News of Monday, 9th February 2026
મિત્ર એક દિવસ માટે એક્ટીવા લઇ ગયો પછી પાછુ જ ન દીધું!
રેલનગરના રોહિત ચોૈહાણ સાથે કનકનગરના જલકીત સાકરીયાની છેતરપીંડી ત્રણ મહિના સુધી સમાધાનના પ્રયાસ કર્યા, છેલ્લે તો તેણે હવે ‘ફરિયાદ કરી લેજે' કહી ધમકી દીધીઃ પ્ર.નગર પોલીસમાં ગુનો દાખલ થયો

રાજકોટ તા. ૯: શહેરમાં મિત્રતાના નાતે વાહન આપવું એક યુવકને ભારે પડ્યું છે. રાજકોટના રેલનગર પલ્સ હોસ્પિટલ પાસે ભક્તિપાર્ક-૨માં રહેતાં અને છૂટક મજૂરી કરતા શ્રમિક યુવક પાસેથી તેનો મિત્ર એક દિવસ માટે એક્ટિવા માંગી ગયા બાદ સાત મહિના વીતી જવા છતાં વાહન પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
જાણવા મળ્યા મુજબ મુળ રાજકોટના અને છેલ્લા ૧૧ વર્ષથી સુરતમાં ફ્રુટ વેચવાની મજૂરી કરતા રોહિત ઉર્ફે રામ અમળતલાલ ચૌહાણ (ઉ.વ. ૩૦)ના પિતાનું અવસાન થતા તે આઠ માસ પહેલા રાજકોટ રહેવા આવ્યો હતો. રોહિત પાસે બીલખાના શૈલેષભાઈ માંડાણી પાસેથી ખરીદેલું એક એક્ટિવા જીજે૧૧બીપી-૭૨૪૯ હતું. આજથી સાતેક મહિના પહેલા રોહિતની મુલાકાત કનકનગર રાજારામ સોસાયટીમાં રહેતાં જલકીત સુરેશભાઈ સાકરીયા સાથે થઈ હતી. બંને વચ્ચે ફોન પર વાતચીત અને એકબીજાના ઘરે આવવા-જવાને કારણે ગાઢ મિત્રતા બંધાઈ હતી. શરૂઆતમાં જલકીત અવારનવાર એક્ટિવા ચલાવવા માટે લઈ જતો અને વિશ્વાસ જાળવી રાખવા માટે સમયસર પરત આપી દેતો હતો.
ફરિયાદ મુજબ ગત તા. ૨૫/૯/૨૫ના રોજ રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં ગેબનશા પીરની દરગાહ પાસે જલકીત અને રોહિત ભગા થયા હતાં. ત્યારે જલકીતે એક દિવસ માટે એક્ટિવા જોઈએ છે તેમ કહેતાં મિત્રતાના દાવે રોહિતે પોતાનું ૫૦ હજારનું વાહન તેને આપ્યું હતું. પણએક દિવસ પુરો થયા બાદ પણ વાહન પરત ન આવતા રોહિતે તપાસ શરૂ કરી હતી. પોતાનું વાહન માંગતા જલકીત દર વખતે હમણા આપી જાઉ છું કહી વાયદાઓ કરતો હતો. જ્યારે રોહિતે કડક શબ્દોમાં વાહન માંગ્યું ત્યારે આરોપી જલકીતે ઉધ્ધત વર્તન કરી હવે તું ફરિયાદ કરી લેજે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ જલકીતના મામા સંજયભાઈ મારફતે બે મહિના સુધી સમાધાનની વાતો ચાલી હતી, પરંતુ તેમ છતાં વાહન પરત મળ્યું નહોતું. અંતે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા ફરિયાદ નોંધાવી હતી. પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. વરૂએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(2:58 PM IST)










