તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
મોટાવડા પાસે રાજકોટના કેટરીંગના ધંધાર્થીના આપઘાત પ્રકરણમાં એક વ્યાજખોરની ધરપકડ
મેટોડા જીઆઇડીસી પોલીસે વ્યાજખોર ભરતસિંહ સોલંકીની ધરપકડ કરીઃ અન્ય બેની શોધખોળ

રાજકોટ તા. ૭ :.. રાજકોટની ભાગોળે મોટાવડા ગામ પાસે વ્યાજખોરોના ત્રાસથી રાજકોટના કેટરીંગના ધંધાર્થીએ કારમાં ઝેરી દવા પી આપઘાત માટે મજબુર કર્યાના બનાવમાં મેટોડા જીઆઇડીસી પોલીસે એક વ્યાજખોરની ધરપકડ કરી છે. જયારે અન્ય બે ની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ લક્ષ્મણભાઇ પાંચાભાઇ પાંભર (ઉ.વ.૬૯) ધંધો.ખેતી રહે.પાંભર ઇટાળા ગામ તા.લોધીકાએ આરોપી (૧) ભરતસિંહ સોલંકી રહે.રાજકોટ (ર) મયુરસિંહ પરાક્રમસિંહ જાડેજા, રહે. રાજકોટ મુળ ગામ મોટાવડા (૩) વિનુ મેત્રા રહે. મુંજકા તથા (૪) પ્રવિણસિંહ રહે. રાજકોટ મુળ રહે. નાના ઇટાળા (હાલ મરણ ગયેલ છે.) સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના દિકરા બિપીનભાઇ લક્ષ્મણભાઇ પાંભર (ઉ.૪૭) કે જે કેટરીંગનો વ્યવસાય કરતા હતા તેને આરોપીઓએ પ ટકા વ્યાજે પૈસા આપેલ હોય આ પૈસાની આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી મરણજનારને હેરાન કરી માનસીક ત્રાસ આપી એક બીજાને મદદગારી કરી હતી. ફરીયાદીના દિકરાને મરવા માટે મજબુર કરતા મરણજનારે મોટાવડા રોડ ઉપર આવેલ ધારૂ વાળી ખોડીયાર માતાના મંદિરની બાજુમાં જઇ તેની વેન્યુ ગાડીમાં કોઇ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
આ ફરીયાદ અન્વયે મેટોડા જીઆઇડીસી પોલીસે ગુન્હો દાખલ કરી વ્યાજખોર ભરતસિંહ બનેસીંગ સોલંકી રહે. મારૂતિ પાર્ક શેરી નં. ૪, સત્ય સાંઇ હોસ્પીટલ પાછળ કાલાવડ રોડની ધરપકડ કરી હતી. જયારે અન્ય બે વ્યાજખોરોની શોધખોળ હાથ ધરી છે. એક આરોપી પ્રવિણસિંહનું અવસાન થયેલ છે.
(2:22 PM IST)










