<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

ધોરાજીઃ સગીરા ઉપર વારંવાર દુષ્‍કર્મ આચરવાના ગુનામાં પકડાયેલ દિવ્‍યાંગ શખ્‍સને ર૦ વર્ષની સજા ફરમાવતી કોર્ટ

આરોપી પગના બદલે હાથના ટેકાથી ચાલી શકે છે તે દુષ્‍કર્મનો ગુનો કરી શકે નહિ તેવી બચાવ પક્ષની દલીલો ફગાવી કોર્ટે આરોપીને દોષિત ઠરાવ્‍યો

ધોરાજી તા. પ :.. ધોરાજીના  એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ શ્રી અલી હુસેન મોહીબુલ્લા શેખ  બંને પગેથી ૯૦ ટકા દિવ્‍યાંગ એટલે કે ચાલવામાં પણ અગવડતા હોય અને બે હાથેથી ચાલતી વ્‍યક્‍તિ એવા સુરેશ દલસિંગ માવીને દુષ્‍કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે.

બનાવની વિગત એવી છે કે, ભોગ બનનાર ની માતા એ એવી ફરિયાદ કરી હતી કે તેઓ મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી છે અને હાલ ઝૂંપડામાં રાજકોટ જિલ્લામાં વસવાટ કરે છે. મંગળવારે બજારમાં ભોગ બનનાર ગઈ હતી અને આરોપીએ તેને ફોસલાવી અને બંધકામના ઈરાદે અપહરણ કરેલું છે. આ ફરિયાદ નોંધી અને તત્‍કાલીન પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વી સી પરમાર એ ગુનો નોંધી અને ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢેલ. સાથે સાથે સુનિલ હિમસિંગ નામના વ્‍યક્‍તિએ પણ આ અપહરણ માં મદદ કરેલી હોય તેમની સામે પણ ગુનાના કલમો લગાડેલ પરંતુ સુનિલ હિમસિંગ હાલ નાસ્‍તા ફરતા છે.

ભોગ બનનારને ઉપલેટાના મહેરબાન ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ ડી વાય પટેલ સમક્ષ લઈ જવામાં આવેલ ત્‍યાં ભોગ બનનાર એ જણાવેલ કે આરોપી સુરેશ એ ભોગ બનનાર સ્‍કૂલે જતી હતી ત્‍યારે રસ્‍તામાં એક ચિઠ્ઠી આપેલી અને કહેલું કે  તારે મારી સાથે પ્રેમ કરવો છે? આથી ભોગ બનનારે જણાવેલ કે આ પ્રે્રમ એટલે શું  તો આરોપી સુરેશ એ જણાવેલ કે એકબીજા સાથે રહેવું, તારે મારી સાથે બોલવાનું, તારે તને જે જોઈતું હોય એ હું તને આપીશ,  આવું કહીને ભોગ બનનાર કે જે માત્ર ૧૫ વર્ષથી પણ નાની ઉંમરની હતી તેમને લલચાવી ફોસલાવેલ અને તેણીની મરજી વગર શરીર સંબંધ પણ ઝૂંપડામાં બાંધતા. ત્‍યારબાદ ભોગ બનનારને ધમકી આપી અને આરોપી સુરેશ હિમસિંગ ને સાથે લઈ અને ભોગ બનનારનું અપહરણ કરેલું હતું. સમગ્ર તપાસના અંતે તપાસ કરનાર અધિકારી શ્રી વી સી પરમાર એ ચાર્જશીટ ફરમાવેલું હતું.

ત્‍યારબાદ ધોરાજીના એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખએ આરોપી વિરુદ્ધ ચાર્જ ફરમાવેલ અને સરકાર પક્ષે માત્ર ૭ જ વીટનેસ તપાસવામાં આવેલ અને ટૂંકા ગાળામાં કેસ પૂર્ણ કરાવેલ. પુરાવો નોંધાઈ ગયા બાદ આરોપી તરફે દલીલ કરવામાં આવેલી અને પુરાવા દરમિયાન પણ ડોક્‍ટરને પણ તે પ્રશ્ને પૂછેલા હતા કે આરોપી જાતે ચાલી શકે તેમ નથી ૯૦ ટકા પગેથી દિવ્‍યાંગ છે, તે કોઈ દુષ્‍કર્મ કરી શકે તેવી પરિસ્‍થિતિમાં પણ નથી. ત્‍યારે તેમને બળજબરીથી ગુનો કર્યો છે તેવું માની શકાય નહીં.

આ તબક્કે સરકાર પક્ષે એડિશનલ પબ્‍લિક ઢ્ઢોસિકયુટર કાર્તિકેય મનોજભાઈ પારેખ એ દલીલ કરેલી હતી કે, ભોગ બનનાર એટલી કુમળી વયની છે કે તેમને લાગણીઓના સંબંધોની પણ ખબર નથી તે સહજ ભાવે આરોપી પ્રેમનું કહે છે તો પૂછે છે કે પ્રેમ એટલે શું? તેનો પણ જવાબ આરોપીએ પોતાની બદ દાનતથી ખોટો આપેલો છે. આરોપીની ઉંમર જોવામાં આવે તો આરોપી ભોગ બનનાર થી ઓલમોસ્‍ટ ડબલ વર્ષની ઉંમરના એટલે કે ૨૮ વર્ષના છે તેમણે ભોગ બનનાર સાથે ખોટી વાતો કરેલી છે અને ભોગ બનનાર નું અપહરણ કરેલું છે.

શરીર સંબંધ   કરવા માટે સક્ષમ અને સમર્થ છે તેવું ડોક્‍ટર તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવેલું છે આ તમામ સંજોગોને ધ્‍યાને લઈ અને હાલમાં સમાજમાં કુમળી વયની દીકરીઓને કોઈપણ રીતે ફસાવી અને તેના શરીરનો દૂર ઉપયોગ કરતા કિસ્‍સાઓ વધારે ધ્‍યાનમાં આવી રહ્યા છે, ભોગ બનનાર સગીર વયની હોવાનું પણ પુરવાર છે ત્‍યારે આરોપીને તકસીરવાન ઠરાવવા જોઈએ.

બંને પક્ષની દલીલોને સાંભળી અને ધોરાજીના એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ શ્રી અલી હુસેન મોહી બુલ્લા શેખ આરોપી સુરેશ દલસિંગ માવી ને સગીર વયની દીકરી સાથે વારંવાર દુષ્‍કર્મ કરવા બદલ તકસીરવાન ઠરાવી અને ૨૦ વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે તથા ભોગ બનનારને વળતર ચૂકવવા ગુજરાત સરકારની વિક્‍ટીમ કોમપનસેશન સ્‍કીમ હેઠળ રકમ ચૂકવવા આદેશ કરેલો છે.

(12:00 PM IST)