તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
શરીરની ઈજા દેખાય, પણ મનના ઘાનું શું? રાજકોટના આંગણે ‘ધ લિસનિગ સર્કલ' દ્વારા ભાવસભર પ્રસ્તુતિનું આયોજન
મનનો બોજ હળવો કરવા અમદાવાદના યુવાનોનું મિશન : રાજકોટની ‘વર્કવેલ સમિટ'માં ગુંજશે માનસિક સ્વાસ્થ્યનો સાદ : રાજકોટની દીકરી શ્રીજા માત્રવડિયા અને અમદાવાદની યુવા ટીમ મેન્ટલ હેલ્થના ટેબૂ તોડવા સજ્જ : સયાજી હોટેલ ખાતે રજૂ થશે હૃદયસ્પર્શી નાટક : એચઆર દિગ્ગજોની હાજરીમાં માનસિક સ્વાસ્થ્યનો નવો અધ્યાય : ‘વર્કવેલ ૨.૦' માં અમદાવાદનું યુવા ગ્રુપ જનજાગૃતિ ફેલાવશે

વર્તમાન સમયમાં જ્યારે ભૌતિક સુખ-સુવિધાઓ વધી છે, ત્યારે માનવીનું મન ક્યાંક એકલતા અને તણાવના બોજ હેઠળ દબાઈ રહ્યું છે. આધુનિક યુગમાં શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વનું 'મેન્ટલ હેલ્થ' છે, પરંતુ કમનસીબે આજે પણ તેના વિશે વાત કરતા લોકો ખચકાય છે. સમાજમાં વ્યાપેલી આ જ માનસિકતાને બદલવા અને જાગૃતિ લાવવા માટે અમદાવાદનું એક નિઃસ્વાર્થ યુવા ગ્રુપ 'ધ લિસનિગ સર્કલ' આગામી ૧૦ ફેબ્રુઆરીના રોજ રાજકોટની સયાજી હોટેલ ખાતે આયોજિત 'વર્કવેલ સમિટ ૨.૦' માં એક વિશેષ પ્રસ્તુતિ કરવા જઈ રહ્યું છે.
આ ગ્રુપ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા નાટકનો મુખ્ય સૂર એ છે કે, જો આપણને નાની એવી શારીરિક ઈજા થાય તો આપણે તાત્કાલિક ડોક્ટર પાસે દોડીએ છીએ, પણ જ્યારે મન હતાશા કે ઉદ્વેગથી ઘેરાયેલું હોય ત્યારે આપણે કેમ મૌન ધારણ કરી લઈએ છીએ? ખાસ કરીને કોર્પોરેટ જગતમાં કામ કરતા પ્રોફેશનલ્સ અને HR એક્ઝિક્યુટિવ્સ જેઓ હજારો કર્મચારીઓના માનસ સાથે જોડાયેલા છે, તેમને આ વિષયની ગંભીરતા સમજાવવા આ યુવાનો સજ્જ થયા છે.
આ અભિયાનમાં એક નોંધપાત્ર બાબત એ છે કે, આ ગ્રુપના સક્રિય સભ્ય અને આજના યુવા અવાજ સમાન શ્રીજા માત્રવડિયા રાજકોટના જ વતની છે. તેઓ રાજકોટના જાણીતા ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ચિરાગ માત્રવડિયાના પુત્રી છે. તબીબી વાતાવરણમાં ઉછરેલા શ્રીજાએ અનુભવ્યું છે કે શારીરિક સ્વાસ્થ્યની જેમ માનસિક સ્વાસ્થ્ય પણ જીવન બચાવવા માટે કેટલું અનિવાર્ય છે. તેઓ અને તેમની ટીમ આ નાટક દ્વારા યુવા પેઢી અને વાલીઓ વચ્ચેના સંવાદના સેતુને મજબૂત કરવાના પ્રયાસો કરશે.
અમદાવાદની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા હિત દોશી અને અર્ણવ તન્નાના નેતૃત્વ હેઠળની આ ટીમ છેલ્લા દોઢ વર્ષથી મેન્ટલ હેલ્થ ક્ષેત્રે ક્રાંતિકારી કામ કરી રહી છે. આ ગ્રુપ માત્ર નાટકો જ નથી ભજવતું, પણ દર મહિને બે વાર ‘લિસનિગ સર્કલ' નામના સેશન્સ આયોજિત કરે છે. જેમાં કોઈપણ વ્યક્તિ આવીને પોતાની વાત કોઈના પણ ડર વગર રજૂ કરી શકે છે. અત્યાર સુધીમાં તેમણે ૫૦ થી વધુ શેરી નાટકો દ્વારા હજારો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું કાર્ય કર્યું છે.
સોશિયલ મીડિયાના યુગમાં આજે લોકો 'કનેક્ટેડ' તો છે પણ અંદરથી એકલા છે. તાજેતરમાં ઓનલાઇન ગેમ્સ અને સામાજિક દબાણને કારણે કિશોરોમાં વધતા આપઘાતના કિસ્સાઓ ચિતાજનક છે. આ નાટક દ્વારા ટીમનો હેતુ એ છે કે માતા-પિતા પોતાના બાળક સાથે એવો સંવાદ કેળવે કે જેથી બાળકને બહાર ક્યાંય સહારો શોધવો ના પડે.
આગામી ઇવેન્ટમાં હિત, અર્ણવ, અથર્વ, ધૃતિક, હેતાંશ, વિનીત, નીરવ, શ્યામ, ઋષિ, રવિ, ભારવી, શ્રીજા, ફાલ્ગુની, હિમાની, તમન્ના અને દિશા પોતાની કલા દ્વારા રાજકોટના દર્શકોને મંત્રમુગ્ધ કરશે. કોઈપણ આર્થિક અપેક્ષા વગર, માત્ર સમાજ સેવાની ભાવના સાથે કામ કરતા આ યુવાનોની આ પહેલ રાજકોટ માટે મેન્ટલ હેલ્થ જાગૃતિનું નવું કિરણ બની રહેશે. (૩૭.૧૧)
(4:42 PM IST)










