<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

મનપાના તમામ વિભાગોની પેન્‍ડીંગ ફાઇલો એક સપ્‍તાહમાં નિકાલ કરો

શાસકોની બજેટ સમીક્ષા બેઠક બાદ મ્‍યુનિ.કમિશનરે અધિકારીઓને ઉધડો લિધોઃ ૪૮ કલાકમાં એકશનપ્‍લાનની સુચના : આગામી નાણાકીય વર્ષના મનપાના બજેટમાં વિલંબઃ સ્‍વચ્‍છ સર્વેક્ષણ માટે વોર્ડ વાઇઝ નોડલ અધિકારીની નીમણુંકઃ એક સપ્‍તાહ બાદ ઝોન લેવલે ફરી પેન્‍ડીંગ ફાઇલ નિકાલ અંગે રીવ્‍યુ થશે

રાજકોટ, તા.૩૦: મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા મહાનગરપાલિકાની કાર્યક્ષમતામાં વધુ સુધારો લાવવા, વહીવટી પ્રક્રિયાઓમાં ગતિ લાવવા તથા શહેરના સર્વાંગી વિકાસ અને સ્‍વચ્‍છતાને નવી દિશા આપવા હેતુસર ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશનર, શાખાધિકારીઓ તેમજ ત્રણેય ઝોનના વોર્ડ ઓફિસર્સ સાથે વિસ્‍તળત રિવ્‍યુ બેઠક સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે યોજવામાં આવી હતી.

આ બેઠકમાં વિવિધ સ્‍તરે પેન્‍ડિંગ રહેલી ફાઈલો, આવનાર વર્ષના વિકાસ કાર્યો, આગામી બજેટ આયોજન તથા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૬' માટેની તૈયારી અંગે વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી.

મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં નાગરિકો દ્વારા કરવામાં આવતી અરજીઓ અને સેવાઓના ઝડપી અને સમયસર નિકાલ થાય તેમજ સેવાઓના વિલંબને કારણે નાગરિકોને પડતી હાલાકી દુર થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી.

મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા દરેક વિભાગના કાર્યોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાના તમામ વિભાગોના વિવિધ સ્‍તરે રહેલી પેન્‍ડીંગ ફાઈલોના નિકાલ અંગે સમીક્ષા કરવામાં આવી. આવી તમામ પેન્‍ડીંગ ફાઈલોનો એક અઠવાડિયામાં ફરજિયાત નિકાલ કરવાની સ્‍પષ્ટ સુચના આપવામાં આવી.

વોર્ડ ઓફિસરોને ત્રણ દિવસમાં વોર્ડ સ્‍તરે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સંકલન કરી પેન્‍ડીંગ ફાઈલોનો નિકાલ કરવા જવાબદારી આપવામાં આવી. તમામ પાંચ નાયબ મ્‍યુનિસિપલ કમિશનરોને એક અઠવાડિયામાં પોતાના ઝોન અને ફાળવેલા વિભાગોની પેન્‍ડીંગ ફાઈલોના નિરાકરણ અંગે સુચના આપી હતી. એક અઠવાડિયા બાદ મ્‍યુનિસિપલ કમિશનર ઝોન લેવલે પેન્‍ડીંગ ફાઈલોના નિકાલ અંગે રીવ્‍યુ લેશે.

આ ઉપરાંત તમામ નાયબ મ્‍યુનિસિપલ કમિશનરોને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સંકલન કરી ફાઈલોના સમયસર નિકાલ તેમજ ફાઈલ ટ્રેકિંગની વ્‍યવસ્‍થા કરવા માટે ૪૮ કલાકમાં એક્‍શન પ્‍લાન તૈયાર કરી મ્‍યુનિસિપલ કમિશનરશ્રી સમક્ષ રજુ કરવા સુચના આપવામાં આવી.

નિયત સમયમર્યાદા કરતાં વધુ સમય સુધી પેન્‍ડિંગ રહેલી ફાઈલો અંગે જવાબદારી નક્કી કરી સંબંધિત શાખાધિકારીઓને ઝડપી અને ગુણવત્તાપૂર્ણ નિકાલ માટે તાકીદ કરવામાં આવી. આ ઉપરાંત, દરેક વિભાગે પોતાની પેન્‍ડિંગ ફાઈલોનું શાખા વાઇઝ સાપ્તાહિક રિવ્‍યુ કરી નિકાલ અંગેના પગલાં લેવાની અને તેની માહિતી ઉચ્‍ચ અધિકારીઓને રજૂ કરવાની સૂચના આપવામાં આવી.

તમામ ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશર તથા સંલગ્ન અધિકારીઓને તેમના-તેમના ઝોનમાં પ્રગતિ હેઠળના વિકાસ કાર્યોની રૂબરૂ સ્‍થળ સમીક્ષા કરવાની ફરજિયાત સૂચના આપવામાં આવી.

રાજકોટ મહાનગરપાલિકાની હેલ્‍પલાઈન નંબર-૧૫૫૩૦૪, વોટ્‍સએપ ચેટબોટ અને વેબસાઈટ પર નોંધાયેલી ફરિયાદોમાંથી દસ ફરિયાદો રેન્‍ડમ ચેક કરી તેની સ્‍થળ તપાસ કરવા અને નાગરિકો સાથે જનસંવાદ કરી સ્‍થળ પર ફરિયાદોના નિકાલની ખરાઈ કરી નિરાકરણ લાવવા, ત્રણેય ઝોનના નાયબ મ્‍યુનિસિપલ કમિશનરશ્રી અને વોર્ડ ઓફિસર્સને આદેશ આપવામાં આવ્‍યો.

આગામી વર્ષના બજેટ આયોજનને અનુલક્ષીને, શહેરમાં હાલ ચાલી રહેલા તથા બાકી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી, સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા પર મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ વિશેષ ભાર મુકયો હતો.

બેઠકમાં સ્‍વચ્‍છતા વિષયને મુખ્‍ય એજન્‍ડા તરીકે લેવામાં આવ્‍યો. ગયા વર્ષે સ્‍વચ્‍છતા સર્વેક્ષણમાં રાજકોટ શહેરે ૩૭મા ક્રમેથી નોંધપાત્ર પ્રગતિ કરી ૧૯મા ક્રમે સ્‍થાન મેળવ્‍યું છે, તે બાબતનું વિશેષ ઉલ્લેખ કરી આ પ્રગતિને આગળ વધારવા અને સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૬માં રાજકોટ શહેરને અગ્રેસર શહેર તરીકે સ્‍થાન અપાવવા આગામી ૪૮ કલાકમાં ઝોન લેવલે સ્‍વચ્‍છ સર્વેક્ષણની માર્ગદર્શિકા અનુસાર નાયબ મ્‍યુનિસિપલ કમિશનરને સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરી ‘એક્‍શન પ્‍લાન' બનાવી નક્કર કામગીરીનું આયોજન કરી મ્‍યુનિસિપલ કમિશનરશ્રી સમક્ષ રજુ કરવા જણાવવામાં આવ્‍યું.

સ્‍વચ્‍છતા સંબંધી નાગરિકોના પ્રશ્‍નો, ફરિયાદો અને સૂચનોને સ્‍થળ પર સમજી તેના ઝડપી નિકાલ માટે અધિકારીઓને દૈનિક બે કલાક સેનિટેશન રીવ્‍યુ માટે ફરજીયાત ફેરણી (ફીલ્‍ડ વિઝિટ) કરવા જણાવાયું. ફેરણી (ફીલ્‍ડ વિઝીટ) અંગેની કામગીરીના દૈનિક GPS Location સાથેના અહેવાલ મ્‍યુનિસિપલ કમિશનરશ્રીને આપવા અંગે સુચના આપવામાં આવી.

વધુમાં ડોર ટુ ડોર વેસ્‍ટ કલેક્‍શન કામગીરીમાં કોઈપણ ઘર, મહોલ્લા, શેરીઓ બાકી ન રહી જાય અને રાજકોટ શહેરમાં ‘વિઝીબલ ક્‍લીન્‍લીનેસ' (વાસ્‍તવિક સ્‍વચ્‍છતા) માટે કામગીરી થાય તે અંગે ભાર મુકવામાં આવ્‍યો. સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૬ જનભાગીદારી અન્‍વયે નાગરિકોના પ્રતિભાવ અને ફીડબેકમાં સંપૂર્ણ માર્ક્‍સ પ્રાપ્ત થાય તે દિશામાં કામગીરી કરવા સુચના આપી હતી.

સ્‍વચ્‍છતાની જવાબદારી માત્ર સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગ પૂરતી મર્યાદિત ન રાખતા, મહાનગરપાલિકાના તમામ વિભાગોને સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૬ અંતર્ગત જવાબદારી નક્કી કરી કાર્ય કરવા સ્‍પષ્ટ સૂચના આપવામાં આવી.

આ સંદર્ભે તમામ વિભાગોની ભૂમિકા, કામગીરી અને જવાબદારીઓ નિર્ધારિત કરતો વિસ્‍તળત ઓર્ડર આગામી બે દિવસમાં જાહેર કરવામાં આવશે, તેવી જાણ કરવામાં આવી.

બેઠકમાં ત્રણેય ઝોનના વોર્ડ ઓફિસર્સને પેન્‍ડિંગ ફાઈલોના નિકાલ તેમજ સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૬ માટે વોર્ડ વાઇઝ નોડલ અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી. વોર્ડ સ્‍તરે સ્‍વચ્‍છતા સર્વેક્ષણની માર્ગદર્શિકા મુજબ કામગીરી પર ખાસ દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

(3:26 PM IST)