<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

રાજકોટમાં રોકાણના 'ડીઝલ ઓટો કોર્પોરેશન'ના સંચાલકોની ૨૮.૫૦ લાખની છેતરપિંડી

હરિહર સોસાયટીના નિમેશભાઇ રૂઘાણીની ફરિયાદ: એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ

​રાજકોટ: શહેરમાં વધુ એક આર્થિક છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં આકર્ષક વળતરની લાલચ આપી એક વેપારી સાથે અંદાજે રૂા. ૨૮.૫૦ લાખનો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આ મામલે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બનાવમાં ​ફરિયાદી નિમેશભાઇ જગજીવનભાઇ રૂઘાણી (ઉં.વ. ૫૫, રહે. ૧-હરીહર સોસાયટી, કાલાવડ રોડ, રાજકોટ) કે જેઓ ટાગોર રોડ પર આવેલી 'પુનીત કાર એસેસરીઝ' નામે વેપાર કરે છે તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, 'ડીઝલ ઓટો કોર્પોરેશન' નામની પેઢીના સંચાલકોએ તેઓને રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી હતી. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા કે તેઓ મિત્રો અને સંબંધીઓ માટે ખાસ સ્કીમ ચલાવે છે, જેમાં ૧૦ થી ૧૩ મહિનામાં મોટું વળતર મળશે. આ લોભામણી સ્કીમમાં ફસાઈને ફરિયાદીએ અલગ-અલગ બે સ્કીમોમાં કુલ રૂા. ૩૨,૦૦,૦૦૦ રોકડેથી રોકાણ કર્યું હતું. ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ શરૂઆતમાં ચેક દ્વારા ત્રણ હપ્તામાં કુલ રૂા. ૩,૫૦,૦૦૦ પરત કર્યા હતા. ત્યારબાદ બાકી રહેતી રૂા. ૨૮,૫૦,૦૦૦ની મૂળ રકમ કે તેના પરનું વળતર પરત કરવામાં આવ્યું નહોતું. રકમ પરત માંગતા આરોપીઓએ ગલ્લાતલ્લા કરતા અંતે છેતરપિંડી થયાનો અહેસાસ થતા નિમેશભાઇએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

​પોલીસે 'ડીઝલ ઓટો કોર્પોરેશન' સાથે સંકળાયેલા ​મહેન્દ્રભાઇ મહેતા (સંચાલક), હિતેષભાઇ મહેન્દ્રભાઇ મહેતા (સંચાલક), નમનભાઇ હિતેષભાઇ મહેતા (સંચાલક) ​ચંપકભાઇ (કર્મચારી) સામે ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ પીઆઇ બી.વી. બોરીસાગરની રાહબરીમાં પોલીસ સબ ઇન્સપેકટર એચ.જે. સોલંકી ચલાવી રહ્યા છે.  

(10:02 AM IST)