<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

સોમનાથ સોસાયટીના વિશાલ પરમારને ટોળાએ હાથ બાંધીને બેફામ મારકુટ કરી

નાના મવા રોડ પર મારવાડી બિલ્‍ડીંગવાળી શેરીમાં ડખ્‍ખો : કુટુંબી ભાઇ અક્ષયને પાનની દુકાને લપ થતાં વિશાલ સમાધાન માટે જતાં તેની સાથે મારામારીઃ ૧ લાખનો ફોન, પર્સ પડાવી લીધાનો આક્ષેપ

રાજકોટ તા. ૩: દોઢસો ફુટ રીંગ રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતાં યુવાનના કુટુંબી ભાઇને રાતે નાના મવા રોડ મારવાડી બિલ્‍ડીંગવાળી શેરીમાં અજાણ્‍યા શખ્‍સો સાથે માથાકુટ થતાં તેનો ફોન આવતાં આ યુવાન સમાધાન કરવા જતાં અજાણ્‍યા શખ્‍સોએ તેને હાથ બાંધી બેફામ મારકુટ કરતાં સારવાર માટે દાખલ થયો છે. પોતાનો આઇફોન અને પર્સ પણ પડાવી લેવાયાનો આક્ષેપ તેણે કર્યો હતો.

જાણવા મળ્‍યા મુજબ રૈયા ટેલીફોન એક્ષચેન્‍જ પાસે રહેતો વિશાલ પુનમચંદ પરમાર (ઉ.વ.૩૦) રાતે સાડા અગીયારેક વાગ્‍યે નાના મવા રોડ મારવાડી બિલ્‍ડીંગવાળી શેરીમાં હતો ત્‍યારે અજાણ્‍યા શખ્‍સોએ બેફામ માર મારતાં લોકો ભેગા થઇ જતાં બધા તેને મુકીને ભાગી જતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

વિશાલના કહેવા મુજબ પોતે હાલ કંઇ કામ કરતો નથી. બે દિવસ પહેલા તેના કુટુંબી ભાઇ અક્ષયને મારવાડી બિલ્‍ડીંગવાળી ગલીમાં પાનની દુકાને અજાણ્‍યા સાથે બોલાચાલી થઇ હતી. ગત રાતે આ વાતે ફરીથી તેની સાથે અજાણ્‍યા શખ્‍સોએ ડખ્‍ખો કરતાં પોતાને ફોન આવતાં પોતે ત્‍યાં ગયો હતો. ભાઇને તેણે ઘરે મોકલી દીધો હતો અને સમાધાનની વાત કરવા તે એકલો જતાં આઠેક શખ્‍સોએ તેને બેફામ મારકુટ કરી હતી. વિશાલના કહેવા મુજબ કોઇએ તેને પાછળથી પકડી હાથ બાંધી દીધા હતાં અને બાદમાં મારકુટ કરાઇ હતી. પોતાની એક લાખનો આઇફોન અને પર્સ પણ પડાવી લેવાયા હતાં. આક્ષેપો અંગે અને ખરેખર શું બન્‍યું? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

 

(2:33 PM IST)