આવે છે. મનપાના ઇજનેરોના જણાવ્‍યા મુજબ ગડર ચઢાવવામા માટે ચાર કલાક બ્‍લોક લેવો પડે તેમ છે. પરંતુ રેલવે વિભાગે સતત  ચાર કલાક બ્‍લોક અશકય છે તેવુ જણાવતા મનપાએ બબ્‍બે કલાકના બે બ્‍લોકની માંગણી કરી છે. જેમાં પ્રથમ દિવસે બે કલાકના બ્‍લોક દરમિયાન અને બીજા દિવસે બે કલાકના સમય દરમિયાન ગડર ચઢાવવાની કાર્યવાહી હાથ ધરાશે. જેના માટે એક બે દિવસમાં રેલવે વિભાગ દ્વારા બ્‍લોકનો સમય ફાળવવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.  પરંતુ ફરી એક વખત બ્‍લોક મુદ્દે કોકડું ગુંચવાતા છેલ્લા થોડા દિવસથી કામ બંધ થયેલ અને હવે રેલવે વિભાગે મંજૂરી આપતા એક સપ્તાહમાં બ્‍લોકનો સમય અને ગડર ચઢાવવાનું કામ શરૂ થઇ જશે તેવી સંભાવના તંત્ર દ્વારા વ્‍યકત કરવામાં આવી છે. અને માર્ચ મહિના સુધીમાં લોકોને અવર-જવર માટે ખુલ્લો મુકાય તેવી શકયતા દર્શાય રહી છે.

 શહેરના સૌથી જુના પુલને તોડીને બનાવવાનો હોવાથી તેમાં ૧૮ને બદલે ૧૪ મહિનાનો સમય લાગશે. આ સાંઢીયો પુલ ૧૯૭૭માં પીડબલ્‍યુડી દ્વારા નિર્માણ કરવામાં આવ્‍યો હતો. ૪ દાયકાથી લોકો અને વાહનોની અવરજવરના કારણે તેની અનેકવાર મરામત પણ કરવામાં આવી હતી. અંતે ગયા વર્ષે રેલવે દ્વારા તેને અસલામત જાહેર કરાયા બાદ ભારે વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવી હતી.(૨.૧૭)

બ્રીજની ટેકનિકલ માહિતી

કુલ ૬૦૦ મીટર લંબાઇ, સીવીલ હોસ્‍પિટલ સાઇડ ૨૯૮, માધાપર સાઇડ ૨૬૮, વચ્‍ચે ૩૬ મીટરનો રહેશે. પહોળાઇ  ૧૬.૪૦ મીટર અને ઉંચાઇ ૬.૧૦ મીટર રાખવામાં આવી છે એટલે કે ૫૪ ફુટનો બ્રિજ બનશે. આ બ્રિજમાં ૨૦ પીલર અને ૨૨ સ્‍પામ બનાવાશે.

રાજકોટઃ શહેરી વિસ્‍તારમાં ફાટક મુકત અંતર્ગત રેલવે ટ્રેક ઉપર ફાટકના સ્‍થાને અંડર બ્રિજ અને ઓવરબ્રીજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે અને સાંઢીયા પુલના ગડર ચઢાવવાની કાર્યવાહીને મંજૂરી મળી ગઇ છે.

ત્‍યારે આગામી દિવસોમાં અગાઉ જાહેરાત  થયા મુજબનો ઝેડ આકારનો બ્રિજ પીડીએમ  ફાટકે બનાવવા માટેની તૈયારીઓ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. (૨.૧૭)

 

(3:10 PM IST)