<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

કાલથી ભુપગઢમાં વિના મુલ્‍યે પ્રીસ્‍કુલ, ધો. ૯ થી ૧ર હાઇસ્‍કુલ અને ડિફેન્‍સ એકેડેમીનો શુભારંભ

વિદ્યા એ જીવનનો દીપ છે, આ દીપ પ્રગટાવવાના પવિત્ર સંકલ્‍પ સાથે એઇમટ્રોન ફાઉન્‍ડેશન (યુએસએ)નો સહયોગ : આરોગ્‍ય મેડીકલ - રક્‍તદાન કેમ્‍પ પણ યોજાશે

રાજકોટ : શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રે એક નવી અને પ્રેરણાદાયક પહેલ તરીકે એમઇટ્રોન ફાઉન્‍ડેશન (યુએસએ) દ્વારા વધુ એક મહત્‍વપૂર્ણ સામાજિક કાર્યનો આરંભ થવા જઇ રહ્યો છે. સંસ્‍થાના માર્ગદર્શક મુકેશભાઇ જેરામભાઇ વસાણી દ્વારા શિક્ષણ, આરોગ્‍ય મેડીકલ કેમ્‍પનું કાર્ય કરી રહ્યા છે. ગ્રામ્‍ય વિસ્‍તારના બાળકો પણ ગુણવત્તાયુક્‍ત શિક્ષણથી વંચિત ન રહે અને તેઓને આગળ વધવાની સમાન તક મળે તે વિચારધારા સાથે આ સેવાકાર્ય કરવામાં આવી રહ્યું હોવાનું યાદિમાં જણાવાયું છે.

આ જ અનુક્રમે તા. ૩૧ શનિવારે ભુપગઢ ખાતે વિનામુલ્‍યે પ્રીસ્‍કુલ તેમજ નવા શૈક્ષણિક સત્રથી ભુપગઢ હાઇસ્‍કુલ ધો. ૯ થી ૧ર (કોમર્સ, આર્ટસ) તેમજ ડીફેન્‍સ એકેડમીની શરૂઆત કરવામાં આવી રહી છે.

આ પ્રીસ્‍કુલનો મુખ્‍ય હેતુ ગામડાના બાળકોને શિક્ષણના મુખ્‍ય પ્રવાહ સાથે જોડવાનો તેમજ ગામડાનાં સર્વાંગી વિકાસમાં યોગદાન આપવાનો છે. આ વિનામુલ્‍યે પ્રીસ્‍કુલનું સંચાલન શ્રીમતી શર્મિલાબેન બાંભણિયા સંચાલિત પોપ્‍યુલર સ્‍કુલ એન્‍ડ ડિફેન્‍સ એકેડમી દ્વારા કરવામાં આવે છે.

જે હાલમાં ત્રંબા ખાતે કાર્યરત છે અને હવે તેની બીજી શાખા ભુપગઢ ખાતે શરૂ કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.

આ સાથે શાળા તેમજ ડિફેન્‍સ એકેડમીની આર્મી, પોલીસ અને ફોરેસ્‍ટ વિભાગમાં પસંદગી પામેલ, તેમજ નવોદય વિદ્યાલયમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓના સન્‍માનાર્થે વિશેષ સન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું છે. રકતદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

આ અંગે વધુ માહિતી માટે મો. ૯૭રપર૦૮૮૭૭ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્‍વીરમાં શર્મિલાબેન, રાજેશભાઇ, રવિભાઇ, ચિંતન અને અલ્‍કાબેન નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:41 PM IST)