News of Monday, 9th February 2026
‘મુરગા ગેંગ'નો સુત્રધાર અલગ અલગ રાજ્યોના ૨૩ સ્થળે રખડયો, પોલીસથી બચવા લેડીઝ કપડા પહેરતોઃ ઘટના સ્થળે ‘કૂકડો' બનાવાયો
મહસાણાના કડી તરફથી આશરો આપનારની સાથે રાજકોટ આવી રહ્યો હતો ત્યારે માલિયાસણ પાસે પકડી લેવાયો સમીર ઉર્ફ સંજલો ઝડપાઇ જતાં મંગળા રોડની ગેંગવોરમાં કુલ ધરપકડનો આંકડો ૩૮ થયોઃ એસીપી ક્રાઇમ ભરત બસીયાએ વિગતો જણાવીઃ પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમની કાર્યવાહી

સમીર ઉર્ફ સંજય જુણેજા ઝડપાઇ ગયા બાદ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામુ થતાં મુરગા ગેંગના આ સુત્રધારે હાથ જોડી માફી માંગી હતી. તેના દ્રશ્યો, વિગતો જણાવી રહેલા એસીપી ક્રાઇમ ભરત બસીયા, પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ ધ્રાંગુ તેમજ પોતે પોલીસથી બચવા લેડીઝ કપડા પહેરતો હતો તે પણ પહેરીને બતાવ્યા હતાં તે જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૯: મંગળા રોડ પર થયેલલી ગેંગવોરમાં મુરગા ગેંગનો સુત્રધાર સમીર ઉર્ફ સંજય જાવદીભાઇ જુણેદા (ઉ.વ.૩૫-રહે. ગ્રીન પાર્ક-૧, નીલકઠ પાર્ક પાસે કોઠારીયા) રોડને એસઓજીએ મહેસાણા કડીથી તે રાજકોટ આવી રહ્યાની બાતમી પરથી માલિયાસણ પાસેથી ઝડપી લીધો છે. તેને આશરો આપનારા અમરેલી જુની સબ જેલ પાસે કસ્બાવાડ મસ્જીદ નજીક રહેતાં દિલાવર મહમદભાઇ ખલીફા (ઉ.વ.૪૦) પણ સાથે હોઇ તેને પણ ઝડપી લેવાયો હતો. પોલીસથી બચવા માટે સમીર ઉર્ફ સંજલો ગામો ગામ ફરતો રહ્યો હતો. અલગ અલગ રાજ્યોમાં રખડયા પછી તે હવે પકડાયો છે. સો દિવસથી પોલીસ તેને શોધી રહી હતી. પોલીસથી બચવા માટે તે લેડીઝ કપડા, બુરખો પહેરીને ફરતો રહતો હતો! એસઓજીએ તેને ઘટના સ્થળે લઇ જઇ ‘મૂરગા'ની ચાલે ચલાવ્યો હતો. અહિ તેણે હાથ જોડી માફી માંગી હતી. ગેંગવોરમાં પોલીસે અતયાર સુધીમાં કુલ ૩૮ આરોપી પકડી લીધા છે.
મંગળા રોડ પર સો દિવસ પહેલા પેંડા ગેંગ અને મુરગા ગેગ વચ્ચે ફાયરીંગની ઘટના બની હતી. આ મામલે એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યા બાદ બંને ગેંગ સામે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી થઇ હતી. અગાઉ બંને ગેંગના મળી ૩૭ આરોપી પકડાયા હતાં અને ગેરકાયદેસર હથીયારો પણ કબ્જે થયા હતાં. ગુજસીટોક હેઠળ તમામને જેલમાં મોકલી દેવાયા હતાં. પરંતુ મુરગા ગેંગનો સુત્રધાર સમીર ઉર્ફ સંજય જુણેજા સતત ફરાર હતો. દરમિયાન બાતમીને આધારે તેને પકડી લેવાયો છે. પોલીસેતેને આશરો આપનારા દિલાવરને પણ પકડયો છે. રૂા. ૫૪૦૦૦ના સાત મોબાઇલ ફોન, ૫ હજારની રોકડ અને એક છરી તથા ટુવ્હીલરની નંબર પ્લેટ પણ તેની પાસેથી કબ્જે થયા છે. માથાકુટ થઇ તે વખતે પહેલુ ફાયરીંગ સમીર ઉર્ફ સંજલાએ જ કર્યુ હતું.
એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાએ જણાવ્યું હતું કે ગુનો દાખલ થતાં જ સમીર ફરાર થઈ ગયો હતો. રાજકોટથી તે મોરબી, અમદાવાદ, સુરત, દમણ, સાસણ, કોલકત્તા, બિહાર, નેપાળ બોર્ડર, ઓરિસ્સા, તમીલનાડુ, ઉત્તરપ્રદેશ સહિતના ૨૩ સ્થળે ફર્યો હતો. જો કે તે મહેસાણામાં છુપાયો હોવાની બાતમી મળતાં જ એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી અને દબોચી લીધો હતો. તપાસમાં એવુ પણ ખુલ્યું છે કે ફરાર રહ્યો એ દરમિયાન તે ક્યારેક રાજકોટ પણ આવતો હતો. પરંતુ ત્યારે લેડીઝ કપડામાં કે બુરખામાં આવતો હતો. આ કપડા પણ તેની પાસે હોઇ પોલીસ સમક્ષ તેણે આ કપડા પહેર્યા હતાં.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ ફિરોઝભાઇ રાઠોડ, ઇન્દ્રસિંહ જાડેજા, હેડકોન્સ. મોૈલિકભાઇ સાવલીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, ઉપેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી
(2:50 PM IST)










