<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

શહેર પોલીસ રમતોત્‍સવ સંપન્‍નઃ ડીસીપી ક્રાઇમ ટીમ જનરલ ચેમ્‍પિયન બનીઃ અર્જુનભાઈ ડવ અને નેહાબેન મકવાણા બેસ્‍ટ એથ્‍લેટ જાહેર

૪૦૦ જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ વચ્‍ચે અલગ અલગ સ્‍પર્ધાઓ યોજાઇ હતી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કહ્યું-વ્‍યસ્‍ત જીવનમાં શારીરિક માનસિક સ્‍વાસ્‍થ્‍ય માટે રમત-ગમત અનિવાર્ય

રાજકોટઃ શહેર પોલીસ પરિવારમાં ખેલદિલી, શારીરિક ક્ષમતા અને માનસિક તંદુરસ્‍તી જળવાઈ રહે તેવા શુભ આશય સાથે આયોજિત પાંચમા વાર્ષિક રમતોત્‍સવ ૨૦૨૫-૨૬નું ભવ્‍ય સમાપન થયું છે. ચાર દિવસીય આ ખેલ મહાકુંભમાં ડીસીપી ક્રાઇમની ટીમે શાનદાર પ્રદર્શન કરી જનરલ ચેમ્‍પિયનશીપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. વ્‍યક્‍તિગત સિદ્ધિઓમાં પુરૂષ વિભાગમાં અર્જુનભાઈ ધીરૂભાઈ ડવ અને મહિલા વિભાગમાં નેહાબેન ગોવિંદભાઈ મકવાણા (બંને ડીસીપી ક્રાઇમ ટીમ) બેસ્‍ટ એથ્‍લેટ જાહેર થયા હતા. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ તા. ૨૭થી ૩૦  દરમિયાન યોજાયેલા આ રમતોત્‍સવમાં કુલ ૪ ટીમો (ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન-૧, ડીસીપી ઝોન-૨, અને ડીસીપી હેડ કવાર્ટર) વચ્‍ચે સ્‍પર્ધા યોજાઈ હતી. જેમાં ૪૦૦ જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ટ્રેક એન્‍ડ ફિલ્‍ડની ૦૯ ઇવેન્‍ટ, ટીમ ગેમની ૦૬ ઇવેન્‍ટ અને ઇન્‍ડોર ગેમ્‍સની ૦૩ ઇવેન્‍ટમાં પોતાનું કૌશલ્‍ય બતાવ્‍યું હતું. આ રમતોત્‍સવના પુર્ણાહુતિ સમારંભમાં મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ વિજેતાઓને મેડલ અને ટ્રોફી એનાયત કરી પ્રોત્‍સાહિત કર્યા હતા. તેમણે પોતાના ઉદબોધનમાં જણાવ્‍યું હતું કે-વ્‍યસ્‍ત જીવનમાં શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય માટે રમતગમત અનિવાર્ય છે. જે રીતે મેદાન પર તમે પરિવાર ભાવનાથી રમ્‍યા છો, તેવી જ રીતે ફરજ પર પણ સમૂહ ભાવના જાળવી રાખવી જરૂરી છે. તેમણે આગામી વર્ષથી પોલીસ સંકુલમાં ટેબલ ટેનિસ અને બેડમિન્‍ટન જેવી ઇન્‍ડોર સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવાની આશા પણ વ્‍યક્‍ત કરી હતી.

 આ કાર્યક્રમમાં અધિક પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ જગદિશ બાંગરવા, નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ હેતલ પટેલ, નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ રાકેશ દેસાઈ તેમજ તમામ એસીપી અને પો.ઇન્‍સ ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર ઇવેન્‍ટને સફળ બનાવવામાં રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન અને સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાતનો વિશેષ સહયોગ મળ્‍યો હતો. સમગ્ર આયોજનની સફળતા બદલ હેડક્‍વાર્ટરના એસીપી એમ.આઇ. પઠાણ દ્વારા સૌનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

(2:46 PM IST)