જંગલેશ્વરના રહેવાસીઓનો કલેકટર કચેરીએ ચોધાર આંસુએ પોકાર..અમને સમય આપોઃ કલેકટરને આવેદન-રજૂઆતો
જીલ્લા કચેરીએ ૧પ૦૦ થી ર હજાર લોકો ઉમટી પડયાઃ સરકાર તથા ધારાસભ્ય વિરૂધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર : કલેકટર બૂલડોઝર ફેરવવા મકકમઃ આવતા અઠવાડિયે કાર્યવાહીઃ કોર્પોરેશને ૧ હજારને નોટીસ આપી છેઃ મહાનગરપાલિકાનું અકળ મૌન

રાજકોટઃ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ર૪૦૦ થી વધુ મકાનોને ખાલી કરવા તંત્ર દ્વારા કલમ-ર૦ર હેઠળ અંતિમ નોટીસ આપી ૭ દિવસનો સમય અપાયો છે, ત્યારે ગઇકાલે બપોરે જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે પ્લેકાર્ડ સાથે ઉમટી પડયા હતા અને વિવિધ રજૂઆતો કરી હતની. રહેવાસીઓએ જણાવેલ કે, અમે અહી ૪૦-૪૦ વર્ષથી રહીએ છીએ. અમારા બાળકોનો જન્મ પણ અહીં જ થયો છે. કેટલાક લોકોએ જણાવેલ કે અમારા ઘરમાં બિમાર, વૃધ્ધો છે, જેની સારવાર ચાલી રહી છે અને આટલા ટૂંકા ટાઇમમાં અમારે બીજે કંઇ રીતે જવું અમુક સ્થાનીકોએ બાળકો ભણતા હોય અને તેનું ભવિષ્ય ન બગડે તે માટે ડીમોલીશન ન કરવા પણ માંગ કરી હતી અનેક લોકો ચોધાર આસુંએ રડી પડયા હતા અને સમય આપવા પોકાર કર્યો હતો. આ દરમિયાન લોકોએ સરકાર તથા ધારાસભ્ય વિરૂધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. આગેવાનો દ્વારા રજૂઆત કરી કલેકટરને આવેદન પાઠવાયું હતું. જો કે કલેકટરે સ્પષ્ટ જણાવેલ કે, આ અંગે ૩ વખત સુનાવણી કરવામાં આવી છે. કાયદાકિય રીતે મનપા તથા કલેકટર તંત્ર દ્વારા નોટીસ પણ આપવામાં આવી છે. ત્યારે અઠવાડીયે ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવશેનું જણવ્યું હતું, જંગલેશ્વરમાં કોર્પોરેશન દ્વારા ૧ હજાર તથા કલેકટર તંત્ર દ્વારા ૧૩૦૦ થી વધુને નોટીસો ફટકારી જગ્યા ખાલી કરવા જણાવ્યું છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)










