હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રસના ચિચોડા-ગોલાના ધંધા માટે મનપા ૭ પ્લોટ ભાડે આપશે
૪ ફેબ્રુઆરીના સાંજે ૪ કલાકે હરરાજીઃ ૧૦×૧૦ ચો.ફુટના ગાળાના અપસેટ ભાડુ રૂા. રપ૦: આ પ્લોટ ૬ ફેબ્રુઆરીથી ૧પ જુન સુધી મળશે કયા કયા પ્લોટ અપાશે...? અમીન માર્ગ કોર્નર ગાઉન્ડ, પ્રમુખ સ્વામી ઓડીટોરીયની બાજુનો પ્લોટ, સાધુવાસવાણી શાક માર્કેટની સામેનો પ્લોટ, રાજનગર મેઇન રોડ ધરતી હોન્ડા શો રૂમની સામેનો પ્લોટ, નાનામવા સર્કલ પાસેનું ગ્રાઉન્ડ, મવડી સૂવર્ણભૂમિ પાસેનું ગ્રાઉન્ડ, સાધુવાસવાણી રોડ રાજપેલેસ સામેનો પ્લોટ.

રાજકોટ, તા.૩૦: શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ મનપાના ટી.પી. પ્લોટમાં ઉનાળાની સીઝન દરમ્યાન રસના સિચોડા તથા ગોલાના સીઝનલ વ્યવસાય માટે ગાળા ફાળવવા અંગેની પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત નિયમો અને શરતો મુજબ અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
મહાનગરપાલિકાની આ વ્યવસ્થા હેઠળ તા.૦૬ ફેબ્રુઆરીથી તા.૧૫ જુન સુધીનો સમયગાળો વ્યવસાય માટે નક્કી કરવામાં આવ્યો છે. આ સમયગાળા કરતા ઓછા દિવસો માટે ગાળા ફાળવવામાં આવશે નહીં. જો નિર્ધારિત મુદત પૂર્ણ થયા બાદ સમયગાળો વધારવો હોય તો હરરાજીમાં બોલાયેલ ભાવ મુજબ જ વધારાની મુદત આપવામાં આવશે. ગાળા ફાળવણી માટે અરજદારોએ તા. ૦૪ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪:૦૦ કલાકે ડો. આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન ઓફિસ, કોન્ફરન્સ રૂમ, પ્રથમ માળ, ઢેબર રોડ, રાજકોટ ખાતે યોજાનારી જાહેર હરરાજીમાં હાજર રહી ભાગ લેવાનો રહેશે. હરરાજીમાં માત્ર તે જ અરજદાર અથવા પ્રતિનિધિ ભાગ લઈ શકશે, જેણે ગાળા દીઠ રૂ. ૫,૦૦૦ સિકયુરીટી ડીપોઝીટ સીવીક સેન્ટરમાં ભરી તેની ઓરિજિનલ પહોંચ રજૂ કરી હશે.
મનપા દ્વારા ૧૦×૧૦ ચોરસ ફૂટના ગાળાની હરરાજી કરવામાં આવશે. એક ગાળાનું અપસેટ ભાડું રૂ. ૨૫૦ પ્રતિદિન નક્કી કરવામાં આવ્યું છે. હરરાજીમાં ભાગ લેનારોએ અપસેટ ભાવ કરતા વધુ બોલી બોલી શકશે, પરંતુ વધારાની બોલી રૂ. ૧૦ ના ગુણાંકમાં જ બોલવાની રહેશે. ફાળવેલ ગાળાની પાછળ જગ્યા ઉપલબ્ધ હોય તો તે જ સ્ટોલ માટે વધારાની જગ્યા, હરાજીમાં મંજૂર થયેલ ભાવે ફાળવવામાં આવશે. તમામ ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ સ્કેચ મુજબ ક્રમશઃ ગાળાની ફાળવણી કરવામાં આવશે અને અરજદારે તે જ ક્રમ મુજબ ગાળા ઉભા કરવાના રહેશે.
હરરાજીમાં સફળ રહેનાર ગાળા ધારકોએ દ્વી-માસિક ભાડાની રકમ એકસાથે ચૂકવવાની રહેશે. જો કોઈ અરજદાર સમયમર્યાદામાં ભાડાની રકમ અથવા ડીપોઝીટ ભરપાઈ નહીં કરે કે ફાળવેલ ગાળો સ્વીકારશે નહીં, તો તેની સિકયુરીટી ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે તેમજ સંબંધિત અરજદારને રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૩ વર્ષ માટે ડીબાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વીજ કનેકશન બાબતે સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું છે કે, જો સ્ટોલ ધારક સ્થળ પર વીજ કનેકશન લેવાનું ઇચ્છે તો તેને નિયમો મુજબ જરૂરી વીજ સુરક્ષા ઉપકરણો ફરજિયાત રીતે લગાવવાના રહેશે. વીજ શોકથી કોઈપણ પ્રકારની ઇજા, નુકશાન કે જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સ્ટોલ ધારકની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાના મંડપ તથા ગાળા ફાળવણી અંગેના તમામ નીતિ-નિયમો અને શરતોનું પાલન કરવું ફરજિયાત રહેશે. હરરાજી કે ફાળવણી સંબંધિત કોઈપણ પ્રશ્ન અથવા વિવાદ ઉપસ્થિત થાય તો તે અંગે મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય આખરી અને તમામ માટે બંધનકર્તા રહેશે. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફક્ત સીઝનલ વ્યવસાય માટે જ ગાળા ફાળવવામાં આવે છે અને આ સિવાય અન્ય કોઈ જવાબદારી મહાનગરપાલિકાની રહેશે નહીં.










