હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા કામદારોને ભારે અન્યાયઃ કોન્ટ્રાકટરો પાસબૂક-ATM કાર્ડ કબજે લેતા હોવાની રાવ
કોઇપણ નોટીસ વગર ૧૬ કામદારોને છૂટા કરાયાની ફરિયાદઃ કોન્ટ્રાકટરો સામે તપાસની માંગણી? : રાજકોટ કામદાર યુનિયનનું કલેકટરને આવેદનઃ પગાર ઓછો ચૂકવાતો હોવાનો આક્ષેપો

રાજકોટ, તા.૩૦: રાજકોટ કામદાર યુનિયનના આગેવાનોએ કલેકટરને આવેદન પત્ર પાઠવી ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતા મજુર, હેલ્પર તથા ડ્રાઈવરને મળતા લઘુતમ વેતન અને કાયદેસર લાભોમાં અમુક કોન્ટ્રાકટરોદ્વારા કૌભાંડો કરી અનુસૂચિત જાતિ સમાજના કામદારો સાથે અન્યાય કરવામાં આવતો હોય, બળજબરીથી બેન્ક ખાતાની પાસબુક તથા એટીએમ કાર્ડ કબજે લઈ ગેરકાયદેસર રીતે પગાર ચુકવણી કરવામાં આવતી હોવા તેમજ કોઈપણ કારણદર્શક નોટીસ વિના નોકરી પરથી છુટા કરવામા આવતા હોવા બાબતે રજુઆત કરી હતી.
આવેદનમાં ઉમેર્યુ કે, રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની કામગીરી કોન્ટ્રાકટ પધ્ધતિ દ્વારા ચાલી રહી છે. આ કામગીરીમાં કાર્યરત મજુર, હેલ્પર અને ડ્રાઈવર વર્ગના કામદારો મોટા ભાગે અનુસૂચિત જાતિ સમાજના છે. દુઃખદ વાત એ છે કે, સંબંધિત કોન્ટ્રાકટરો દ્વારા આ કામદારોના હકકોનું ગંભીર અને સુયોજિત રીતે શોષણ કરવામાં આવી રહયું છે.
સરકાર દ્વારા નકકી કરાયેલ લઘુતમ વેતન, પી.એફ., ઈ.એસ.આઈ., રજા, ઓવરટાઈમ તથા અન્ય કાયદેસરના લાભો આપવામાં આવતા નથી. પગાર પત્રકમાં ગેરરીતીઓ કરીને હકીકતમાં કામદારોને મળવાપાત્ર રકમ કરતા ઓછી રકમ ચુકવવામાં આવે છે, જે કાયદેસર ગુનો છે.
આ ઉપરાંત કોન્ટ્રાકટરો દ્વારા કામદારોને બળજબરીથી ધમકાવી તેમની બેન્ક ખાતાની પાસબુક તથા એટીએમ કાર્ડ કબજે લઈ લેવામાં આવ્યા છે. બહારથી દેખાડવા માટે કામદારોના ખાતામાં પુરો પગાર જમા કરાવવામાં આવે છે. પરંતુ ત્યારબાદ ગેરકાયદેસર રીતે રોકડમાં ઓછો પગાર ચુકવવામાં આવે છે અને બાકી રકમ કોન્ટ્રાકટરો દ્વારા હડપ કરવામાં આવે છે.
અંતે આપ ને વિનંતી છે કે, ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતી કામગીરીમાં સંકળાયેલા અમૂક ે કોન્ટ્રાકટરો તાત્કાલિક તપાસ કરાવવામાં આવે. કામદારોની પાસબુક તથા એટીએમ કાર્ડ બળજબરીથી કબજે લેવાના કળત્ય બદલ દોષિતો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. તમામ કામદારોને સરકાર ધ્વારા નકકી કરાયેલ લઘુતમ વેતન અને તમામ કાયદેસર લાભો પુરા ચુકવવામાં આવે. કોઈપણ કારણદર્શક નોટીસ વિના નોકરી પરથી છુટા કરાયેલા ૧૬ કામદારોને તાત્કાલિક ન્યાય આપી પુનઃ નોકરી પર લેવામાં આવે. આવેદનમાં ં પ્રમુખ પારસ બેડીયા તથા અન્યો જોડાયા હતા.










