<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

રાજકોટ શહેર એસઓજીએ ૩.૬૪૬ કિલો ગાંજા સાથે અશ્વીન ઉર્ફે જોગીડાને પકડ્યો

પીઆઇ એસ.એમ. જાડેજા, પીએસઆઇ એસ.બી. ઘાસુરાની ટીમનો આજીડેમ ચોકડીએ દરોડો: હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ તથા અનોપસિંહ ઝાલાની બાતમી: ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસિયાનું માર્ગદર્શન

​રાજકોટ: શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઈમ) ભરત બી. બસીયા તરફથી "Say No To Drugs" મિશન અંતર્ગત માદક પદાર્થોનું વેચાણ અટકાવવા કડક સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે રાજકોટ શહેર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે બાતમીના આધારે દરોડો પાડી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે.

જાણવા મળ્યા મુજબ એસઓજી શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલાને મળેલી સંયુક્ત બાતમીના આધારે આજીડેમ ચોકડી પાસે, બાલાજી રેસ્ટોરન્ટ સામે શક્તિ ઓટો ગેરેજ નજીકથી એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની ઓળખ અશ્વીન ઉર્ફે જોગીડો પ્રવિણભાઇ સોલંકી (ઉંમર ૨૨ વર્ષ, રહે. ભીમરાવનગર, પટેલ ચોક, માંડા ડુંગર, દિનેશભાઇ પરમારની ઓરડીમાં, રાજકોટ) તરીકે થઈ છે.પોલીસે આરોપી પાસેથી કુલ ૨,૪૩,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ૧,૮૨,૩૦૦ રૂપિયાની કિંમતનો ૩.૬૪૬ કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો, ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનો એક રેડમી કંપનીનો ટચસ્ક્રીન મોબાઈલ ફોન, ૭૦૦ રૂપિયાની રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતનું નંબર પ્લેટ વગરનું એક એક્સેસ મોટર સાયકલ કબજે કરવામાં આવ્યું છે.

​આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજા સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. ઘાસુરા, એ.એસ.આઈ. અરૂણભાઇ બાંભણીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, અમિતકુમાર ટુંડિયા, પોલીસ કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલા, વિરભદ્રસિંહ ગોહિલ, યુવરાજસિંહ ગોહિલ તથા ડ્રાઇવર પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ જાડેજાએ ભૂમિકા ભજવી હતી. આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

(10:29 AM IST)