<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

સંતોષીનગરમાં નેપાળી યુવાને ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી

પત્‍નિ કામેથી ઘરે આવી ત્‍યારે પતિ લટકતા મળ્‍યાઃ બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવતાં ગમગીનીઃ માનસિક તણાવ કારણભુત

રાજકોટ તા. ૧૦: શહેરના રેલનગર સંતોષીનગર એ. કે. બેકરી પાસે રહેતાં અને હોટેલમાં કૂક તરીકે કામ કરતાં નેપાળી યુવાને દૂપટ્ટાથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ સંતોષીનગરમાં રહેતાં લોકબહાદુર બહાદુરભાઇ બુધ્‍ધા (ઉ.વ.૪૩) નામના યુવાને સાંજે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેના તબિબે તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં પ્ર.નગરના પીએસઆઇ ડી. એસ. ગજેરાએ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

પોલીસ તપાસમાં ખુલ્‍યા  મુજબ આપઘાત કરનાર લોકબહાદુર ચાર ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે હોટેલમાં કૂક તરીકે કામ કરતાં હતાં. સાંજે પત્‍નિ બહારના ઘરકામ કરીને પોતાના ઘરે આવ્‍યા ત્‍યારે  પતિ લટકતાં જોવા મળતાં દેકારો મચાવી મુકતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં અને ૧૦૮ બોલાવી હતી. પણ તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. માનસિક તણાવને કારણે પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું.

બનાવની જાણ થતાં નેપાળી સેવા સમાજના અગ્રણી કાર્યકર સંજયભાઇ કારકીએ હોસ્‍પિટલ ખાતે પહોંચી મૃતકના પરિવારજનોને જરૂરી મદદ કરી હતી

(4:02 PM IST)