હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મવડીના વેપારીને છેતરી સીંગતેલના ૩૦ ડબ્બા ગાયબ કરી જનારા ગુણવંતને પોલીસ પકડે એ પહેલા ઝેર પીધું
હું અશ્વીન મોલીયા બોલુ છું, મહિકામાં રાજખોડલ જનરલ સ્ટોરમાં કેટરર્સના કામે જરૂર છે કહી ૫૦ ડબ્બાનો ઓર્ડર આપ્યો હતો આજીડેમ ચોકડી માંડા ડુંગર પાસે રહેતાં ગુણવંતે આર્થિક ખેંચમાં આવી જતાં ઠગાઇ કર્યાનું અને સીંગતેલના ડબ્બા સસ્તામાં વેંચી માર્યાનું રટણઃ ૫૦ ડબ્બામાંથી ૩૦ નવાગામ ઉતાર્યા, ૨૦ મહિકા દુકાને લઇ આવવા ટેમ્પો ચાલકને કહ્યું: પણ મહિકામાં રાજખોડલ નામે દુકાન જ નહોતીઃ કુવાડવા પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૦: શહેરના મવડી પાળ રોડ પર રહેતા અને તેલ સપ્લાયનો વ્યવસાય કરતા યુવાન પાસેથી કેટરર્સના કામમાં ઉપયોગમાં લેવાના છે તેમ કહી એક શખ્સે રૂા. ૨૯૦૦ લેખે એક મળી સીંગતેલના ૩૦ ડબ્બા મંગાવી બારોબાર આ ડબ્બા ઉતરાવી રૂપિયા ૮૭ હજાર ન ચુકવી ફોન બંધ કરી ભાગી જઇ ઠગાઇ કરતાં કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધ્યો છે. જો કે આરોપીને પોલીસ પકડે એ પહેલા તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરાયો છે.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે મવડીના પાળ રોડ પર સેલેનિયમ હાઇટસ-૩૦૧ રામધણ પાસે રહેતાં વેપારી પ્રદિપકુમાર છીત્તસ્વામી પાનસેરીયા (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી માંડા ડુંગર પાસે રહેતાં ગુણવંત ભુપતભાઇ મેર વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ગત સાંજે ગુણવંતે ઝેરી દવા પી લેતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ત્યાંથી રજા અપાયે પોલીસ ધરપકડ કરશે.
ફરિયાદ મુજબ, ગત તા. ૦૨/૧૧/૨૦૨૫ના રોજ અશ્વિનભાઈ મોલીયા નામના શખ્સે વેપારી પ્રદિપકુમારને ફોન કરી મહિકા ગામ ખાતે પોતાની રાજખોડલ જનરલ સ્ટોર માટે ૫૦ ડબ્બા સીંગતેલનો ઓર્ડર આપ્યો હતો. જે મુજબ તા. ૦૪/૧૧ના રોજ વેપારીએ ટેમ્પો મારફતે માલ મોકલ્યો હતો. પણ ગાડી રસ્તામાં હતી ત્યારે અશ્વિનભાઈએ પ્લાન બદલી ડ્રાઈવરને નવાગામ ખાતે રૂડા ટ્રાન્સપોર્ટ નગર પાસે ૩૦ ડબ્બા ઉતારી દેવા જણાવ્યું હતું. નવાગામ ખાતે ૩૦ ડબ્બા ઉતાર્યા બાદ, બાકીના ૨૦ ડબ્બા આજીડેમ ચોકડી પાસે ઉતારવાનું નક્કી થયું હતું. અશ્વિનભાઈએ ડ્રાઈવરને જણાવ્યું હતું કે તેઓ બેંકમાંથી પૈસા ઉપાડીને આવે છે અને પેમેન્ટ કરી દેશે.
પરંતુ કલાકો સુધી રાહ જોયા બાદ પણ આરોપી ત્યાં આવ્યો નહોતો અને તેનો ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો. વેપારીએ જ્યારે મહિકા ગામે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ત્યાં રાજખોડલ જનરલ સ્ટાર નામની કોઈ દુકાન ત્યાં અસ્તિત્વમાં જ નથી. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે નવાગામ ખાતે ઉતારેલા તેલના ડબ્બા શિવાભાઈ માલીકીયા નામના વ્યક્તિએ રીક્ષામાં ચડાવ્યા હતા, જે તેમણે તેમના મિત્ર ગુણવંત ભુપતભાઈ મેર (રહે. માંડા ડુંગર, આજીડેમ)ના કહેવાથી મંગાવ્યા હતા. આમ અશ્વિન મોલીયા અને ગુણવંત મેર બંને એક જ હોવાનું અને ગુણવંતે જ નામ બદલી વેપારી સાથે ઠગાઇ કર્યાનું ખુલ્યું હતું.
કુવાડવા પીઆઇ બી.પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. ભગોરાએ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ત્યાં જ આરોપી ગુણવંત ઝેરી દવા પી જતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગુણવંતને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. તે અગાઉ ઇમિટેશનનું કામ કરતો હતો. ધંધામાં તૂટી જતાં ઠગાઇ કર્યાનું રટણ તેણે કર્યુ હતું. આગામી સમયમાં ઘરમાં પ્રસંગ હોઇ પોતે પકડાઇ જશે તેવી બીકમાં ઝેર પી ગયાનું રટણ કર્યુ હતું. હોસ્પિટલમાંથી રજા અપાયે પોલીસ કાર્યવાહી કરશે.










