તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
રામાપીર ચોકડી શાસ્ત્રીનગરમાંથી દારૂ ભરેલી કાર સાથે કિંજલ સોલંકીને પીસીબીએ પકડયો
હેડકોન્સ. હરદેવસિંહ રાણા, એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચોૈહાણની બાતમીઃ કુલ ૨.૪૮ લાખનો મુદ્દામાલ કબ્જે :આંબેડકરનગરમાં માલવીયાનગર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતાં દારૂ ભરેલી કાર મુકી ચાલક ભાગ્યોઃ ૫.૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૭: શહેરમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ કમિશનરની સુચનાથી ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત બે અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં પીસીબી શાખા અને માલવીયાનગર પોલીસની ટીમે લાખો રૂપિયાની કિંમતની પોલો અને સ્વિફ્ટ કાર સહિત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં રામાપીર ચોકડી પાસે પોલો કારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો હતો. આંબેડકરનગરમાં પોલીસને જોઇ શખ્સે કાર ભગાવતાં ફિલ્મી ઢબે પીછો થતાં તે આખરે દારૂ ભરેલી કાર મુકી ભાગી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ શહેર પીસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યાર પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જગતસિંહ રાણા અને સાથેના એએસઆઇ મહીપાલસિંહ દશરથસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ ચોૈહાણને ચોક્કસ બાતમી મળી હતી કે રામાપીર ચોકડી પાસે શાષાીનગર શેરી નં. ૧૯ના ખૂણે એક સફેદ રંગની ફોક્સવેગન પોલો કાર નંબર જીજ૦૧આરએન-૯૨૫૪ પડી છે જેમાં દારૂનો જથ્થો ભરેલો છે. બાતમીના આધારે દરોડો પાડતા કારમાં એક શખ્સ મળ્યો હતો. તેણે પોતાનું નામ કિંજલ ભરતભાઈ સોલંકી (રહે. ગોતા, અમદાવાદ) જણાવ્યું હતું. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ઓફિસર ચોઈસ, ઓલ્ડ મંક રમ, એન્ટીકયુટી બ્લુ અને બોહો ક્લાસિક વ્હિસ્કીની કુલ ૧૧૦ બોટલો મળી આવી હતી. પોલીસે ૪૮,૬૦૦ની કિંમતનો દારૂ અને ૨ લાખની કાર મળી કુલ ૨,૪૮,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પીઆઇ એમ. આર. ગોંડલીયા સહિતની રાહબરીમાં આ કામગીરી થઇ હતી.
બીજા દરોડામાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં એ.એસ.આઈ. કે. બી. શેખલીયા અને પોલીસ કોન્સ્ટેબલ જયદિપસિંહ ભટ્ટી સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. રાત્રિના સમયે પોલીસને બાતમી મળી હતી કે આંબેડકરનગર બાબા ડિલક્સ પાસે દારૂ ભરેલી સ્વિફ્ટ કાર પસાર થવાની છે. આ દરમિયાન શંકાસ્પદ મારુતિ સ્વિફ્ટ કાર નંબર જીજે૦૩પીજી-૯૭૧૪ નીકળતા પોલીસે તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે કાર ઉભી રાખવાને બદલે ભગાવી મૂકી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક રવિ પ્રોવિઝન સ્ટોર પાસે કાર મુકીને અંધારામાં ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હિસ્કીના ૯૬ ક્વાર્ટર કિંમત રૂ. ૧૩,૯૨૦ના મળી આવ્યા હતા. પોલીસે ૫ લાખની કાર અને દારૂ મળી કુલ ૫,૧૩,૯૨૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને નાસી છૂટેલા ચાલકની શોધખોળ શરૂ કરી છે.
આ દરોડા દરમિયાન પી.સી.બી. સ્ટાફ દ્વારા ઈ-સાક્ષી એપ્લિકેશનનો ઉપયોગ કરી સમગ્ર કાર્યવાહીની લાઈવ વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. પીસીબીના દરોડામાં એએસઆઇ ઘનશ્યામસિંહ ચોૈહાણ અને માલવીયાનગરના દરોડામાં કેતનભાઇ વધુ તપાસ કરી રહ્યા છે.
(4:08 PM IST)










