<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

ચંપકનગરમાં થયેલી ૧.૬૨ કરોડની ચાંદીની ચોરીમાં અમદાવાદ પોલીસે ૪૦ કિલો ચાંદી સાથે એકને દબોચ્‍યો

પ્રદિપ પ્રજાપતિ ઝડપાયો તેની પુછતાછમાં તેણે પોતાને કમલેશ પ્રજાપતિ વેંચવા માટે ચાંદી આપી ગયાનું રટણ કર્યુઃ બી-ડિવીઝન પોલીસની પ્રદિપનો કબ્‍જો લેવા રવાના

રાજકોટ તા. ૯: સામા કાંઠે કારખાનામાં થયેલી દોઢ કરોડથી વધુની ચાંદીની ચોરીમાં એક આરોપીને અમદાવાદ પોલીસે પકડી લીધો છે.  ચંપકનગરમાં ગત ચોથી તારીખે મોડી રાતે બે વાગ્‍યે રૂ.૧.૬૨ કરોડના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્‍કરો ક્રેટા કારમાં નાસી છૂટયા હતાં. જે બાદ સૌથી મોટી ચોરીની ઘટનામાં રાજકોટ શહેરની તમામ પોલીસ તસ્‍કરોને પકડવામાં દોડી હતી. આ વચ્‍ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે તસ્‍કર ટોળકીના એક સાગરીતને ચોરાઉ ૪૦ કિલો ચાંદી સાથે દબોચી લઈ મુખ્‍ય સૂત્રધાર સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

જાણવા મળ્‍યા મુજબ બનાવ અંગે રૈયા સર્કલ પાસે રામેશ્વર પાર્ક-૦૧ શેરી નં.૧માં રહેતા મૂળ પડધરીના વિમાસણ ગામના વતની અતુલભાઈ લિંબાભાઈ બુસા (ઉ.વ.૩૯) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્‍યું હતું કે તેઓને પેડક રોડ ચંપકનગર-૦૧ ખત્રીની વાડીની પાસે બીપીનભાઈના મકાનમાં શક્‍તિ સિલ્‍વર નામની પેઢી આવેલ છે. જ્‍યાં તેઓએ  ગઈ તા. ૦૩ ના સાંજે ચારેક વાગ્‍યે પેઢીને તાળુ મારી ચાવી સાથે લઈ લગ્ન -સંગમાં જતો રહેલ હતો. બાદ ગઈકાલે સવારના તેઓ ઘરે હતા ત્‍યારે પોણા નવેક વાગ્‍યાની આસપાસ કાકા જયેશભાઈ બુસાનો ફોન આવેલ કે, તારી પેઢીના દરવાજા ખુલ્લા છે, તેમ જણાવતા તુરત જ ત્‍યાં ગયેલ તો ત્‍યાં કાકા જયેશભાઈ અને બીપીનભાઈ હાજર હતા.

પેઢીમાં  જોયેલ તો પેઢીના દરવાજા પર લોખંડની જાળી પરનો લોક જોવામાં આવેલ નહી તેમજ દરવાજા પાસે આશરે બે ફુટનો લોખંડનો સળીયો પડેલ જોવામાં આવેલ હતો. જાળી પછીના રૂમમાં તપાસ કરતા ચાંદીના વિંછીયા તેમજ સાંકળા આશરે ૫૦ ટચના તૈયાર કરેલ દાગીના પ્‍લાસ્‍ટીકના બોક્ષમાં ભરેલ હતા, તે બોક્ષની ૧૧ બોરી જોવામાં આવેલ નહી જેમાં આશરે ૧૩૦ થી ૧૪૦ કિલો ગ્રામ જેટલા તૈયાર ચાંદીના દાગીના હતા, જેની કિંમત આશરે રૂ. ૧,૬૨,૫૦,૦૦૦ ગણાય. જે કોઈ અજાણ્‍યા ચોર પેઢીના જાળીના ભાગે મારેલ તાળુ તોડી ચોરી કરી લઈ જતાં બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

બનાવની જાણ થતા ધારાસભ્‍ય ઉદય કાનગડ સહિતના અગ્રણીઓ અને બાદમાં ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્‍થળે દોડી ગયાં હતાં. બનાવની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાન્‍ચ, એલસીબી અને બી. ડિવિઝન પોલીસ મથકની અલગ અલગ ટીમોએ તપાસનો ધમધમાટ આદર્યો હતો.  દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચની ટીમને મળેલ ઇનપુટના આધારે અમદાવાદમાં મોબાઈલ દુકાનમાં નોકરી કરતાં પ્રદિપ ચંપાલાલ પ્રજાપતિ નામના શખ્‍સની ધરપકડ કરી તેની પાસેથી ૪૦ કિલો ચાંદી કબ્‍જે કર્યું હતું. પોલીસની પૂછતાછમાં તેને ચાંદીનો જથ્‍થો ચોરીને અંજામ આપનાર મુખ્‍ય સૂત્રધાર કમલેશ પ્રજાપતિ નામનો શખ્‍સ આપી ગયાનું જણાવ્‍યું હતું. જે ચાંદી તે મહેસાણામાં વેંચવા માટે જવાનો હતો. તે પહેલાં જ તે પકડાયો હતો. હાલ પોલીસે મુખ્‍ય સૂત્રધાર કમલેશ પ્રજાપતિ સુધી પહોંચવા અમદાવાદ-સુરત અને વડોદરામાં તપાસનો ધમધમાટ આદર્યો છે.

રાજકોટ પોલીસ જે ક્રેટા કારને શોધતી હતી તેમાં નંબર ખોટા હોવાનું પણ તપાસમાં ખુલ્‍યું હતું. ફુટેજ ચકાઇતાં આ કાર આજીડેમ ચોકડીથી આગળ ભાવનગર થઇ અમદાવાદ તરફ નીકળી ગઇ હતી. આ દરમિયાન અમદાવાદ પોલીસે એક શખ્‍સને પકડી લીધો હતો. તેનો કબ્‍જો મેળવી બી-ડિવીઝન પોલીસ આગળની તપાસ કરશે. પીઆઇ એસ. એસ. રાણેએ જણાવ્‍યું હતું કે અમારી ટીમ ઝડપાયેલા પ્રદિપનો કબ્‍જો લેવા રવાના થઇ છે. જે રાત સુધીમાં આવી ગયા બાદ પ્રદિપથી વિશેષ પુછતાછ કરી વધુ માહિતી મેળવી સુત્રધારને શોધવા કાર્યવાહી થશે.

(4:04 PM IST)