<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

મા-દિકરાના કારમાં અપહરણઃ પોલીસે મુક્‍ત કરાવ્‍યા

મુળ ગઢડા બોટાદના હાલ રાજકોટ રહી દૂધનો ધંધો કરતાં કૃણાલ મિઠાર સહિત ચારે રાત્રે મહિલા અને તેના ૧૪ વર્ષના દિકરાને ઉઠાવી લીધાં : સાધુ વાસવાણી રોડ જનકપુરી ક્‍વાર્ટર પાસેનો બનાવ : કૃણાલને જેની સાથે લગ્ન કરવા હતાં એ યુવતિના અન્‍ય લગ્ન કરાવી દેતાં ખાર રાખી પહેલા તેણીના પિતાનો પીછો કર્યોઃ તેમણે ફોન કરી પોતાના પત્‍નિ-પુત્રને બોલાવતાં કૃણાલ ત્‍યાંથી નીકળી ગયોઃ પ્રોૈઢ નોકરીએ જવા નીકળ્‍યા અને તેના પત્‍નિ-પુત્ર ઘરે જવા નીકળતાં કૃણાલે ફરીથી આવી બંનેના અપહરણ કર્યાઃ ૪ આરોપી સકંજામાં : ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની સુચના અનુસાર યુનિવર્સિટી પીઆઇ એચ. અને. પટેલ, પીએસઆઇ ડોડીયા, એએસઆઇ જગમાલભાઇ અને ટીમની કાર્યવાહીઃ કાર પણ કબ્‍જે

આરોપી કૃણાલ મીઠાર અને ભરત કળોતરા

રાજકોટ તા. ૩૦:  શહેરમાં રહેતાં અને ખાનગી નોકરી કરતાં પ્રોૈઢની દિકરી કે જે હાલ સાસરે છે તેની સાથે મુળ ગઢડાના જોરડા ગામના અને હાલ રાજકોટ રહી દૂધનો ધંધો કરતાં શખ્‍સને લગ્ન કરવા હોઇ પણ પ્રોૈઢે લગ્નની ના પાડી પોતાની દિકરીના બીજા પરિવારમાં લગ્ન કરાવી દેતાં આ બાબતનો ખાર રાખી આ દૂધના ધંધાર્થી શખ્‍સે પોતાના મિત્ર સાથે મળી ગઇકાલે પ્રોૈઢ ઘરેથી બાઇક હંકારી નોકરીએ જતા હતાં ત્‍યારે સાધુ વાસવાણી રોડ પર તેમનો પીછો કરતાં તેઓ ઉભા રહી જતાં અને ફોન કરી પત્‍નિ તથા ૧૪ વર્ષના દિકરાને બોલાવતાં આ બંને અહિ આવતાં પીછો કરનાર બંને કાર લઇ નીકળી જતાં  પ્રોૈઢ પોતાના પત્‍નિ-દિકરાને  ઘરે રવાના કરી પોતે નોકરીએ જવા નીકળતાં રસ્‍તામાં જનકપુરી નજીક ક્‍વાર્ટર પાસેથી દૂધનો ધંધાર્થી પ્રોૈઢના પત્‍નિ અને પુત્રને કારમાં બળજબરીથી નાંખી અપહરણ કરી જતાં દોડધામ મચી ગઇ હતી. યુનિવર્સિટી પોલીસે કલાકોમાં કુલ ૪ આરોપીઓને પકડી લઇ અપહૃત મા-દિકરાને મુક્‍ત કરાવ્‍યા છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ૧૪ વર્ષના દિકરા સાથે અપહરણનો ભોગ બનનાર મહિલાના પતિની ફરિયાદ પરથી રાજકોટ સાધુ વાસવાણી રોડ પર આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં અને દુધનો ધંધો કરતાં મુળ બોટાદના જોરડા ગામના કૃણાલ માલાભાઇ મીઠાર (ઉ.વ.૨૯) અને તેના મિત્ર આજીડેમ ચોકડી માનસરોવરના ઢાળીયા પાસે રહેતાં દૂધના ધંધાર્થી મુળ  જસદણના ભંડારીયાના ભરત જીવાભાઇ કળોતરા (ઉ.વ.૩૦) સામે અપહરણનો ગુનો નોંધી બંનેને કલાકોમાં જ ત્રંબા નજીકથી દબોચી લઇ અપહૃત મા-દિકરીને મુક્‍ત કરાવ્‍યા છે. આ ગુનામાં અન્‍ય બે આરોપીની પણ સંડોવણી સામે આવતાં તેને પણ સકંજામાં લઇ

આ બનાવમાં ફરિયાદી પ્રોૈઢે પોલીસને જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને છુટક કામ કરુ છું. મારે સંતાનમાં એક દિકરો અને પાંચ દિકરી છે. જેમાં એક દિકરી સાસરે છે. ગુરૂવારે ૨૯મીએ સાંજે આઠેક વાગ્‍યે હું ટીફીન લઇ નાઇટ ડયુટીમાં કેકેવી હોલ નજીક સ્‍ટોર પર જતો હતો. આ વખતે કૃણાલ અને તેનો મિત્ર ભરત સફેદ રંગની કાર લઇને મારી પાછળ આવતાં હતાં. કાર કૃણાલ ચલાવતો હતો. જેથી હું સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી પાસે ચાની હોટલે ઉભો રહી ગયો હતો. આથી કૃણાલ અને તેની સાથેનો ભરત પણ કાર મારી સામેની સાઇડ રાખી ઉભા રહી ગયા હતાં.

જેથી મેં મારા પત્‍નિને ફોન કર્યો હતો કે કૃણાલ અને તેનો મિત્ર ભરત અર્ટીગા કાર લઇને મારી પાછળ આવે છે. આથી મારા પત્‍નિ અને દિકરો ત્‍યાં આવતાં કૃણાલ અને ભરત કાર લઇ નીકળી ગયા હતાં. કૃણાલને અગાઉ મારી દિકરી જે હાલ સાસરે છે તેની સાથે કૃણાલને લગ્ન કરવા હતાં. પરંતુ મારે મારી દિકરીને કૃણાલ સાથે પરણાવવી નહોતી. આ કારણે તેણે ખાર રાખ્‍યો હતો. કૃણાલ, ભરત જતા રહ્યા બાદ મેં પત્‍નિ, દિકરાને ઘરે મોકલી દીધા હતાં અને હું નોકરીએ ગયો હતો. ત્‍યાં રાતે સવા નવેક વાગ્‍યે મેં મારા પત્‍નિને ફોન કરતાં રીસીવ થયો નહોતો. જેથી મને ચિંતા થતાં ઘરે ગયો હતો. એ વખતે મારી પત્‍નિ નહોતી. મેં દિકરીને આ બાબતે પુછતાં તેણે કહેલું કે મમ્‍મી અને ભાઇ હજુ ઘરે આવ્‍યા નથી.

આથી હું ફરીથી સાધુ વાસવાણી રોડ પર મૈયાભાઇની હોટલ પાસે કે જ્‍યાંથી મેં બંનેને ઘરે રવાના કર્યા હતાં ત્‍યાં તપાસ કરવા જતાં  તે ત્‍યાં પણ મળ્‍યા નહોતાં. અહિથી આગળ જનકપુરીના ક્‍વાર્ટર નજીક મહાદેવના મંદિર પાસે રસ્‍તા પરના લોકોને પૃછા કરતાં એક ભાઇએ કહ્યું હતું કે એક અર્ટીગા કાર આવી હતી તેમાં એક બહેન અને છોકરાને બળજબરીથી બે જણા બેસાડીને લઇ ગયા છે. આથી મને ખબર પડી હતી કે મારા પત્‍નિે દિકરાનું અપહરણ કૃણાલ અને તેની સાથેના ભરતે કર્યુ છે. જેથી મેં તુરત પોલીસને જાણ કરી હતી. મારી દિકરી સાથે કૃણાલને લગ્ન કરવા હોઇ પરંતુ મેં ના પાડી હતી અને દિકરીના બીજે લગ્નથઇ ગયા હોઇ તે કૃણાલને ન ગમતાં ખાર રાખી તેણે મિત્ર સાથે મળી કારથી મારો પીછો કર્યો હતો અને બાદમાં સાધુ વાસવાણી રોડ પર હું ઉભો રહી જતાં અને મારા પત્‍નિ (ઉ.વ.૪૫) તથા દિકરા (ઉ.વ.૧૪)ને બોલાવતાં આ બંને આવતાં કૃણાલ અને ભરત ત્‍યાંથી નીકળી ગયા બાદ હું નોકરી પર જતાં પાછળથી મારા પત્‍નિ, દિકરાને કારમાં ઉઠાવી જવાયા હતાં.

અપહરણની ઘટના જાહેર થતાં જ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો નોંધ્‍યા બાદ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોન્‍સ. વિરદેવસિંહ જાડેજા, વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, ગોપાલસિંહ જાડેજા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, પ્રવિણભાઇ જતાપરા, દિવ્‍યરાજસિંહ ટેમભા, પ્રાદીત્‍યસિંહ ઝાલા સહિતની ટીમે તત્‍કાળ કાર્યવાહી કરી આરોપીઓનું પગેરૂ દબાવી મુખ્‍ય સુત્રધાર કૃણાલ અને સાથેના ભરતને પકડી લીધા બાદ મદદગારીમાં અન્‍ય બે નામ ખુલતાં તેને પણ દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે. આ લોકો તેને રાજકોટ ભાવનગર હાઇવે તરફ થઇ કોઇ ગામે લઇ જતાં હતાં ત્‍યારે પકડી લેવાયા હતાં. તમામની વધુ પુછતાછ થઇ રહી છે.

(2:44 PM IST)