News of Thursday, 5th February 2026
લોધીકાના ખીરસરામાં વ્યાજખોરીમાં સામેલ વિજય રત્નોતરને પાસામાં ધકેલી દેવાયો
લોકોને વ્યાજના ભરડામાં લઇ દસ ટકા લેખે વ્યાજ વસુલતો, રોકડ ઉપરાં વાહનો, દાગીના પણ પડાવ્યા હતાં: મેટોડા પોલીસે વોરન્ટ બજવણી કરી મહેસાણા જેલમાં મોકલ્યો

રાજકોટ તા. ૫: ૧૦ ટકા વ્યાજે રૂપીયા આપી મિલકત પડાવી લેતા લોધીકાના ખીરસરાના શખ્સને પાસા તળે મહેસાણા જેલમાં ધકેલી દેવાયો હતો. વિજય રત્નોતર રોકડમાં વ્યાજ પડાવ્યાં બાદ વાહનો અને દાગીના પણ પડાવી ધમકી આપી મધ્યમ વર્ગીય લોકોને ડરાવતો હતો.
ઉપરાંત મુદ્દલ કરતા અનેક ગણુ વ્યાજ વસુલ્યા બાદ પણ ભોગ બનનારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી માનસીક ત્રાસ આપવામા આવતો હતો. જેથી આ વ્યાજખોર વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી રાજકોટ કલેક્ટર ડો.ઓમપ્રકાશને મોકલતા તેઓએ વ્યાજખોર શખ્સને ભયજનક વ્યક્તી (વ્યાજખોર) ગણી પાસા વોરંટ ઇસ્યુ કરતાં પોલીસે વ્યાજખોર જીતેન્દ્ર અમળત રત્નોતર (ઉ.વ.૩૮, ધંધો વેપાર, રહે.ખીરસરા, લોધીકા)ને પકડી પાસા વોરંટની બજવણી કરી મહેસાણા જીલ્લા જેલમાં મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે જીતેન્દ્ર રત્નોતરે મેટોડાના યુવાન પાસેથી ૧૦ ટકા તોતિંગ વ્યાજ લઈ ઘરેણાં-વાહન પડાવી લીધાં હતાં. તેમજ યુવકે અઢી લાખ ચૂકવી દીધા છતાં આરોપીએ વધુ નાણાંની પઠાણી કરી ધમકી આપી હતી. તેમજ પરાપીપળીયા ગામે એકતા સોસાયટીમાં રહેતાં અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા વેપારી અનાર્ધનભાઇ ભાવેન્દ્રભાઈ ખાંડાએ પત્નિની સારવાર અર્થે લીધેલા રૂ. ૨.૭૫ લાખ સામે વ્યાજખોર જીતેન્દ્ર અમળત રત્નોતરને ૩ લાખ રોકડા આપ્યા છતાં તેણે વેપારીનું મકાન, દુકાનનો દસ્તાવેજ અને ઇક્કો ગાડી પડાવી લઇ ધમકી આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી. જે બંને ગુનામાં મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ખીરસરા ગામ ખાતે રહી લાંબા સમયથી લાયસન્સ વગર વ્યાજ વટાવનો ધંધો કરતા જીતેંદ્ર અમળતભાઇ રત્નોતરએ અનેક મધ્યમવર્ગીય પરિવારોને ઉંચા વ્યાજે નાણા આપી તેમની પાસેથી કોરા ચેક અને મિલકતના કાગળો પડાવી લીધાની ફરિયાદો હતી.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા રાજકોટ ગ્રામ્યમાં ગેરકાયદેસર વ્યાજખોરી કરી સામાન્ય જનતાને હેરાન કરતા તત્વો વિરુધ્ધ કાર્યવાહી કરી વ્યાજખોરો ઉપર કાયદાનો ગાળીયો કસવા માટે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવાની આપેલ સુચનાથી ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પીઆઈ એસ.એચ.શર્માએ વોરન્ટ બજવણી કરી હતી.
(4:37 PM IST)










