તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
ગુંદાવાડીના કહેવાતા ‘ચમત્કારી સતિષ'એ કજીયા કંકાસ, પગનો દુઃખાવો સહિતની સમસ્યા દૂર કરવાના નામે ખંખેર્યા ૨૪.૨૩ લાખ
ઓસ્ટ્રેલિયા રહેતા યુવાનને પી.આર., સગાઇ સહિતનો પ્રશ્ન હોઇ રાજકોટના મિત્ર મારફત સતિષ ધામીનો સંપર્ક કર્યો અને લાખો ગુમાવ્યા અમદાવાદના વેપારી પરિવારે કટકે કટકે લાખો દીધા છતાં સમસ્યામાં ફરક ન પડયોઃ ફરીવાર સતિષ પાસે આવતાં કહ્યું-વિધી માટે હજી બે લાખ આપો, નહિ આપો તો મારા ઘરે બેઠેલા માતાજી કોપાયમાન થશે!: ભક્તિનગર પોલીસે સતિષને પકડી લેવા તજવીજ હાથ ધરી શરૂઆતમાં વિડીયો કોલમાં સતિષે વેપારીના પુત્ર સાથે ભગવાનની અને સત્સંગની વાતો કરી પછી નાણા ઉસેડયા

રાજકોટ તા. ૫: પરિવારમાં ચાલતા કંકાસ, દિકરાની સગાઇ તૂટી જવી, તેને વિદેશમાં સ્થાયી થવાની સમસ્યા, પત્નિના પગનો દુઃખાવો સહિતની સમસ્યાઓનો ઉકેલ લાવવાના બહાને રાજકોટના એક કથિત ‘ચમત્કારી' શખ્સે અમદાવાદના વેપારી પરિવારને રૂ. ૨૪.૨૩ લાખનો ચૂનો લગાવ્યો હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. પૈસા પડાવવા માટે આરોપીએ પૈસા નહિ આપો તો માતાજી કોપાયમાન થશે તેવી ધમકીઓ પણ આપી હતી.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે અમદાવાદ બોડકદેવ જજીસ બંગલા સામે પ્રીન્સ એપાર્ટમેન્ટ ફલેટ નં. એ-૪૦૪માં રહેતાં પંચાવન વર્ષના પ્રોૈઢની ફરિયાદ પરથી રાજકોટ ગુંદાવાડી શેરી ન. ૨૨માં રહેતાં સતિષ રામજીભાઇ ધામી વિરૂધ્ધ પોતે માતાજીની વિધી કરી ઘરમાંથી કંકાસ દુર કરાવી દેશે, સંતાનની સગાઇ થઇ જશે, પગનો દુઃખાવો દુર થઇ જશે તેમ કહી રૂપિયા પડાવી લીધાનો અને માતાજીના કોપના નામે ડરાવ્યાનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.
ફરિયાદીએ જણાવ્યું છે કે મારો દિકરો અંકિત હાલ ઓસ્ટ્રેલિયા રહે છે. તેનો મિત્ર પાર્થ ચોવટીયા જે રાજકોટ છે તે અગાઉ મારા દિકરા સાથે ભણતો હતો અને ઓસ્ટ્રેલિયામાં પણ તે અંકિત સાથે રૂમમાં રહેતો હતો. દિકરા અંકિતને ઓસ્ટ્રેલિયામાં પી.આર. (પરમેનન્ટ રેસીડેન્સી)ની સમસ્યા હતી અને ઘરમાં મારા પત્નિ જયશ્રીને પગમાં સોજા રહેતા હોઇ તેમજ અમારે ઘરમાં કંકાસ હોઇ અને નોકરી ધંધા સરખા ચાલતાં ન હોઇ તેમજ દિકરા અંકિતની સગાઇ પણ એકવાર થઇને તુટી ગઇ હોઇ તે પણ મુંજાયેલો રહેતો હોઇ દિકરા અંકિતે મિત્ર પાર્થને આ વાત કરી હતી.
આથી પાર્થએ કહ્યું હતું કે અમારે પણ ઘરમાં આવી તકલીફો હતી. પણ અમે રાજકોટ ગુંદાવાડીમાં રહેતાં ચમત્કારી સતિષ ધામી પાસે વિધી કરાવી તેને પૈસા આપ્યા છે. આથી અંકિતે પોતે ખુબ કંટાળ્યો હોઇ ચમત્કારી સતિષનો સંપર્ક કરાવવાનું કહેતાં ઓક્ટોબર-૨૦૨૦માં પાર્થએ વિડીયો કોલ કરી મારા દિકરાની વાત સતિષ ધામી સાથે કરાવતાં સતિષે જે સમસ્યા હોય તે જણાવો હું દુર કરી આપીશ તેમ કહ્યું હતું. આ પછી અવાર-નવાર આ રીતે મારા દિકરાએ વાત કરી હતી અને સતિષે તેની પાસેથી અમારા પરિવાનો વિગતો મેળવી હતી. સતિષ મારા દિકરા સાથે વ્હોટ્સએપ કોલમાં વાત કરી કહેતો હતો કે તારી પી.આર.ની સમસ્યા દુર થઇ જશે, તારા મમ્મીના પગમાં સારુ થઇ જશે અને ઘરમાંથી કંકાસ પણ નીકળી જશે. આવુ કહી તે ભગવાનની અલગ અલગ વાતો કરી સત્સંગ કરતો હતો. આથી મારો દિકરો અંકિત તેની વાતોમાં આવી ગયો હતો.
બાદમાં સતિષે કહેલુ કે તમારુ કામ કરવાની વિધી માટે પૈસા આપવા પડશે. આથી મારા દિકરાએ તેના એકાઉન્ટમાંથી સતિષ ધામીના એકાઉન્ટમાં અલગ અલગ કટકે કટકે રૂા. ૧૩,૨૩,૧૧૨ જમા કરાવી દીધા હતાં. આ પછી ૨૦૨૩માં મારો દિકરો અંકિત ઓસ્ટ્રેલિયાથી આવતાં તે, હું, મારા પત્નિ અને હાર્દિક એમ ચારેય રાજકોટ ગુંદાવાડીમાં સતિષ ધામીના ઘરે ગયા હતાં. આ વખતે સતિષે તમામ તકલીફો દૂર થઇ જશે પણ તમારે મને આ કામના રૂપિયા આપતા રહેવા પડશે. આ પછી અમે સતિષના ઘરે જ બપોરે જમ્યા હતાં. બાદમાં મારા દિકરા હાર્ર્દિકે તેના એકાઉન્ટમાંથી સતિષને ફરીવાર ૫,૦૦,૪૦૦ આપ્યા હતાં.
એ પછી ડીસેમ્બર-૨૦૨૫માં હું અને મારા પત્નિ જયશ્રી ફરીથી રાજકોટ સતિષના ઘરે આવ્યા હતાં. અમારું કામ થયું ન હોઇ આ બાબતે સતિષને વાત કરતં તેણે કહેલું કે-તમારા કામ માટે માતાજીની વિધી કરવી પડશે, તેમાં બે લાખ થશે, અને જો નહિ આપો તો તમારા પર મારા ઘરે બસેલા માતાજી કોપાઇમાન થશે. આથી અમે બે લાખ રોકડા સતિષને આપી દીધા હતાં. જો કે આ પછી પણ અમારું કામ થતું ન હોઇ અમે દિકરા અંકિતને વાત કરતાં તેણે સતિષને ફોન કરી જાણ કરતાં સતિષે હજુ વુધ રૂપિયા આપવા પડશે તેમ કહેતાં મારા દિકરાને અહેસાસ થયો હતો કે આજ સુધી લાખો રૂપિયા આપવા છતાં એકેય કામ થયા નથી જેથી સતિષ છેતરપીંડી કરતો હોવાનું લાગતાં અંકિત મિત્ર પાર્થને વાત કરતાં પાર્થએ કહેલું કે તેના રૂપિયા પણ સતિષે લઇ લીધા છે પણ કામ થયું નથી. આથી ફરિયાદ દાખલ કરાવી હતી.
ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ એસ. એચ. ગોહિલ અને સ્ટાફે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
(1:23 PM IST)










