<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

હવે લાલીયાવાડી નહિ ચાલે : ડામરકામમાં વેઠ ઉતારનાર કોન્‍ટ્રાકટરો - ઇજનેરો દંડાશે

મ્‍યુ. કમિશનર મેદાનમાં ઉતર્યા : સરપ્રાઇઝ ચેકીંગમાં ગેરરીતિ પકડી પ્રદીપ કન્‍ટ્રકશનને શો-કોઝ નોટીસ ફટકારાઇઃ જનતાના ટેકસના પૈસા વેડફવા નહીં દેવાયઃ તુષાર સુમેરા

રાજકોટ, તા. ૩: રાજકોટના મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આજે ફૂલ એક્‍શન મોડમાં જોવા મળ્‍યા હતા. શહેરના વિકાસ કામોમાં ગુણવત્તાના નામે ચાલતી ‘વેઠ'ને પકડવા માટે તેમણે આજે વોર્ડ નં. ૧૧ ના ભીમનગર ચોક ખાતે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ તપાસ માત્ર ઔપચારિક નહોતી, પણ કમિશનરે જાતે ડામરની જાડાઈ અને ટેકનિકલ માપદંડોની ચકાસણી કરતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી.

રોડ રસ્‍તાના કામમાં ગંભીર બેદરકારી બદલ પ્રદીપ કન્‍સ્‍ટ્રક્‍શનને મ્‍યુનિસિપલ કોર્પોરેશનના કામોમાંથી કાયમી ધોરણે રજા (ડિબાર) આપવા માટે શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. માત્ર કોન્‍ટ્રાક્‍ટર જ નહીં, પણ સ્‍થળ પર દેખરેખ રાખવામાં નિષ્‍ફળ ગયેલા ડેપ્‍યુટી એન્‍જિનિયર અને ૧૧ માસના કરાર આધારિત ફિલ્‍ડ એન્‍જિનિયર સામે પણ શિસ્‍તભંગના પગલાં લેવાની તજવીજ હાથ ધરાઈ છે. કમિશનરે સ્‍પષ્ટ શબ્‍દોમાં ચેતવણી આપી છે કે સરકારી કામોમાં પારદર્શકતા અને ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. નાગરિકોની સુવિધા માટે વપરાતો એક-એક રૂપિયો યોગ્‍ય જગ્‍યાએ અને ગુણવત્તાયુક્‍ત રીતે વપરાવો જોઈએ. બેદરકારી દાખવનાર ગમે તેટલો વગદાર હશે, તેને છોડવામાં આવશે નહીં. રાજકોટ મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહીએ અન્‍ય કોન્‍ટ્રાક્‍ટરો અને આળસુ અધિકારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે આ નોટિસ બાદ કામગીરીના સ્‍તરમાં કેટલો સુધારો આવે છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ફેરણી દરમિયાન મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ ડામર જાડાઈ, સપાટી, મટિરિયલની ગુણવત્તા તથા ટેકનિકલ સ્‍પેસિફિકેશન મુજબ કામગીરી થઈ રહી છે કે નહીં તેની સ્‍વયં ચકાસણી કરી હતી. તપાસ દરમ્‍યાન કામગીરીમાં ગંભીર બેદરકારી તથા નિર્ધારિત ધોરણોનું પાલન ન થતું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્‍યું હતું.

ફેરણી દરમિયાન ડામર ગુણવત્તા, જાડાઈ, સપાટી તથા ટેકનિકલ માપદંડોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્‍યાન ડામર કામગીરીમાં ગંભીર બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનનો પ્રાથમિક તારણ સામે આવતા, જવાબદાર કોન્‍ટ્રાક્‍ટર પ્રદીપ કન્‍સ્‍ટ્રક્‍શન સામે કડક વલણ અપનાવવામાં આવ્‍યું છે.

ડામર કામગીરીમાં થયેલી ખામી તથા બેદરકારીને ધ્‍યાનમાં લઈ, પ્રદીપ કન્‍સ્‍ટ્રક્‍શનને ભવિષ્‍યમાં મહાનગર પાલિકાના કોઈપણ કામમાં ભાગ લેવા અયોગ્‍ય ઠેરવવા અંગે ડિબાર કરવાની કાર્યવાહી માટે શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. આ ઘટનાના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડેપ્‍યુટી એન્‍જિનિયર અને ૧૧ માસના કરાર આધારે ભરતી કરાયેલા ફિલ્‍ડ એન્‍જિનિયર શ્રી દીપકભાઈ વસંતભાઈ ભોજાણીને પણ શો-કોઝ નોટીસ આપવામાં આવેલ.

મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંબંધિત અધિકારીઓને સ્‍પષ્ટ સૂચના આપી કે શહેરમાં ચાલતી તમામ વિકાસ કામગીરીમાં ગુણવત્તા, પારદર્શકતા અને જવાબદારી અનિવાર્ય છે. નાગરિક સુવિધાઓને લગતી કોઈપણ કામગીરીમાં બેદરકારી અથવા ઢીલાશ દાખવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકા શહેરના સર્વાંગી વિકાસ સાથે નાગરિકોને ગુણવત્તાયુક્‍ત અને ટકાઉ સુવિધાઓ પૂરી પાડવા સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ હોવાનું આ કાર્યવાહી દ્વારા ફરી એકવાર સ્‍પષ્ટ થાય છે.

(3:48 PM IST)