તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st January 2026
કોમ્યુનિટી હોલ-સ્પોર્ટસ કોમ્પલેક્ષ- પુસ્તકાલય સહિતની જાહેર સુવિધામાં નિષ્ણાંતોનો અભિપ્રાય ફરજિયાત લેવોઃ પરિપત્ર
મનપાને બે પ્રોજેકટોમાં નવી પહેલને સફળતા : જો તે પ્રોજેકટના લાભાર્થીઓ, અનુભવીની સલાહ લેવા મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ તમામ અધિકારીઓ, કર્મચારીઓને સૂચના આપી

રાજકોટ તા.૩૧: શહેરના સર્વાંગી, સુવ્યવસ્થિત અને દીર્ઘકાલીન વિકાસને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા જાહેર હેતુપયોગી પ્રોજેક્ટોના આયોજન માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ, નાગરિકલક્ષી સુવિધાઓના કોઈપણ નવા પ્રોજેક્ટનું આયોજન કરતા પહેલાં સંબંધિત ક્ષેત્રના સ્ટેકહોલ્ડર (જે-તે પ્રોજેક્ટના લાભાર્થીઓ/અન્ય સંબંધિત લોકો/અનુભવી નિષ્ણાતો)નો અભિપ્રાય લેવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ નવી પહેલ વિશે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, દરેક નવા પ્રોજેક્ટની લોકઉપયોગીતા મહત્તમ સ્તરે રહે તેવા આશય સાથે જે-તે પ્રોજેક્ટના આયોજનમાં સ્ટેકહોલ્ડર્સનો અભિપ્રાય લેવામાં આવશે. તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાએ બે પ્રોજેક્ટમાં આ નવી પહેલનો સફળ અમલ કરેલ છે.
સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશનના સકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આવનાર સમયમાં પ્રજાલક્ષી જાહેર વપરાશના તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં આ પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે. પરિપત્ર મુજબ, નિષ્ણાંતો સાથે મીટિંગ યોજીને તેમાં થયેલી ચર્ચાની વિગતવાર નોંધ તૈયાર કરવી પડશે. નિષ્ણાંતોની સૂચનાઓના આધારે પ્રાથમિક પ્લાનિંગ સાથે માળખાકીય, તકનીકી અને નાણાકીય પાસાઓને ધ્યાનમાં રાખીને વિગતવાર એસ્ટીમેટ તૈયાર કરાશે.
વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં જાહેર કરાયેલા વોર્ડ નં. ૧૭ ખાતેના આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના આયોજન દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવીન અભિગમ અપનાવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટની ડિઝાઇન અંતિમ કરતા પહેલાં ૨૧ જેટલા રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના ખેલાડીઓને આમંત્રિત કરીને તેમની સાથે વિસ્તળત ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમ્યાન નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ પ્રોજેકટની કાર્યવાહી હાથધરી હતી.
સ્માર્ટ સિટી અંતર્ગત નિર્માણાધીન ર્વકિંગ વુમન હોસ્ટેલના આયોજનમાં પણ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશનનો સફળ અમલ કરવામાં આવ્યો છે. હોસ્ટેલના નિર્માણકાર્ય શરૂ કરતાં પહેલાં રાજકોટ શહેરમાં રહેતી અંદાજે ૧૦૦ જેટલી વકિર્ંગ વુમનને આમંત્રિત કરીને પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને તેમની સલાહ-સૂચનો લેવામાં આવ્યા હતા. મહિલાઓના અભિપ્રાયના આધારે મહત્વપૂર્ણ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
આ એસ્ટીમેટમાં પ્રોજેક્ટના લાભો, નાગરિકોને મળનારી સુવિધાઓ તથા શહેરના લાંબા ગાળાના વિકાસલક્ષી પરિણામો સ્પષ્ટ રીતે દર્શાવવાનું રહેશે. આ સમગ્ર પ્રક્રિયા મહાનગરપાલિકાની સંલગ્ન તમામ શાખાઓ માટે ફરજિયાત કરવામાં આવી છે. આ પરિપત્ર દ્વારા મહાનગરપાલિકાએ નાગરિકોની અપેક્ષાઓને કેન્દ્રમાં રાખી પારદર્શક, વ્યવહારુ અને ગુણવત્તાયુક્ત જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે એક દ્રઢ અને દુરંદેશી પગલું ભર્યું છે.
(3:29 PM IST)










