તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
મધ્યમવર્ગ માટે નિરાશાજનક બજેટ : ટેક્સ સ્લેબ કે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં કોઈ રાહત નહીં : એફએનઓ ટ્રેડિગ મોંઘું
નવી સ્કીમ હેઠળ ૧૨ લાખ સુધીની આવક પર ટેક્સ નહીં, પણ પગારદારો અને વરિષ્ઠ નાગરિકોની અપેક્ષાઓ અધૂરી રહી : કરવેરા સલાહકાર ધવલ ખખ્ખરનું વિશ્લેષણ

રાજકોટ : નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જાણીતા કરવેરા સલાહકાર ધવલભાઈ ખખ્ખરે(મો. ૯૮૭૯૩ ૩૨૦૯૪) જણાવ્યું છે કે, આ બજેટમાં વેપારીઓ, મધ્યમવર્ગ અને પગારદાર વર્ગને જે રાહતની અપેક્ષા હતી તે મળી નથી. તેમણે આ બજેટને 'દેશની વિકાસયાત્રા'ના નામે રજૂ થયેલું પરંતુ કરદાતાઓ માટે ‘નિરાશાજનક' ગણાવ્યું છે.
બજેટની મુખ્ય જોગવાઈઓ
ટેક્સ સ્લેબ અને સ્કીમ : આવકવેરાની નવી અને જૂની સ્કીમમાં આવક મર્યાદા કે આવકવેરાના દરોમાં કોઈ ફેરફાર કરાયો નથી. જોકે, નવી સ્કીમ હેઠળ ૧૨ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં તેવી જોગવાઈ છે.
પગારદાર વર્ગ : સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા રૂ. ૭૫,૦૦૦ યથાવત રાખવામાં આવી છે, જેમાં કોઈ વધારો કરાયો નથી.
વરિષ્ઠ નાગરિકો : બેંક એફડીના વ્યાજ પર ટીડીએસ કપાતની મર્યાદા વધારીને ૧ લાખ કરવામાં આવી છે, જે સીનિયર સિટીઝન્સ માટે થોડી રાહતરૂપ છે.
ટીડીએસ અને ટીસીએસમાં ફેરફાર
ભાડાની આવક પર ટીડીએસ કપાતની મર્યાદા વધારીને ૬ લાખ કરાઈ છે.
વિદેશ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સારવાર માટે મોકલાતા ફંડ પર ટીસીએસ ૫% થી ઘટાડીને ૨% કર્યો છે.
વિદેશ પ્રવાસ માટેના રેમિટન્સ પર ૧૦ લાખ સુધીની મર્યાદામાં ટીસીએસ ૫% થી ઘટાડી ૨% કરાયો છે.
રિટર્ન ફાઈલિગ અને ઓડિટ
સુધારા સાથેનું રિટર્ન હવે ૪ વર્ષ સુધી ભરી શકાશે.
રિવાઈઝ રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૩૧ ડિસેમ્બરના બદલે ૩૧ માર્ચ સુધી લંબાવવામાં આવી છે.
આઈટી રિટર્ન ફોર્મ-૧ અને ૨ ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ રહેશે. ઓડિટ સિવાયના અન્ય કરદાતાઓ માટે ૩૧ ઓગસ્ટ અને ઓડિટ ધરાવતા કરદાતાઓ માટે ૩૧ ઓક્ટોબર રહેશે.
ટેક્સ ઓડિટ લિમિટમાં કોઈ ફેરફાર નથી, પરંતુ ઓડિટ રિપોર્ટ મોડો રજૂ કરવા બદલ દંડની જોગવાઈ કરવામાં આવી છે.
શેરબજાર અને રોકાણ
શેરબજારમાં લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ગેઈન ટેક્સમાં કોઈ ફેરફાર નથી.
એફએનઓ (F&O) ટ્રેડિગ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) ૦.૦૨% થી વધારીને ૦.૦૫% કરાયો છે.
શેર બાયબેક પર કેપિટલ ગેઈન ટેક્સ ભરવો પડશે. સોવરેન ગોલ્ડ બોન્ડ પર મળતી કેપિટલ ગેઈન ટેક્સ મુક્તિ દૂર કરવામાં આવી છે.
અન્ય જોગવાઈઓ
કલમ ૮૦સી હેઠળ રૂ. ૧.૫૦ લાખ અને હાઉસિગ લોનના વ્યાજ પર રૂ. ૨ લાખની કપાત મર્યાદામાં કોઈ વધારો કરાયો નથી.
નવો ઈન્કમટેક્સ કાયદો ૧ એપ્રિલ ૨૦૨૬થી અમલમાં આવશે.
ધવલભાઈ ખખ્ખરે અંતમાં જણાવ્યું હતું કે, આ બજેટે કરદાતાઓની આશા પર પાણી ફેરવી દીધું છે અને સીધી રાહત ન આપીને મધ્યમવર્ગને નિરાશ કર્યા છે.
(4:07 PM IST)










