News of Monday, 2nd February 2026
કોટડાસાંગાણી પાસે રામપરાના યુવાનને લુંટી લેનાર ર શખ્સોને પોલીસે ગણત્રીના કલાકોમાં ઝડપી લીધા
નારણકા ચોકડીથી સોળીયા જતા રસ્તા ઉપર ચાર હિન્દી ભાષી શખ્સોએ બાઇક આડુ નાખી આંખમાં મરચાની ચટણી નાંખી રોકડ-મોબાઇલ સહિત ૪ર,૭૦૦ ની લુંટ કરી'તીઃ ર સગીરોની શોધખોળ : રૂરલ એલસીબી તથા એસઓજીની ટીમે સીસીટીવી ફુટેજના આધારે પગેરૂ દબાવી ઝડપી લીધા

રાજકોટ, તા., ર : કોટડા સાંગાણીના સોળીયા રોડ ઉપર રામપરા ગામના યુવાનને બાઇકમાં આવેલા ૪ હિન્દી ભાષી શખ્સોએ આંતરી આંખમાં મરચાની ભુકી છાંટી રોકડ અને મોબાઇલ સહિત ૪ર,૭૦૦ મતાની લુંટ ચલાવનાર બે શખ્સોને પોલીસે ગણત્રીના કલાકોમાં જ ઝડપી લઇ અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ રણજીતભાઇ નરેશભાઇ બાબરીયા ઉ.વ.૩૪ ધંધો પ્રા.નોકરી રહે. રામપરા (નવાગામ) તા. કોટડા સાંગાણીએ ચાર હિન્દી ભાષી અજાણ્યા માણસો સામે કોટડા સાંગાણી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી તેના હવાલાવાળુ હોન્ડા કંપનીનું લીઓ રજી. નંબર જી.જે. ૩ કે.ઇ. ૭૭૧૧ લઇને રાજકોટથી રામપરા પોતાના ગામ જતો હતો ત્યારે નારણકાથી આગળ સોળીયા જતા રોડ પર મેલડીમાંની ડેરી પાસે કોઇ અજાણ્યા ચાર હીન્દી બોલતા માણસો તેનુ મોટર સાયકલ લઇને આવી સાઇડ કાપી તેનુ મોટર સાયકલ આડુ નાખી ગેરકાયદેસર અવરોધ કરી ફરીયાદીને ઉભો રાખી એક બ્લુ કે કાળા કલરના ટી-શર્ટ વાળા અજાણ્યા આરોપીએ ફરીયાદીની આંખમા મરચાની ચટણી નાખી ફરીયાદીને મોટર સાયકલ સાથે પછાડી દઇ ઢીકાપાટુનો માર મારી ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના ખીસ્સામાંથી રેડમી કંપનીનો ૧૩ મોડલનો સ્કાઇ બ્લુ કલરનો તથા પાકીટમા રોકડા રૂપીયા ૧૨,૭૦૦/ તથા આઇ-કાર્ડ તથા પાનકાર્ડ તથા આધારકાર્ડ તથા એ.ટી.એમ. તથા કેડ્રીટ કાર્ડ સહીતનુ બેગ તથા મોટર સાયકલ .જે.૦૩.કે.ઇ.૭૭૧૧ કી.રૂ. ૨૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન કી.રૂ.૧૦,૦૦૦/- તથા રોકડ રૂપીયા ૧૨,૭૦૦/- સાથે કુલ કી.રૂ. ૪૨,૭૦૦/- ની લુટ કરી જઇ નાસી છુટયા હતા.
આ બનાવ બાદ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરની સુચના અન્વયે રૂરલ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એફ.એ.પારગી તથા એલસીબીના પીએસઆઇ એચ.સી.ગોહીલ, પીએસઆઇ આર.વી.ભીમાણી, પીએસઆઇ પી.એન.ભરવાડ, એસઓજીના પીઆઇ કે.એમ.ચાવડા, પીએસઆઇ પી.બી.મિશ્રા તથા કોટડા સાંગાણીના પીઆઇ આર.એમ.રાઠોડ સહિતની ટીમે અલગ અલગ ટીમો બનાવી ઘટના સ્થળ તેમજ આજુબાજુ ગામના સીસીટીવી ફુટેજ ચેક કરી લુંટમાં સંડોવાયેલ રોહીત મલખાનસિંહ રાજપુત (રહે. વેલસન કારખાનાની ઓરડીમાં, રીબડા રેલ્વે સ્ટેશન પાસે, મુળ યુ.પી.) તથા મિલન પ્રફુલભાઇ ત્રિવેદી, (રહે.વેલસન કારખાનાની ઓરડીમાં, રીબડા રેલ્વે સ્ટેશન પાસે, મુળ જેતલસર, જંકશન) ને લુંટમાં ગયેલ રોકડ રકમ, મોબાઇલ ફોન તથા બાઇક મળી ૪૯,ર૦૦ રૂા.ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. તેની સાથે અન્ય બે સગીર સામેલ હોવાની કેફીયત આપતા તે બંનેની શોધખોળ હાથ ધરાઇ છે.
(2:38 PM IST)










