News of Saturday, 31st January 2026
મોવૈયા પાસે છકડાએ બાઇકને ઉલાળી દેતાં આકાશ ડામોરનું મોત, દિલીપનો પગ કપાયો
બંને વાડીએથી ગામમાં આટો મારવા જતાં હતાં ત્યારે બનાવઃ આકાશે રાજકોટમાં દમ તોડયોઃ દિલીપને અમદાવાદ ખસેડાયો

રાજકોટ તા. ૩૧: ગોંડલના મોવૈયા અને ગોવિંદનગર વચ્ચે છકડો રિક્ષાના ચાલકે બાઇકને ઉલાળી દેતાં બાઇક પર સવાર મોવૈયામાં રહેતાં બે યુવાન ફેંકાઇ ગયા હતાં. ગંભીર ઇજાને કારણે એક સગીરનું મોત થયું હતું. જ્યારે બીજાનો પગ કપાઇ ગયો હતો. બંને વાડીએથી ગામમાં આટો મારવા જવા નીકળ્યા ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ મોવૈયામાં દુર્લભભાઇ પટેલની વાડીમાં રહી મજૂરી કરતો આકાશ રણસિંગ ડામોર (ઉ.વ.૧૬) અને દિલીપ મંગાભાઇ ડામોર (ઉ.વ.૨૨) બંને વાડીએથી સવારે બાઇકમાં બેસી ગામમાં આટો મારવા જવા નીકળ્યા ત્યારે મોવૈયા અને ગોવિંદનગર વચ્ચેના રસ્તા પર છકડો રિક્ષાની ઠોકરે ચડી જતાં ચાલક દિલીપ અને પાછળ બેઠેલો આકાશ ફંગોળાઇ જતાં બંનેને ઇજાઓ થતાં ગોંડલ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં.
પરંતુ અહિ આકાશનું મોત થતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર આકાશ મુળ એમપીનો વતની હતો અને બે ભાઇ, એક બહેનમાં મોટો હતો. દિલીપનો પગ કપાઇ ગયો હોઇ તેને વધુ સારવાર માટે રાજકોટથી અમદાવાદ ખસેડાયો છે.
(3:46 PM IST)










