<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

મઢી ચોકના ઢોસા કાફેમાં મયંક ખજુરીયા અને સુરેશની દારૂ ઢીંચી બઘડાટીઃ ડોયા, તપેલાથી હુમલોઃ ૩ને ઇજા

રાતે પોણા બારે ચાર જણાએ માલ ખતમ થઇ ગયો હોવા છતાં ઢોસા બનાવી દેવાનું કહી ડખ્‍ખો કર્યો : ગાંધીગ્રામ પોલીસે કાફે સંચાલક અબુબકર રાઉટરની ફરિયાદ નોંધીઃ મયંક, સુરેશ પીધેલા ઝડપાયા

રાજકોટ તા. ૯: રૈયા રોડ હનુમાન મઢી નજીક કલ્‍યાણ હાઇસ્‍કૂલ પાસે ઢોસા કાફે નામે મદ્રાસી વાનગીનો વેપાર કરતાં  મુળ તમિલનાડુના આધેડ અને તેના પુત્ર તેમજ કર્મચારી પર રાત્રીના છરીથી હુમલો થતાં સારવાર વેપારી અને કર્મચારીને સારવાર માટે દાખલ કરાયા છે. દૂકાન બંધ થઇ ગઇ હોઇ છતાં એક શખ્‍સ અને તેના મિત્રોએ આવીને ઢોસા બનાવી દેવાનું કહી હુમલો કર્યાનો આક્ષેપ કરાયો હતો.

આ બનાવમાં સાધુ વાસવાણી રોડ પર કૈલાસ પાર્ક-૧૦માં રહેતાં અને હનુમાન મઢી કલ્‍યાણ સ્‍કૂલ પાસે  ઢોસા કાફે ચલાવતાં અબુબકર મોહમદહનીફ રાઉટર (ઉ.વ.૪૫)ની  ફરિયાદ પરથી અલ્‍કાપુરી-૧ માતૃકૃપા ખાતે રહેતાં મયંક મહેન્‍દ્રભાઇ ખજુરીયા (ઉ.વ.૩૪) અને જામનગર રોડ પરસાણાનગર-૭માં રહેતાં સુરેશ સાજનભાઇ દુબે (ઉ.વ.૩૫) તથા બે અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. જેમાં મયંક અને સુરેશ બંને શખ્‍સ દારૂ પીધેલા હોઇ તે અંગે અલગથી ગુનો દાખલ કરી અટકાયતમાં લીધા હતાં.

અબુબકર રાઉટરે જણાવ્‍યુ છે કે રાતે પોણા બારેક વાગ્‍યે હું મિત્રની દુકાને હતો. ત્‍યારે મારા સાળા આરીફે ફોન કરી વાત કરી હતી કે ચાર જણા આવ્‍યા છે અને ઢોસા બનાવવાનું કહે છે. પણ ઢોસાનો માલ પુરો થઇ ગયો હોઇ બધુ બંધ કરી દીધુ છે. આમ છતાં આ લોકો ઢોસા બનાવવાનું કહી ઝઘડો કરે છે. આથી હું તરત જ દુકાને પહોંચ્‍યો ત્‍યારે મયંક અને સુરેશ તથા બીજા બે શખ્‍સો મારા સાળા સાથે માથાકુટ કરતાં હતાં. મયંક અગાઉ પણ મારી દુકાને ઢોસા ખાવા આવતો હોઇ જેથી તેને માથાકુટ નહિ કરવા સમજાવતાં તેણે કાફેમાં નુકસાન કરવાનું ચાલુ કર્યુ હતું અને ઝપાઝપી કરી હતી.

બાદમાં આ લોકોએ તપેલાથી અને ડોયાથી હુમલો કરતાં મને અને મારી સાથેના સાળા આરીફને ઇજાઓ થતાં દાખલ કરાયા હતાં. મારા દિકરા મોહમદ ઇબ્રાહીમને પણ મુંઢ માર માર્યો હતો. ઢોસાનો માલ ખતમ થઇ ગયો હોઇ છતાં આ લલોકોએ ઢોસા બનાવી દેવાનું કહી ઝઘડો કરી ડોયા, તપેલાથી હુમલો કર્યો હતો. તેમ વધુમાં અબુબકર રાઉટરે જણાવતાં ગાંધીગ્રામના હેડકોન્‍સ. એમ. જી. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન પોલીસે મયંક ખજુરીયા અને તેની સાથેના સુરેશ દુબેને દારૂ પીધેલા પકડી લીધા હતાં. મયંકે અગાઉ પોસ્‍ટમેન સાથે પણ માથાકુટ કરી ફરજમાં રૂકાવટ કરતાં તેની સામે કાર્યવાહી થઇ હતી. 

 

(3:30 PM IST)