<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

મનદુઃખ મામલે કાગદડી નજીક કોટડાનાયાણીના બે ભાઇઓ પર હુમલોઃ એકના બંને પગ ભાંગી ગયા

અજય ઘર પાછળ માતાજીના મઢે ગયો ત્‍યારે સામે રહેતાં મા-દિકરીને અજય તેમના ઘર સામે ખરાબ નજરે જોતો હોવાનું લાગતાં માથાકુટ થઇ હતી : અજય અને વિશાલ રાજકોટથી મજૂરી કરી ઘરે જતા હતાં ત્‍યારે ગામના જ પરેશ સાકરીયા, વિપુલ અને સુરેશે આંતરી બેફામ ફટકાર્યાઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૬: વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા બે ભાઇઓ પોતાના ગામથી રિક્ષા લઇ રાજકોટ આજીડેમ ચોકડીએ મજુરી કામ કરી પરત પોતાના ગામ જતાં હતાં ત્‍યારે તેના જ ગામના ત્રણ શખ્‍સોએ તેને કાગદડીથી કોટડા નાયાણી જવાના રસ્‍તે આંતરી લોખંડના પાઇપથી માર મારતાં એક ભાઇના બંને પગ ભાંગી ગયા હતાં. જેના પગ ભાંગી ગયા એ યુવાન ત્રણ દિવસ પહેલા પોતાના ઘર પાછળ માતાજીનો મઢ છે ત્‍યાં દર્શને ગયો ત્‍યોર મઢ નજીક રહેતાં હુમલાખોરના માતા-બહેનને શંકા ગઇ હતી કે આ યુવાન તેના ઘર સામે ખરાબ નજરે જુએ છે. આ કારણે માથાકુટ થઇ હતી. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે વાંકાનેરના કોટડા નાયાણી ગામે રહેતાં અશોકભાઇ ચકુભાઇ ગોરીયા (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી વાંકાનેરના કોટડા નાયાણીના પરેશ શીવાભાઇ સાકરીયા, વિપુલ શીવાભાઇ સાકરીયા અને સુરેશ જીંજરીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

અશોકભાઇ મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેની પાસે જીજે૩૬યુ-૬૭૮૨ નંબરની સીએનજી રિક્ષા પણ છે. તેણે જણાવ્‍યું છે કે તા. ૩ના રાતે નવેક વાગ્‍યે મારો મોટો પુત્ર અજય (ઉ.વ. ૨૨) ઘરની પાછળ આવેલ મઢે દર્શન કરવા ગયો હતો. આ સમયે પાડોશમાં રહેતા પરેશભાઈની માતાને એવી શંકા ગઈ હતી કે અજય તેમના મકાન સામે ખરાબ નજરે જુએ છે, જે બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્‍ય બોલાચાલીનો ખાર રાખીને ગઈકાલે હુમલો કરવામાં આવ્‍યો હતો. ગઈકાલે સાંજે અશોકભાઇનો દિકરો અજય (ઉ.વ.૨૨) અને તેનો નાનો ભાઈ વિશાલ (ઉ.વ.૧૭) મજૂરી કામ પતાવી પોતાની સીએનજી રિક્ષા જીજે૩૬યુ-૬૭૮૨ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્‍યારે કાગદડી ગામ પાસે વળાંક પર પરેશ, વિપુલ અને પરેશના મામા સુરેશભાઇ એમ ત્રણેય શખ્‍સોએ મોટરસાયકલ પર આવી રિક્ષા રોકાવી હતી. બાદમોં ગાળાગાળી કરી બંને ભાઈઓને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્‍યારબાદ અજયને વોેંકળા પાસે લઈ જઈ, પરેશભાઈએ લોખંડના પાઈપ વડે આડેધડ ઘા ઝીંકયા હતા.

હુમલાના કારણે અજય ઘટનાસ્‍થળે જ બેભાન થઈ જતાં  તેને તાત્‍કાલિક ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ અને ત્‍યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ગોકુલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. તબીબી તપાસમાં અજયના બંને પગ અને જમણા હાથમાં ફ્રેક્‍ચર જેવી ગંભીર ઈજાઓ હોવાનું બહાર આવ્‍યું છે. હોસ્‍પિટલ મારફત જાણ થતાં કુવાડવા રોડ પોલીસ પિતા અશોકભાઈની ફરિયાદના આધારે પોલીસે પરેશ સાકરિયા, વિપુલ સાકરિયા અને સુરેશ જીંજરીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હુમલાખોરો હુમલો કરી નાસી છૂટયા હોવાથી પોલીસ તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

 

(2:30 PM IST)