<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

રેલ્‍વે સ્‍ટેશને મુસાફરને લૂંટવાનો ભેદ ખુલ્‍યોઃ ૧૪ ગુનામાં સામેલ હિેતેષ અને સાગ્રીત ઝડપાયા

સાગ્રીત સાહિલ ઉર્ફ બાડાની ત્રણ ગુનામાં સંડોવણીઃ પીઆઇ એચ. એમ. રાણા, પીએસઆઇ ડોડીયા, પીએસઆઇ જે. એમ. પરમાર અને ટીમનો કામગીરી

રાજકોટ તા. ૬: જંકશન રેલ્‍વે સ્‍ટેશન પર ટ્રેનની રાહ જોઇ રહેલા મુળ બિહારના હાલ શાપર રહી મજૂરી કરતાં મનિષકુમાર મંડલ નામના ૨૧ વર્ષના યુવાનને તા. ૩ના સાંજે એક શખ્‍સે મારે મદદની જરૂર છે જરા આગળ આવ તેમ કહી પ્‍લેટફોર્મ પાછળ ઝાડીમાં લઇ જઇ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી રોકડા ૨ હજાર લૂંટી લઇ તેમજ તેના ફોનમાંથી ૫૦૦૦ જી-પેથી ટ્રાન્‍સફર કરાવી લૂંટી લીધો હતો. આ બનાવમાં રેલ્‍વે પોલીસે ભેદ ઉકેલી રીઢા ગુનેગાર સહિત બે શખ્‍સને ઝડપી લીધા છે. જેમાં એક શખ્‍સ ૧૪ ગુનામાં અગાઉ સંડોવાઇ ચુક્‍યો છે.

ઘટના બન્‍યા બાદ ભેદ ઉકેલવા રેલ્‍વે પોલીસની ટીમ કામે લાગી હતી. દરમિયાન ડી. સ્‍ટાફના જયવીરસિંહ, મનસુખભાઇ, સાગરભાઇ, મેહુલભાઇને મળેલી બાતમી પરથી રૂખડીયાપરામાંથી બેડીપરાના હિતેષ કનકભાઇ જાંબુકીયા (ઉ.વ.૨૫) અને તેના સાગ્રીત રૂખડીયાપરાના સાહિલ ઉર્ફ બાડો સલિમભાઇ રફાઇ (ઉ.વ.૨૧)ને પકડી લીધા હતાં અને મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

ઝડપાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે. હિતેશ જાંબુકીયા વિરૂધ્‍ધ થોરાળા, એ-ડિવિઝન, બી-ડિવિઝન, ભક્‍તિનગર અને ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં પ્રોહિબિશન, ચોરી અને એનડીપીએસ એક્‍ટ હેઠળ ૧૪ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જ્‍યારે સાહિલ ઉર્ફે બાડો અગાઉ રેલવે પોલીસ સ્‍ટેશન અને બી-ડિવિઝનમાં લૂંટનાપ્રયાસ અને ચોરીના ૩ ગુનાઓમાં સંડોવાયેલો છે. હાલ પોલીસ બંને આરોપીઓના રિમાન્‍ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે. મોજશોખ માટે બંનેએ લૂંટ કરી હતી.

ઇન્‍ચાર્જ એડી. ડીજીપી (રેલવે) પરિક્ષિતા રાઠોડ અને એસપી યશપાલ જગાણીયાની સુચના અંતર્ગત આ કામગીરી પી.આઈ. એચ.એમ. રાણા, પી.એસ.આઈ. પી.વી. ડોડીયા, પી.આઈ. રાઈટર કાન્‍તીભાઇ, પો.કો. વિષ્‍ણુભાઇ, સંજયભાઇ અને નિતીનભાઇ જોડાયા હતા. તેમજ ડી-સ્‍ટાફના હેડ કોન્‍સ્‍ટેબલ મધુરાજસિંહ, વાલજીભાઇ, જયવીરસિંહ, યોગીરાજસિંહ, વનરાજભાઇ, મનસુખભાઇ, યશપાલસિંહ, સાગરભાઇ, મેહુલભાઇ, દિવ્‍યરાજસિંહ અને જીતુભાએ પાયાની કામગીરી કરી હતી. ટેકનિકલ મદદમાં એ.એસ.આઈ. પ્રવિણભાઇ સુવા, એલ.સી.બી.ના પી.એસ.આઈ. જે.એમ. પરમાર અને આર.પી.એફ.ના હેડ કોન્‍સ્‍ટેબલ પ્રભાતભાઇ, રિતેશભાઇ શુકલા અને રમેશભાઇ છૈયાએ કરી હતી.

(3:01 PM IST)