News of Friday, 6th February 2026
૧૭ાા લાખના ખોવાયેલા દાગીના આજીડેમ પોલીસે શોધીને પરત કર્યા
દંપતિ લગ્નમાં જવાન નીકળ્યું તયારે કારની ડેકી પર ભુલથી મુકાયેલુ પર્સ પડી ગયું હતું: જે રિક્ષાચાલકને મળ્યું હતુ

રાજકોટઃ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે ત્વરિત કાર્યવાહી અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રસ્તામાં પડી ગયેલ ૧૨ તોલા સોનાનો હાર અને કાનની બુટી મૂળ માલિકને હેમખેમ પરત સોંપી પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્રને સાર્થક કર્યુ હતું. તારીખ ૦૨ના રોજ અરજદાર સુભાષભાઇ રામભાઇ જળુ પોતાની પત્ની સાથે લગ્નપ્રસંગમાં જવા નીકળ્યા હતા. ઉતાવળમાં તેઓ સોનાના દાગીના ભરેલું પર્સ કારની ડેકી પર જ ભૂલી ગયા હતા અને કાર ચલાવતા પર્સ કયાંક પડી ગયું હતું. આ પર્સમાં ૧૨ તોલાનો હાર અને બુટી હતા, જેની કિંમત આશરે ૧૭,૫૦,૦૦૦જેટલી થતી હતી.
ઘટનાની જાણ થતા જ આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજા અને સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. એસ.વી. ગોહિલ સક્રિય થયા હતા. પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાંગભાઇ પાલા તથા કોન્સ્ટેબલ મહેશભાઇ કોઠીવાળ દ્વારા ટેકનિકલ સોર્સીસ, સીસીટીવીનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તપાસના અંતે આ પર્સ એક રિક્ષા ચાલક પાસેથી મળી આવ્યું હતું, જે સુરક્ષિત રીતે મૂળ માલિકને પરત કરવામાં આવ્યું છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, એસીપી બી.વી. જાધવના માર્ગદર્શન હેઠળ આજીડેમ પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોતાના કિંમતી દાગીના પરત મળતા અરજદાર પરિવારે રાજકોટ પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો
(3:47 PM IST)










