<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

ગઢકાના પીજીવીસીએલ કોન્‍ટ્રાકટર લલિતભાઇ ઢોલરીયા સાથે જમીનના ભાગમાં કાકા-કાકી-પિત્રાઇની ઠગાઇ

સમજુતી મુજબ લલિતભાઈના પિતા અને ફઈએ દાદાની જમીનમાંથી પોતાનો હક્ક જતો કર્યોઃ પણ વચન મુજબ બીજી જમીનમાંથી ૬૬ ટકા ભાગ આપવાની વાત આવી ત્‍યારે કાકા કિશોરભાઈએ જમીન પોતાના દિકરા, પત્‍નિના નામે કરાવી લીધીઃ આજીડેમ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૦: જમીન-મિલકતના વિવાદમાં સગા સંબંધીઓ દ્વારા જ વિશ્વાસઘાત કરવામાં આવ્‍યો હોવાનો કિસ્‍સો રાજકોટના સરધાર ગામે બન્‍યો છે. સરધારના ભમ્‍મરીયા વાડી વિસ્‍તારમાં રહેતા અને પીજીવીસીએલમાં કોન્‍ટ્રાક્‍ટર તરીકે કામ કરતાં લલિતભાઈ મનસુખભાઇ ઢોલરીયા (ઉ.વ.૩૬)એ પોતાના કાકા, કાકી અને પિતરાઈ ભાઈ વિરૂધ્‍ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

લલિતભાઈની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે તેના કાકા કિશોરભાઇ નરસીભાઇ ઢોલરીયા, કાકી કંચનબેન કિશોરભાઇ ઢોલરીયા અને પિતરાઇ ભાઇ દર્શન કિશોરભાઇ ઢોલરીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેના પિતા મનસુખભાઈ અને તેમના કાકા કિશોરભાઈ વચ્‍ચે ઓક્‍ટોબર ૨૦૨૨માં પંચોની રૂબરૂમાં જમીન વહેંચણી અંગે સમજૂતી થઈ હતી. જે અંતર્ગત દાદા નરશીભાઈના નામની ગઢકા ગામની સર્વે નંબર ૨૬૬વાળી જમીન (૧-૭૦-૯૮ હેક્‍ટર) કાકા કિશોરભાઈના નામે કરી આપવાની તેવું નક્કી થયું હતું.

તેના બદલામાં કાકા કિશોરભાઈના નામની સર્વે નંબર ૨૬૮ પૈકી ૧ વાળી જમીન (૦-૫૪-૬૩ ચો.મી.) માંથી ૬૬ ટકા ભાગ લલિતભાઈના પિતા મનસુખભાઈને આપવાનું નક્કી થયું હતું. આ સમજૂતી મુજબ લલિતભાઈના પિતા અને ફઈએ દાદાની જમીનમાંથી પોતાનો હક્ક જતો કરી કાકા કિશોરભાઈના નામે જમીન કરી આપી હતી. પરંતુ જ્‍યારે વચન મુજબ બીજી જમીનમાંથી ૬૬ ટકા ભાગ આપવાની વાત આવી ત્‍યારે કાકા કિશોરભાઈએ દાદાની જમીન પોતાના નામે ચડી ગયા પછી ભાગ આપવાનું વચન આપી પિતા મનસુખભાઈને વિશ્વાસમાં લીધા હતા.

દાદાની જમીન પોતાના નામે  થઈ ગયા બાદ પણ કાકા કિશોરભાઈએ ભત્રીજાને જમીન આપવાને બદલે પોતાની જમીનમાં વારસાઈ કરાવી તેમાં દીકરા દર્શન અને પત્‍નિ કંચનબેનના નામ ચડાવી દીધા હતા. જ્‍યારે લલિતભાઈ અને તેમના પિતાએ પોતાના  ભાગની જમીન માંગી ત્‍યારે આરોપીઓએ તમને જમીનમાં કોઈ ભાગ આપવો નથી તેમ કહી ઇન્‍કાર કરી દીધો હતો. લલિતભાઈએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ બદદાનતથી એકબીજાની મદદગારી કરી, વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી તેમના પિતાનો કાયદેસરનો ભાગ ઓળવી લીધો છે.પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.

(12:06 PM IST)