News of Saturday, 31st January 2026
સૌરાષ્ટ્રનું ગૌરવઃ આત્મીય યુનિવર્સિટીની વિદ્યાર્થીની ખુશી અનડકટે M.Techમાં ગોલ્ડ મેડલ સાથે મેદાન માર્યુઃ અભ્યાસ સાથે સંશોધન ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ દેખાવ
આત્મીય યુનિવર્સિટીના કોન્વોકેશનમાં ખુશી અનડકટને ગોલ્ડ મેડલ એનાયતઃ ૯.૪ સીજીપીએ સાથે એમ.ટેક.માં યુનિવર્સિટી ફર્સ્ટઃ ખુશી અનડકટે આંતરરાષ્ટ્રીય સ્તરે રિસર્ચ પેપર પ્રકાશિત કરી સિદ્ધિ મેળવી

રાજકોટઃ રાજકોટની પ્રતિષ્ઠિત આત્મીય યુનિવર્સિટી ખાતે તાજેતરમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં કોમ્પ્યુટર એન્જાિનિયરિગ વિભાગની તેજસ્વી વિદ્યાર્થીની ખુશી રાજેશભાઈ અનડકટે શૈક્ષણિક ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવી સંસ્થા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.
ખુશી અનડકટે આત્મીય યુનિવર્સિટીમાંથી એમ. ટેક ( કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સોફટવેર એન્જિનિયરિંગ)ના વર્ષ ૨૦૨૩-૨૦૨૫ના અભ્યાસક્રમ દરમિયાન સતત ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
તેમણે સેમેસ્ટર દરમિયાન ૧૦ માંથી ૧૦ એસજીપીએ અને ઓવરઓલ ૯.૪ સીજીપીએ (૯.૩૯) સાથે ‘ગ્રેડ ઓ' મેળવીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. તાજેતરમાં ૨૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ યોજાયેલા કોન્વોકેશનમાં તેમને આ ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ ઓફ મેરિટ એનાયત કરવામાં આવ્યા હતા.
માત્ર પુસ્તકિયા જ્ઞાન જ નહીં, પરંતુ સંશોધન (રિસર્ચ) ક્ષેત્રે પણ ખુશીની કામગીરી નોંધપાત્ર રહી છે. અભ્યાસની સાથે તેમણે 'ડેટા સિક્યોરિટી' વિષય પર ગહન સંશોધન કર્યું છે. તેમનું એક રિસર્ચ પેપર આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ‘સ્પ્રિંગર' જર્નલમાં પ્રકાશિત થયું છે, જ્યારે અન્ય એક પેપર રાષ્ટ્રીય કક્ષાની જર્નલમાં સ્થાન પામ્યું છે. આ સિદ્ધિ તેમની ટેકનિકલ સમજ અને વિષય પરની પકડ દર્શાવે છે.
કુ. ખુશી અનડકટની આ ઉજ્જવળ સિદ્ધિ બદલ યુનિવર્સિટીના પ્રોફેસરો, મિત્રવર્તુળ અને પરિવારજનોએ તેમને અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી છે.
ખુશીના મોટા અદા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તત્કાલીન ચેરમેન તથા ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલના મેમ્બર જાણીતા ધારાશાષી શ્રી મનોજભાઈ અનડકટ તથા ખુશીના માતુશ્રી જાણીતા મહિલા અગ્રણી શ્રીમતીબેન મૌસમીબેન અનડકટ અને પિતા જાણીતા એડવોકેટ તથા જામનગરના તત્કાલીન એડીજીપી એડવોકેટ શ્રી રાજેશભાઈ અનડકટની હૂંફ અને પ્રેરણાએ સિંહફાળો ભજવ્યો છે.
ચિરંજીવી ખુશી ઉપર તેમના દાદા-દાદીના - ગુજરાતના એક સમયના ટોચના ધારાશાષાી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન રહી ચૂકેલા સ્વ. મણિભાઈ અનડકટના અપાર આશીર્વાદ વરસી રહ્યા છે.(મુકુંદ બદીયાણી દ્વારા)
(5:48 PM IST)










