News of Wednesday, 4th February 2026
દર્દીની ‘‘સંપૂર્ણ સારવાર'' એટલે શારીરિક, માનસિક અને ભાવનાત્મક દ્રષ્ટિકોણથી સારવારઃ ડો. ખ્યાતી વસાવડા
‘‘વિશ્વ કેન્સર દિવસે''

રાજકોટઃ ‘‘ વિશ્વ કેન્સર દિવસ'' ૪ ફેબ્રુઆરી, વૈશ્વિક સ્તરે કેન્સર વિશે જાગળતિ વધારવા માટે ઉજવવામાં આવે છે.તે વિશ્વભરમાં કેન્સરના વધતા કેસો અને ગંભીરતાને પ્રકાશિત કરે છે. આ દિવસ નિવારણ, વહેલી તપાસ અને સમયસર સારવારને પ્રોત્સાહન આપે છે.વહેલું નિદાન રોગની આક્રમકતા અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરે છે. આ ઉપરાંત કેન્સર વિશેની અફવાઓ,ભય અને કલંકને પણ સંબોધિત કરે છે. તે દરેક માટે કેન્સર સંભાળની સમાન પહોંચને પ્રોત્સાહન આપે છે. આ દિવસ વ્યકિતઓ, સંસ્થાઓ અને આરોગ્ય વ્યવસ્થાઓને વિશ્વભરમાં એક કરે છે. મહત્વની વાત એ છે કે વિશ્વ કેન્સર દિવસ આપણને યાદ અપાવે છે કે કેન્સર તબીબી સમસ્યા સાથે સામાજીક, આર્થિક અને ભાવનાત્મક પડકાર છે.
આ વિશ્વ કેન્સર દિવસ નીમીતે રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર ઈન્સ્ટીટયુટ)ના મેડીકલ ડાયરેકટર અને મોઢા તથા ગળાના કેન્સરના નિષ્ણાંત ડો. ખ્યાતી વસાવડા માહિતી આપેલ હતી કે રાજકોટ કેન્સર સોસાયટી સૌરાષ્ટ્ર કચ્છ રિજીયનમાં કેન્સરની સંપુર્ણ સારવાર એકછત્ર હેઠળ પુરી પાડતી હોસ્પિટલ છે.
આ વર્ષની વિશેષ થીમ “UNITY,ACTION,HOPE" પર ભાર મુકવામાં આવશે એટલે કે આપણે સૌ એકતા, આશા અને કાર્યવાહીથી આગળ વધીએ અને કેન્સરના દર્દીઓને થતી તકલીફો માંથી તેમને બહાર કાઢીએ. રાજકોટ કેન્સર સોસાયટી હંમેશા ‘‘સંપુર્ણ સારવાર'' (COMPREHENSIVE TREATMENT) પર વધારે ધ્યાન કેન્દ્રીત કરે છે. જેમાં દર્દીની શારીરિક, માનસિક અને ભાવનાત્મક આરોગ્યની તમામ જરૂરીયાતોને અને દર્દીની તકલીફોને ધ્યાને લયને કરવામાં આવતી સારવાર પધ્ધતી છે. જેમાં રોગથી બચાવ, સમયસર નિદાન, સારવાર દરમ્યાન થતી તકલીફોમાં થી દર્દીને રાહત અને જીવનની ગુણવત્તા સુધારવા પર ધ્યાન દેવામાં આવે છે જેથી દર્દી પોતાના જીવનમાં સામાન્ય રીતે રોજીંદા કાર્યો કરી શકે.
ડો. ખ્યાતી વસાવડાએ વધુમાં જણાવેલ કે રાજકોટ કેન્સર સોસાયટી ઈન્ટરનેશનલ અને નેશનલ સંસ્થાઓ જે કેન્સર માટે સર્વોત્તમ છે તેની સાથે જોડાયેલી છે જેમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે અને તેમની માર્ગદર્શીકા મુજબ દર્દીઓને પધ્ધતીસર સારવાર પુરી પાડવામાં આવે છે. આ ઉપરાંત કેન્સરના દર્દીઓની ચોકકસ સારવાર થઈ શકે તે હેતુથી સંપુર્ણ હોસ્પિટલને ડીજીટલી પુનઃનિર્માણ કરવામાં આવી છે જેમાં દર્દીની સારવાર વિશેની માહિતી એકત્રીત રાખી શકાય અને દર્દીઓમાં જોવા મળતા કેન્સરના સમાન્ય લક્ષણોનો અભ્યાસ કરી સારવારને વધુ સચોટ બનાવવા વધારાની સુવિધાઓ ઉમેરેલ છે.
રાજકોટ કેન્સર સોસાયટી આ વિશ્વ કેન્સર દિવસ નીમીતે વહેલું નિદાન અને તપાસ કરાવવાની હિમાયત કરે છે કારણ કે આ કેન્સરની સારવારમાં સૌથી મોટી સમસ્યા છે તપાસ અને નિદાનમાં સમયનો વિલંબ જેનાથી દર્દીને કેન્સરના રોગમાંથી બહાર લાવવો પડકારરૂપ બને છે. તથા કેન્સરગ્રસ્ત દર્દી અને એમનું પરીવાર આ કેન્સર જેવા ગંભીર બીમારીની કરૂણતામાં સપડાય છે. મેડીકલ ડાયરેકટર ડો.ખ્યાતી વસાવડાએ અંતમાં જાહેર જનતાએ સંદેશ આપેલ કે જેમ હેલ્થ ચેકઅપ કરાવીએ છીએ તેમ કેન્સર માટે વહેલું ચેકઅપ કરાવો કે જેમાં બ્રેસ્ટ કેન્સર તપાસ માટે મેમો ગ્રાફી, ફેફસાના કેન્સર માટે લો-ડોઝ સીટી સ્કેન, ઓરલ કેન્સર તપાસ, પ્રોસ્ટેટ સ્પેસીફિક એન્ટીજન ટેસ્ટ જેવા અન્ય સામાન્ય અને પ્રાથમીક તપાસ ફરજીયાત કરાવવી જોઈએ. જેથી કેન્સરનો ભય છે તેને ઓછો કરી શકાય અને સંભાવના છે કે ૨૦૫૦ સુધીમાં કેન્સરના કેસો ૭૭% વધવાના છે તે આંકડાઓમાં આપણી જાગળકતાના કારણે ઘટાડો કરી શકાય છે.
(4:16 PM IST)










