તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 5th February 2026
દ્વારકાના રુપેણબંદરમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો દરોડો, નશીલા પદાર્થ ગાંજા સાથે મહિલા ઝડપાઇ
રાજકોટ ઝોન એ.એન.ટી.એફ., સી.આઈ.ડી. ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ જીતેન્દ્રસિંહ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા કામગીરી

રાજકોટઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના રુપેણબંદર વિસ્તારમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) અને સી.આઈ.ડી. ક્રાઈમની ટીમે બાતમીના આધારે દરોડો પાડી એક મહિલાને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી છે.
રાજકોટ ઝોન એ.એન.ટી.એફ., સી.આઈ.ડી. ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીજ્ઞેશ જીતેન્દ્રસિંહ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી છે. ૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૧૫ કલાકે દ્વારકા-મીઠાપુર મેઈન રોડ પર રુપેણબંદર ખાતે આવેલ આરોપીના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. ચૌહાણની આગેવાનીમાં કરાયેલી તપાસ દરમિયાન મકાનમાંથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે: ગાંજો: ૨૪૦ ગ્રામ (કિંમત ૧૨,૦૦૦/-), ઇલેક્ટ્રિક વજનકાંટો: ૧ નંગ (કિંમત ૫૦૦/-), મોબાઈલ ફોન: ૧ નંગ (કિંમત ૫,૦૦૦) પેકિંગ સામગ્રી: ૪૯૦ નંગ પ્લાસ્ટિકની નાની પારદર્શક કોથળીઓ, મીણબત્તી અને માચીસ કબ્જે થયા છે.
આ મામલે પોલીસે રેશ્માબેન શબીરભાઈ સુભાણીયા (ઉંમર વર્ષ ૩૨, રહે. રુપેણબંદર) નામની મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલા પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરતી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જીજ્ઞેશ જીતેન્દ્રસિંહ ચૌહાણે આ બાબતે એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(એ) મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(6:43 PM IST)










