<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

પુનિત ઓટોમોબાઇલ્‍સના નિમેશભાઇ રૂઘાણી સાથે સ્‍કીમના નામે સ્‍કેમઃ ૨૮ાા લાખની છેતરપીંડી

માત્ર ૨૦ અંગત મિત્રો-સંબંધીઓ માટે જ સ્‍કીમ છે, રોકાણ પર વાર્ષિક ૧૨ ટકા વળતર મળશે...કહી ફસાવ્‍યા : કુલ ૩૨ લાખના રોકાણ પર માત્ર ૩ાા લાખ જ પરત આપ્‍યાઃ નવાગામ પાસે ડીઝલો ઓટો કોર્પોરેશન પેઢી ધરાવતાં મહેન્‍દ્ર મહેતા, તેના દિકરા હિતેષ, પોૈત્ર નમન અને કર્મચારી ચંપક વિરૂધ્‍ધ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨: શહેરના ટાગોર રોડ પર પુનિત કાર એસેસરીઝ નામે વેપાર કરતાં હરિહર સોસાયટીના વેપારી સાથે રોકાણ પર ઉંચુ વળતર આપવાની લાલચ દઇ રૂા. ૨૮ાા લાખની ઠગાઇ કરવામાં આવતાં ફરિયાદ દાખલ થઇ છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે કાલાવડ રોડ  પર સ્‍વામીનારાયણ મંદિરની સામે આવેલી હરીહર સોસાયટીમાં ભક્‍તિધામ-૧ ખાતે રહેતાં  નિમેશભાઈ જગજીવનભાઈ રૂઘાણી (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી ડીઝલ ઓટો કોપોરેશનના સંચાલક મહેન્‍દ્રભાઇ મહેતા, હિતેષભાઇ મહેતા, નમન હિતેષભાઇ મહેતા અને ડીઝલ ઓટો કોર્પોરેશન ખાતે કામ કરતાં કર્મચારી ચંપક વિરૂધ્‍ધ ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નિમેશભાઈ પોતે ટાગોર રોડ પર પુનીત કાર એસેસરીઝ નામે ઓટોમોબાઈલ્‍સનો વ્‍યવસાય છેલ્લા ૩૫ વર્ષથી કરે છે. આ વ્‍યવસાય દરમિયાન તેમનો પરિચય અમદાવાદ હાઈવે પર નવાગામ જકાતનાકા પાસે ડીઝલ ઓટો કોર્પોરેશન નામે પેઢી ધરાવતા મહેન્‍દ્રભાઈ મહેતા સાથે થયો હતો. વર્ષો જૂના ધંધાદારી સંબંધો હોવાને કારણે બંને વચ્‍ચે સારી ગાઢ વિશ્વાસ ઉભો થયો હતો. ફેબ્રુઆરી-૨૦૨૪માં મહેન્‍દ્રભાઈ મહેતાએ નિમેશભાઈની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પોતાની એક નવી રોકાણ યોજના વિશે વાત કરી હતી. મહેન્‍દ્રભાઈએ એવી લાલચ આપી હતી કે તેઓએ માત્ર ૨૦ અંગત મિત્રો અને સંબંધીઓ માટે એક ખાસ સ્‍કીમ તૈયાર કરી છે, જેમાં રોકાણ કરવાથી વાર્ષિક ૧૨ ટકા જેવું ઉંચુ વળતર મળી શકે તેમ છે.

આ સ્‍કીમમાં વહેલા તે પહેલાના ધોરણે એન્‍ટ્રી આપવામાં આવશે તેવી વાતો કરી નિમેશભાઈને વિશ્વાસમાં લીધા હતા. વિશ્વાસ વધુ દ્રઢ કરવા માટે મહેન્‍દ્રભાઈએ પોતાની પેઢી ડીઝલ ઓટો કોર્પોરેશનના લેટર પેડ પર પોતાના હસ્‍તાક્ષરમાં લખાણ કરી આપ્‍યું હતું કે ૯,૭૫,૦૦૦ના રોકાણ સામે ૧૩ મહિના પછી ૧૦,૫૦,૦૦૦ પરત મળશે અને દર મહિને વળતરના હપ્‍તા આપવામાં આવશે. આથી નિમેશભાઈએ આ વાત પર વિશ્વાસ મૂકીને રોકાણ શરૂ કર્યું હતું. આ સ્‍કીમના રોકડા રૂપિયા લેવા માટે મહેન્‍દ્રભાઈ મહેતાનો પુત્ર હિતેષભાઈ મહેતા, પૌત્ર નમનભાઈ મહેતા અને પેઢીનો કર્મચારી ચંપકભાઈ અવારનવાર નિમેશભાઈની ઓફિસે આવતા હતા.

ત્‍યારબાદ માર્ચ-૨૦૨૪માં મહેન્‍દ્રભાઈએ બીજી એક સ્‍કીમની વિગત આપી, જેમાં ૨૨,૨૫,૦૦૦નું રોકાણ કરવાથી ૧૦  મહિનામાં ૨૫,૦૦,૦૦૦ પરત મળવાની ખાતરી આપી હતી. આમ, અલગ-અલગ તબક્કે નિમેશભાઈએ કુલ ૩૨,૦૦,૦૦૦ જેટલી મોટી રકમનું રોકાણ મહેન્‍દ્રભાઈની પેઢીમાં કર્યું હતું. આ તમામ વ્‍યવહાર રોકડમાં અને પરસ્‍પર વિશ્વાસના આધારે કરવામાં આવ્‍યા હતા.

આરંભે ફેબ્રુઆરી અને માર્ચ-૨૦૨૫ દરમિયાન કુલ રૂપિયા ૩,૫૦,૦૦૦ની રકમ ત્રણ હપ્તામાં ચેક દ્વારા પરત કરી હતી.  ત્‍યારબાદ જ્‍યારે મોટી રકમ પરત કરવાનો સમય આવ્‍યો ત્‍યારે મહેન્‍દ્રભાઈએ વાયદાઓ શરૂ કર્યા હતા. તેમણે નિમેશભાઈની પેઢી પુનીત ટ્રેડલિંકના નામે ઇન્‍ડસઇન્‍ડ બેંક અને એચડીએફસી બેંકના ૧,૫૦,૦૦૦ના બે અલગ-અલગ ચેકો આપ્‍યા હતા, પરંતુ આ બંને ચેકો બેંકમાં જમા કરાવતા જ પુરતા નાણાંના અભાવે રિટર્ન થયા હતા. આથી નિમેષભાઇને પોતાની સાથે ઠગાઇ થયાનું સમજાયું હતું. તેમને પોતાની મુળ મુદ્દલ રકમ ૨૮,૫૦,૦૦૦ અને તેના પરનું વળતર પરત ન મળતાં પોલીસને જાણ કરી હતી. પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એચ. જે. સોલંકીએ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. (૧૪.૬)

(3:03 PM IST)