તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st January 2026
રાજકોટના મંદિરમાં રહેતો હરેશ કુવાડવા-વાંકાનેર ચોકડીએથી ગાંજા સાથે ઝડપાયો
મુળ ચોટીલા ભેટસુડાનો શખ્સ વર્ષોથી રામનાથપરામાં મેલડી માતાના મંદિરમાં રહે છેઃ નશો કરવા સાથે પડીકીઓ પણ વેંચતો હોવાનું ખુલ્યું: અમદાવાદનો શખ્સ આપી ગયાનું રટણ : કુવાડવા પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં એએસઆઇ ખોડુભા જાડેજા, જયદિપભાઇ ધોળકીયા, મેહુલસિંહ, સંજયભાઇની કામગીરીઃ પીએસઆઇ બ્લોચે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૩૧: શહેરના રામનાથપરા મહાદેવ મંદિરની સામે આવેલા મેલડી માતાજીના મંદિરમાં વર્ષોથી રહેતાં મુળ ચોટીલા પંથકના શખ્સને કુવાડવા રોડ પોલીસે રાજકોટઅવાંકાનેર ચોકડીએથી ગાંજા સાથે ઝડપી લીધો છે. પોતે ગાંજાનો બંધાણી છે અને છુટક વેંચાણ પણ કરે છે. અમદાવાદ તરફનો કોઇ શખ્સ આ ગાંજો આપી ગયાનું તે કહેતો હોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મુળ ચોટીલાના ભેટસુડાના અને હાલ રાજકોટ રામનાથપરા ભવાનીનગર રામનાથ મહાદેવ મંદિરની સામે મેલડી માતાના મંદિરમાં રહેતાં હરેશ રમેશભાઇ ગાબુ (ઉ.વ.૨૬)ને કુવાડવા રોડ પોલીસે કુવાડવા વાંકાનેર ચોકડી પાસેથી રૂા. ૨૫૮૫૦ના ૫૧૭ ગ્રામ ગાંજા સાથે પકડી લઇ રોકડ, મોબાઇલ મળી ૪૦૭૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
કુવાડવા પોલીસની ટીમ સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ હેઠળ માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ ખોડુભા જાડેજા, કોન્સ. જયદિપભાઇ ધોળકીયાને બાતમી મળી હતી કે રાજકોટ રામનાથ મહાદેવ મંદિરની સામે મેલડી માતાના મંદિરમાં રહેતો હરેશ ગાબુ કુવાડવા વાંકાનેર ચોકડીએ શંકાસ્પદ માદક પદાર્થ સાથે આવ્યો છે. આ બાતમી પરથી તેને સકંજામાં લઇ તલાશી લેતાં ગાંજા જેવો પદાર્થ મળી આવતાં એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાને જાણ કરતાં તેમણે આ પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ કરતાં હરેશ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી રૂા. ૨૫૮૫૦નો ગાંજો કબ્જે કર્યો હતો.
હરેશ પાસેથી ગાંજો ઉપરાંત રોકડા ૧૩૯૦૦ અને ૧ હજારનો મોબાઇલ ફોન પણ કબ્જે કરાયો છે. પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં એએસઆઇ ખોડુભા જાડેજા, જયદિપભાઇ ધોળકીયા, મેહુલસિંહ ચુડાસમા, સંજયભાઇ જાદવ સહિતના સ્ટાફે આ કામગીરી કરી હતી. ઝડપાયેલો હરેશ વર્ષોથી રાજકોટ મંદિરમાં તથા આસપાસ રહે છે અને માંગીને ગુજરાન ચલાવે છે. તેના માતા-પિતા હયાત નથી. તે પોતે ગાંજાનો બંધાણી છે. ખર્ચો કાઢવા થોડોઘણો ગાંજો પડકીઓ બનાવી વેંચી પણ નાખતો હોવાનું તે રટણ કરે છે. આ ઉપરાંત ચોકડીએ કોઇ અમદાવાદનો શખ્સ આ પદાર્થ આપી ગયાનું કહેતો હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડ મેળવવા માટે વધુ તપાસ પીએસઆઇ બ્લોચ ચલાવી રહ્યા છે.
(12:33 PM IST)










