તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 2nd February 2026
તું કેમ હવે મારી સાથે વાત નથી કરતી? યુવતિ સાથે પુર્વ મિત્રની મારામારી, ધમકી
ઘર ઉપર ઇંટના ઘા કર્યાઃ આખા પરિવારને કારણવગર ગાળો દઇ ધમાલ મચાવીઃ માલવીયાનગર પોલીસે પ્રતાપસિંહ અને હેમાંગ વિરૃધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨: નાના મવા રોડ વિસ્તારમાં રહેતી અને પ્રાઇવેટ નોકરી કરતી યુવતિએ સાત વર્ષ સુધી જેની સાથે મિત્રતા હતી એ શખ્સ સાથે એક વર્ષથી સંબંધ પુરો કરી નાંખતા આ શખ્સે ઘર પાસે આવી કારણ વગર ગાળાગાળી કરી તું કેમ મારી સાથે વાત નથી કરતી? કહી મારામારી કરી ઘરમાં ઇંટોના ઘા કરતાં અને તેની સાથે અન્ય એક શખ્સે પણ માથાકુટ કરતાં લોકો ભેગા થઇ ગયા હતાં. આ બનાવમાં માલવીયાનગર પોલીસે નાના મવા રોડ વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષી યુવતિની ફરિયાદ પરથી પ્રતાપસિંહ ઉર્ફ પતીયો સુખદેવસિંહ જાડેજા તથા હેમાંગ જાડેજા વિરૃધ્ધ ગુનો નોંધ્યો છે.
યુવતિ પરિવાર સાથે રહે છે અને નાના મવા સર્કલ પાસે બિલ્ડીંગમાં આવેલી ઓફિસમાંં નોકરી કરે છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કેં પ્રતાપસિંહ ઉર્ફ પતિયોને હું સાતેક વર્ષથી ઓળખુ છું, અમારે મિત્રતાના સંબંધ હતાં. એકાદ વર્ષ પહેલા અણબનાવ બનતાં અમે મિત્રતા પુરી કરી નાખી છે. દરમિયાન તા. ૧ના રવિવારે સાંજે પાંચેક વાગ્યે પ્રતાપસિંહ અમારા ઘરની બહાર ઉભો રહી કારણવગર મને અને મારા પરિવારને ગાળો દેતો હોઇ મેં બહાર નીકળી શા માટે કારણ વગર ગાળો દે છે? તેમ કહેતાં તેણે 'તું કેમ હવે મારી સાથે વાત કરતી નથી?' તેમ પુછતાં મેં કહેલું કે હવે મારે કોઇપણ જાતના સંબંધ રાખવા નથી.
આ સાંભળી પ્રતાપસિંહ ઉશ્કેરાઇ ગયેલ અને મારી સાથે મારામારી કરી ઢીકાપાુટ મારવા માંડેલ. આ વખતે હેમાંગ પણ ત્યાં આવી ગયેલ અને તેણે પણ મારી સાથે મારામારી ચાલુ કરી હતી. આ વખતે મારા માતા મને છોડાવવા આવતાં તેની સાથે પણ આ બંનેએ માથાકુટ કરી હતી અને આજે તો તમને બધાને મારી નાખવા છે તેમ કહેતાં અમે બધા ઘરમાં જતાં રહ્યા હતાં. આ પછી પ્રતાપસિંહે ઘરમાં ઇંટોના ઘા કર્યા હતાં. તેમજ મારા મામીને પણ મુંઢ માર માર્યો હતો. તેમ વધુમાં યુવતિએ કહેતાં પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં હેડકોનસ. એસ. સી. ઓગણીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:28 PM IST)










