News of Monday, 9th February 2026
પાણી અને ગાર્બેજ વેરા વધારો ફગાવાશે : વ્યાજમાં વળતરની થશે જાહેરાત
કાલે મનપાની સ્ટેન્ડીંગ કમિટી ૩પ૯પ.૭૦ કરોડોના બજેટમાં સામાન્ય ફેરફાર સાથે કદમાં વધારો કરાશે : પાણીમાં વાર્ષિક રૂા. ૯૦૦ અને ગાર્બેજમાં પ્રતિદિન રૂા. ર.ર૦ વેરા વધારાની દરખાસ્ત પર લોકોની મીટ : પ્રજા ઉપરનો ૯પ કરોડનો કરબોજો હળવો કરવા કવાયત : આવતા સપ્તાહે જનરલ બોર્ડ : બજેટ સંબંધી ૧૦ થી વધુ દરખાસ્તો પર લેવાશે નિર્ણય

રાજકોટ તા.૯: મનપાનું નવા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું ૩૫૯૫.૭૦કરોડનું અંદાજપત્ર તા.૪ ફેબ્રુઆરીના રોજ મ્યુનિ. કમિશનર સ્ટેન્ડીંગ કમિટિને સોંપ્યુ હતુ. ચેરમેન જયમીન ઠાકર સહિતના સભ્યોએ વર્ષ ૨૦૨૬-૨૭નું પાણી વેરામાં રૂા.૯૦૦ અને ગાર્બેજમાં પ્રતિદિન રૂા.૨.૨૫ સહિત કુલ ૯૫ કરોડનું કરબોજવાળુ સામાન્ય બજેટનો અભ્યાસ પુરો કર્યો છે.
મનપાની ચૂંટણી વર્ષમાં શાસકો નવો કરબોજ મંજુર કરે તેવું હાલ લાગતુ નથી. તો સામે લોકોને સીધી ઉપયોગી થાય એવી કેટલીક યોજના અને જોગવાઇઓ દાખલ કરી શકે છે. અને વ્યાજમાં વળતરની જાહેરાત કરવામાં આવે તેવી શકયતાઓ જોવા મળી રહી છે.
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરના અંતિમ બજેટમાં શહેરની પ્રજા માટે કંઇ નવુ લાવે તેવુ લાગી રહ્યુ છે. આવતીકાલે તા.૧૦નાં મંગળવારે સવારે ભાજપ સંકલન અને તે બાદ સ્ટે.કમિટિમાં અંદાજપત્ર મંજુર કરવામાં આવશે. આ બાદ આવતા સપ્તાહે મળનાર જનરલ બોર્ડમાં નવા નાણાકીય વર્ષના અંદાજપત્રને મંજુરી આપવામાં આવશે.
આવતીકાલે સ્ટેન્ડિગ કમિટિમાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૧૦થી વધુ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે. જેમાં ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલમ-૯૪ હેઠળ રજુ કરવાના થતા રાજકોટ મહાનગરપાલિકાના નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ તથા ૨૦૨૪-૨૫ ના આવક-ખર્ચના વાર્ષિક હિસાબો (National Municipal Accounts Manual ની ગાઇડ લાઇન ને અનુરૂપ) તેમજ ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલમ-૯૫ મુજબ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬નું રીવાઇઝડ અંદાજપત્ર તેમજ નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ નું અંદાજપત્ર મંજુર કરવા, સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા,પાણી દર નિયત કરવા, ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા, વાહન કર નિયત કરવા, થીયેટર ટેક્ષ નિયત કરવા, મિલકત વેરામાં વળતર યોજના લાગુ કરવા, ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા તથા એન્વાયરમેન્ટ ચાર્જ કરવા, ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વિકાસ પરવાનગી આપતી વખતે અલગ અલગ ડીપોઝીટ વસુલવા અંગે નિર્ણય લેવાશે.(૨.૧૮)
(2:48 PM IST)










