<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ધુળેટીએ રાજકોટથી રતનપર રામચરિત માનસ મંદિર સુધી પદયાત્રા

શ્રમ, આરોગ્‍ય, શિક્ષણ અને આધ્‍યાત્‍મનો સંદેશો ફેલાવતી પૂ. જયરામદાસજી મહારાજ પદયાત્રામાં જોડાશે, પદયાત્રિકો માટે ચા-પાણીની વ્‍યવસ્‍થા, નામ નોંધણી શરૂ

રાજકોટ : મોરબી રોડ પર રતનપર ખાતે દર્શનીય યાત્રાધામ શ્રીરામ ચરિત માનસ મંદિરમાં દર વર્ષે ભવ્‍ય ફુલડોલ મહોત્‍સવ ઉજવાય છે. અગાઉ ફૂલડોલ પ્રસંગે બ્રહ્મલીન ભાગવતાચાર્ય શ્રીમનહરલાલજી મહારાજની નિશ્રામાં સેંકડો ભાવિકો રાજકોટથી રતનપર સુધીની પદયાત્રામાં જોડાતા હતા. જેમાં ૭૦ વર્ષની જૈફ વયે શ્રી મનહરલાલજી મહારાજ સ્‍વયં ચાલીને પદયાત્રા કરતા હતા. તે પરંપરા મુજબ પૂ. શ્રી હરિચરણદાસજી મહારાજના શુભાશિષથી આ વર્ષે ધૂળેટી તા. ૪ માર્ચને બુધવારે રાજકોટથી રામચરિત માનસ મંદિરની પદયાત્રાનું આયોજન કરેલ છે.

જેનો પ્રારંભ ગીતા વિદ્યાલય ટ્રસ્‍ટ, ગીતા મંદિર, જંકશન પ્‍લોટથી સવારે ૭ કલાકે થશે. સિયારામ મંડળી આયોજિત શ્રમ, આરોગ્‍ય, શિક્ષણ અને અધ્‍યાત્‍મનો સંદેશો ફેલાવતી આ પદયાત્રામાં સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના હોદ્દેદારો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સદ્દગુરૂભકતો,  દાણાપીઠ, માર્કેટ યાર્ડના વ્‍યાપારી શ્રેષ્‍ઠીઓ, વિવિધ મહિલા મંડળના બહેનો, ભાવિકો, દર્શનાર્થીઓ જોડાશે. ગીતા વિદ્યાલયથી વાજિંત્રો સાથે ધૂન-ભજન, સત્‍સંગ, બ્રાહ્મણોના મંત્રોચ્‍ચાર તથા જય શ્રીરામના જયઘોષ સાથે ભાવપૂર્ણ પદયાત્રાનો પ્રારંભ થશે. દરેક પદયાત્રીને આલ્‍ફા જવાહર નવોદય હોસ્‍ટેલ જસદણ તથા અન્‍ય દાતાઓના સહયોગથી સ્‍મૃતિભેટ આપીને સન્‍માનિત કરાશે. પદયાત્રામાં જોડાનાર સર્વે ભાવિકો માટે ચા, કોફી, અલ્‍પાહાર, લીંબુપાણી, ગ્‍લુકોઝ, દુધ કોલ્‍ડડ્રિંક, પ્રાથમિક સારવાર વગેરેની વ્‍યવસ્‍થા કરેલ હોવાનું યાદિમાં જણાવાયું છે. પૂ. જયરામદાસજી મહારાજ સ્‍વયં આ પદયાત્રામાં માર્ગમાં જોડાશે. ગૌરીદડ તથા રામમંદિરે પદયાત્રાનું માથે ઇંઢોણી લીધેલી કુમારિકાઓ દ્વારા સામૈયું થશે.

પદયાત્રીઓએ લાવેલ ધ્‍વજાજી રણછોડરાયજીને ચડાવવામાં આવશે. સંતો-મહંતોની ઉપસ્‍થિતમાં, હજારો ભાવિકોની હાજરીમાં ભક્‍તિભાવ પૂર્વક ફુલડોલ ઉત્‍સવ ઉજવાશે, પૂજા આરતી થશે, ધર્મસભા પણ યોજાશે. સર્વે ભાવિકો શુદ્ધ ઘીમાંથી નિર્મિત ભોજન મહાપ્રસાદ લેશે.

પદયાત્રી તરીકે નામ નોંધાવવા ઇચ્‍છતા સર્વેને જંકશન પ્‍લોટ પોલીસ ચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્‍ટ, ગીતા મંદિરે નામ નોંધણી માટે સંપર્ક કરવા સિયારામ મંડળીની યાદિમાં જણાવાયું છે.

(2:41 PM IST)